‘દેવદૂત નિવાસ’ના કાર્યાલયની ખુરશી પર બેઠેલી શીતલ સામેની દીવાલ પર ટિંગાતી છબિ સામે જોઈ રહી. એમાં કેથી ટોટોના ગાલ પર ચુંબન કરી રહી હતી અને ટોટો ખુશ થઈને તાળી પાડતો દેખાતો હતો. તસવીર જોતાં જોતાં એની નજર સામે ભૂતકાળ તાજો થઈ ગયો.
લગ્નના આઠ-નવ વર્ષ પછી બાળકના આગમનની બધી આશા છોડી દીધા પછી જ્યારે ખબર પડી કે એના ઉદરમાં એક ગર્ભ પાંગરી રહ્યો છે ત્યારે એ અને કેદાર બંને બેહદ ખુશ હતાં. કેદાર એની એટલી કાળજી કરતો કે કોઈ વાર તો એ અકળાઈ ઊઠતી.
‘તું ધીમે ચાલ, ખાવા-પીવામાં ધ્યાન રાખ, આરામ કર...’ આવી કેટલીય સૂચનાઓ એને મળ્યા કરતી. સાડા ત્રણ-ચાર મહિના થયા હતા ત્યારે એક દિવસ કેદારે યાદ કરાવ્યું.
‘આજે ડો. કપૂરની એપોઇન્ટમેન્ટ છે. ભૂલતી નહીં હોં! હું ઓફિસેથી સીધો હોસ્પિટલ પર પહોંચીશ. તું પણ ટેક્સી કરીને પહોંચી જજે.’
શીતલને તપાસીને આવ્યાં અને એના સોનોગ્રાફીના અને બ્લડના રિપોર્ટ જોતા હતા ત્યારે ડોક્ટરના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી.
‘શું થયું ડોક્ટર, કંઈ પ્રોબ્લેમ છે?’
‘જુઓ મિ. એન્ડ મિસિસ જોષી. મારે તમને કહેવું જ જોઈએ કે, પ્રોબ્લેમ તો મોટો છે. આ બધા રિપોર્ટ્સ કહે છે કે, બાળક ડાઉન સિન્ડ્રોમ ધરાવે છે. તમે બંને સમજી શકો એમ છો કે, આવા બાળકને ઉછેરવામાં આખી જિંદગી દાવ પર લગાવી દેવી પડે.’
શીતલ તો કશું બોલી શકે એવી સ્થિતિમાં જ નહોતી એટલે કેદારે પૂછયું, ‘કોઈ ઉપાય ખરો ડોક્ટર?’
‘ઉપાય તો મા-બાપના હાથમાં જ છે. આ બાળકને જન્મ આપવો કે પછી... એ તમારે જ નક્કી કરવાનું રહે છે?’
પત્તાનો મહેલ પવનના એક ઝાપટે જમીનદોસ્ત થઈ જાય એમ ડોક્ટરની એક જ વાતે એમના સપનાં ચૂરચૂર કરી નાખ્યા હતા. હતાશા, નિરાશા અને આંસુઓ વચ્ચે ગર્ભપાત કરાવવાનો નિર્ણય લેવાયો હતો. ભલે ફેંસલો બંનેનો હતો પણ શીતલ પોતાની જાતને જ દોષિત સમજવા લાગી હતી. વળી જ્યારે એને ખબર પડી કે હવે એ ફરીથી મા નથી બની શકવાની ત્યારથી તો એ વધારે સૂનમૂન, એકલવાયી અને ચિડચિડી થવા લાગી હતી. ભાગ્યે જ ઘરમાંથી નીકળતી. એક દિવસ એ જરૂરી ખરીદી માટે નજીકના સ્ટોરમાં ગઈ. ચીજવસ્તુઓ જોતાં જોતાં એના કાને કંઈક વિચિત્ર અવાજ અથડાયો.
‘આ... આ... આં...’ અને એની સાથે તાળી પાડવાનો અવાજ. એણે એ બાજુ નજર કરી તો ત્રણ-ચાર વર્ષના બાળકને બાબાગાડીમાં બેસાડીને એની મમ્મી ખરીદી કરી રહી હતી. જોતાંની સાથે સમજાય એવું હતું કે, બાળક સામાન્ય નથી. શીતલને પોતાની તરફ તાકી રહેલી જોઈને પેલી સ્ત્રી નજીક આવી. સામેથી એણે ઓળખાણ આપી.
‘હું કેથી અને આ મારો વહાલો દીકરો ટોટો. આમ તો એનું નામ થોમસ છે. પણ હું એને ટોટો કહું છું. ટોટો, આંટીને હાય કરો!’ છોકરાએ વિચિત્ર રીતે માથું હલાવ્યું અને પછી હાથ ઊંચો કરીને મોઢામાંથી અવાજ કાઢ્યો ઓ... ઓ... ઓ...
શીતલે કેથીને કહ્યું, ‘મારું નામ શીતલ, શીતલ જોષી...’
ટોટો બાબાગાડીમાં બેઠો બેઠો તાળી પાડવા લાગ્યો એટલે એણે બહુ મોટું પરાક્રમ કર્યું હોય એમ કેથી ખુશ થઈ ગઈ. એના મોઢામાંથી ટપકતી લાળ ટીશ્યૂથી સાફ કરી, એને બચ્ચી ભરીને શીતલને કહેવા લાગી, ‘એને તું ગમી ગઈ છે એટલે તાળી પાડીને એ તને જણાવવા માગે છે.’ છૂટા પડતાં પહેલાં બંનેએ ફોન નંબરની આપ-લે કરી.
ઘરે ગયા પછી એને એ જ વિચાર આવતો રહ્યો, કેથીને પણ ડોક્ટરે જણાવ્યું જ હશે ને કે, એનું અવતરનારું બાળક ક્ષતિગ્રસ્ત છે, તોયે એણે આ વિકલ્પ પસંદ કર્યો અને મેં ફક્ત મારો જ સ્વાર્થ જોયો. આત્મગ્લાનિથી એનું મન ભરાઈ ગયું. થોડા દિવસ પછી કેથીનો ફોન આવ્યો.
‘શું કરે છે શીતલ? ફ્રી હોય તો આવ મારા ઘરે, ગપ્પાં મારીએ.’
શીતલ પહોંચી ત્યારે કેથી ટોટોને ખવડાવી રહી હતી. એણે ટોટોને કહ્યું, ‘ટોટો, જો, કોણ આવ્યું છે?’
ખુશીના અતિરેકમાં ટોટોએ પ્લેટને ધક્કો મારી દીધો. વેરણછેરણ થઈને પડેલું ખાવાનું ઉપાડતી કેથીના મોં પર ગુસ્સા કે કંટાળાની એક રેખા પણ દેખાતી નહોતી. કેથીના પતિનું થોડા સમય પહેલાં જ હાર્ટ અટેકથી મૃત્યુ થયું એ જાણી શીતલે કહ્યું, ‘એકલા હાથે ટોટોને સાચવવામાં તને ઘણી મુશ્કેલી પડતી હશે, નહીં?’
‘ના, સાચું પૂછો તો એ મારે માટે જીવવાનું બહાનું છે. એ મારે માટે સ્પેશિયલ છે.’
‘એના જન્મ પહેલાં તને ખબર હતી કે, તારા ઉદરમાં આવું બાળક છે?’
‘હકીકત એ છે કે મેં એને જન્મ નથી આપ્યો. મેં અને મારા પતિએ પહેલેથી નક્કી કરેલું કે, આપણે એક બાળક દત્તક લઈશું, અમે જ્યારે અનાથાશ્રમમાં ગયા ત્યારે ટોટોએ મારો હાથ એટલા જોરથી પકડી રાખ્યો કે, ત્યારે જ અમે એને ઘરે લઈ આવવાનું નક્કી કરી નાખ્યું હતું. ત્યાં જ મારા પતિ...’
‘એટલે શું એમના ગયા પછી?’ શીતલ સ્તબ્ધ થઈ ગઈ.
‘હા, મેં એ રીતે એમનું તર્પણ કર્યું અને ટોટોના રૂપમાં મને જીવવાનું બહાનું મળ્યું.’
આ ઘટના પછી એણે ‘દેવદૂત નિવાસ’ની સ્થાપના કરીને પોતાના જ જન્મેલા બાળકને અંજલિ આપી અને આજે એવાં કેટલાંય બાળકો અહીં કિલ્લોલ કરી રહ્યાં છે.
શીતલે છબિ તરફ જોયું અને મનોમન બોલી, ‘થેંક્સ કેથી’.


