અનિતાબેનની દિવાળી

(નવલિકા)

- સંગીતા દત્તાણી, લેસ્ટર Wednesday 04th November 2026 05:21 EST
 
 

માડાગાસ્કરથી લંડન આવેલા અનિતાબહેન મારે ઘરે કામ માટે પૂછવા આવ્યા કે તમારે કંઈ કામ કરાવવું છે? તેમનો પહેરવેશ જોઈને હું જરા વિચારમાં પડી કે આ અનિતાબહેન તો સારા ઘરના લાગે છે, અચાનક એવી તે શી મજબૂરી આવી હશે? પણ વધારે ન વિચારતા મેં હા પાડી દીધી કે કાલથી બે કલાક મારા ઘરે કામ કરવા આવજો. બીજે દિવસે હું ફરી અચંબામાં પડી. આજે તો તે સરસ મજાની સાડી પહેરીને આવ્યા હતા અને તેમનું રૂપ તો જાણે જગદંબાને શરમાવે.
અંદર આવીને પૂછપરછમાં જ મેં ત્રીસ મિનિટ કાઢી નાંખી, તો મને જાણવા મળ્યું કે, અનિતાબહેન તો બહુ પૈસાવાળા છે, પણ સાસુની કચકચ બહુ સહન ન થાય અને ભાડા પણ મોંઘા તેથી વરજીને જરા સાથ આપવા માટે આ કામ તેઓને કરવું હતું.
દિવાળી નજીક હોવાથી મેં તો વાસણથી માંડીને બધું જ કામ તેના પર છોડ્યું, ને પાંચ દિવસમાં તો તેમણે મારું ઘર ચમકાવી દીધું. સાથે સાથે મેં બીજા ચાર ઘરનાં કામ અપાવ્યાં એટલે આઠ કલાક તો ક્યારેક દસ બાર કલાકનું મારી શેરીમાં જ કામ મળી ગયું.
મને પણ કોઈનું ભલું કર્યાનો આનંદ મળ્યો. અનિતાબેનનો સિતારો તેજ હતો. શરીરે પણ તંદુરસ્ત. કોઈ કામની ના જ નહીં, જે કહો તે બધું કરવા તૈયાર. એમાં આવી ધનતેરસ. અનિતાબેન તો જાણી લક્ષ્મીનું રૂપ. હું હજી એમને દિવાળીની ભેટ અને રોકડા પૈસા આપવા જતી હતી ત્યાં તો તે મને પગે લાગ્યા અને મારા હાથમાં એક મોટું બોક્સ મૂકતાં કહ્યું, ‘આ હું તમારા માટે લાવી છું’. હું તો આભી બનીને તે જોઈ જ રહી!
મને કંઈ બોલવાનો ચાન્સ જ ના આપ્યો અને કામ કરવાં લાગ્યાં. કામ કરતાં કરતાં મને કહે, ‘આજે બધાનાં ઘરે એક જ કલાક કામ કરીશ, ને બને તો ભાઈબીજ સુધી આ રીતે જ... જો તમને ફાવે તેમ હોય તો.’
મને તો એમ હતું કે તે આ પાંચ દિવસમાં આવશે જ નહીં, પણ અનિતાબેનની કામ કરવાની નિષ્ઠાને જોઈને હું ચકિત થઈ ગઈ.
સતત સાત વર્ષ સુધી આ નિષ્ઠાને તેણે પકડી રાખી, પછી તો અનિતાબહેનને પણ જરા ઉંમરનો ચમકારો દેખાવા લાગ્યો. લગભગ પિસ્તાળીસ વર્ષ થયા હશે તેમને, અને મારે ઘરે જ કામ કરતાં હતાં ત્યારે ડોક્ટરનો તેમના પર ફોન આવ્યો અને કહ્યું તમારા પગનું ઓપરેશન કરવું પડશે. બન્ને ગોઠણ સાવ ઘસાઈ ગયા છે, તાત્કાલિક જ કરવું પડશે. છતાં અનિતાબહેન દાદ દેતા ન હતા.
ખેંચ્યે જ રાખ્યું કામ એમણે. અંતે મારી શેરીને ખૂણે જ તે પડી ગયાં. મેં એમ્બ્યુલન્સ બોલાવી ને તેમને હોસ્પિટલમાં લઈ ગયા.
સાત સાત વર્ષની તેમની નિષ્ઠા અને દર દિવાળી ટાણે એમણે મને આપેલી ભેટને વાગોળતી રહી. એ સાત ભેટ એવી હતી કે મને ખરેખર કામ આવે. પહેલી દિવાળીએ એ મારા માટે મસાજર લઈ આવ્યાં હતાં. મારા પગના તળિયા બહુ દુખતા હોવાથી તે લઈ આવેલા અને એને કારણે જ મને સારું પણ થયું. બીજી દિવાળીએ ડિનર સેટ લાવ્યા હતા, જે મારે લેવાનો જ હતો. જાણે તેમને બધી ખબર હોય કે મારે શેની જરૂર છે! એ રીતે બીજા પાંચ વર્ષમાં પણ મારી જરૂરિયાત મુજબ ભેટ આપી ને હું એમને માત્ર મીઠાઈનું કે ચોકલેટનું બોક્સ અને થોડા કેશ ઉમેરીને આપતી, તે પણ ખુશ થઈને વિદાય લેતાં. સાત વર્ષનું સરવૈયું અને તેની સાથેની વાતચીત દરમિયાન જે વાત મને સમજાઈ હતી એ બીજા કોઈ પ્રસંગે નહોતી સમજાઈ.
છ મહિનાનો ઓપરેશન પછીનો આરામ કરીને કહો કે રિકવર થઈને અનિતાબહેન ફરી હાજર થઈ ગયા અને તે દિવસે ધનતેરસ હતી.
મારા વરજી અને દીકરાએ ઈશારાથી કહ્યું કે હવે આ હાલતમાં કામ ન કરાવાય, પણ અનિતાબહેન માને તેમ ન હતાં. હવે એમને માત્ર સેવા જ કરવી હતી. પૈસા પણ જે આપો તે જ લઈ લેતાં. આ ખુમારી, નિષ્ઠા, સમયસર આવનજાવન જોઈને ખરેખર એમ થયું કે માત્ર દિવાળી જ નહીં, પણ અનિતાબહેન જીવન આખું સરસ રીતે પસાર કરતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter