ઉડીસાની આજુબાજુ આવેલાં ગીચ જંગલોમાં વસતી આદિવાસી પ્રજાનો એક સભ્ય પરમો. નાળિયેરના પાન અને વાંસની ચીપમાંથી ટોપલી બનાવતા આવડે અને તીર-કામઠું ચલાવી જાણે. વેંતએકના કપડાંથી શરીરના નીચલાં અંગો જેમતેમ ઢાંકે. કંદમૂળ, પશુ-પક્ષી કે પછી ભાત (ડાંગર)એ એમનો ખોરાક, રોજ મળે એવું નક્કી નહીં. ક્યારેક નસીબ બળવાન હોય તો ઉપરાઉપરી બે દિવસ કંઈક ખાવાનો મેળ પડી જાય ને કોઈ વાર જંગલમાં ભટકીને થાકે તોય ખાવા ભેગા ન થવાય.
આ પરમો કોણ જાણે કેટલાય વખતથી જેલની કાળ કોટડીમાં સબડતો હતો. આજે બે સિપાઈઓ એને બન્ને બાવડેથી પકડીને જેલના મુખ્ય અધિકારીની ઓફિસમાં લઈ આવેલા. કેટલા મહિને કે કદાચ કેટલાં વર્ષે અંધારી કોટડીમાંથી નીકળવા મળ્યું એટલે એ ખુશ હતો.
‘તારું નામ પરમો, કેમ?’ જેલરે કડકાઈથી પૂછયું.
‘હો...’
‘તને ખબર છે, બે દિવસ પછી તને ફાંસી થવાની છે?’ એણે હકારમાં મૂંડી હલાવી ત્યારે એના ચહેરાની રેખામાં જરાય ફેરફાર નહોતો થયો. ‘મોટા સાહેબનો હુકમ છે કે ફાંસી આપતા પહેલા તારી છેલ્લી ઈચ્છા પૂરી કરવી. બોલ, તારી શું ઇચ્છા છે?’ પરમાને સાહેબ દેવદૂત જેવા લાગ્યા.
જરાક અચકાતાં અચકાતાં એણે કહ્યું, ‘મને ઇયાં લાયા તારે મેં ગળામાં પેરેલી તે રંગીન પથ્થરોની માળા, હાથમાં પેરેલું લોઢાનું કડું, કાનમાં પેરેલા તે હાથીદાંતના ઝૂમકા ને મારી પોતડી - આ બધું મને પાછું મલસે કે માઈ-બાપ?’
અધિકારીને હસવું આવ્યું. એ બધી ગંધાતી ચીજોનું આ શું કરવાનો હશે કોણ જાણે? પણ મોટું ગંભીર રાખીને કંઈક સમભાવ બતાવતા એમણે કહ્યું, ‘એ બધા પર તો તારો હક્ક છે. તને જરૂર પાછું મળશે પણ તારી કંઈ ઇચ્છા બાકી રહી જતી હોય તો બોલ, કંઈ જોઈએ છે?’
આવું માગી શકાય કે નહીં એવી અવઢવ વચ્ચે એણે કહ્યું, ‘દાલ-ભાત ખાના હે. દાલ-ભાત મિલેગા માલિક? પેટ ભરકે’.
દાળ-ભાત?! માગી માગીને છેલ્લે, મરતાં પહેલાં કોઈ દાળ-ભાત માગે? જેલરને આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું - ‘કેમ?’
‘ઇસ જનમમેં દાલ કબ્બી ખાનેકુ નંઈ મિલા. હંમેશાં નમક ઔર ચાવલ ખાયા. મરને સે પેલ્લે પતા તો ચલે કે દાલ હોતી કેસી હૈ? એક બાર મિલ જાવે તો બડી મે'રબાની માઈ-બાપ, પેટ ભરકે ખાને કું મંગતા.’
‘કેટલા ભાતમાં તારું પેટ ભરાશે કહે.’ કંઈ મજાકના ભાવ સાથે જેલરે કહ્યું.
હાથ જેટલા પહોળા કરી શકાય એટલા કરીને એણે બતાવ્યું - ‘ઈતના.’
‘આટલા ભાત તું એકલો ખાઈશ? ઠીક... અને દાળ કેટલી જોઈશે?’
દાળનું પ્રમાણ કેવી રીતે બતાવવું એની મૂંઝવણમાં એણે આમતેમ નજર કરી ત્યાં ખૂણામાં પડેલી ડોલ દેખાઈ. એની આંખોમાં ચમક આવી - ‘આ ભરીને.’
બીજે દિવસે એને નવડાવવામાં આવ્યો. માથે મુંડન કરાવ્યું. દાઢી બનાવી અને એક નવી વર્દી પહેરાવાઈ. પછી એને પૂછવામાં આવ્યું - ‘તારો ધર્મ ક્યો?’ એણે તો ધર્મ શબ્દ પહેલી જ વાર સાંભળ્યો હતો.
ધર્મ એટલે વળી શું? એણે હાથ અને મોંના હાવભાવથી સમજાવ્યું કે, ‘નથી ખબર...’ જેને પોતાના ધર્મ વિષે ખબર નહોતી એની સદ્ગતિ થાય એ માટે ચાર ચાર ધર્મના ધર્મગુરુઓને બોલાવાયા - પાદરી, મૌલવી, પંડિત અને બોદ્ધ ભિક્ષુ. સૌએ પોતાની અલગ અલગ રીતે એની મુક્તિની પ્રાર્થના કરી. કામ પતાવીને બીજા બધા તો ચાલ્યા ગયા પણ, બૌદ્ધ સાધુના મનમાં કંઈક ખટકતું હતું. એને પરમાની આંખોમાં એટલી નિર્દોષતા દેખાતી હતી કે, એ એને ખૂની માનવા તૈયાર નહોતા. એમણે સીધું જ પૂછી લીધુંઃ ‘વત્સ, તે ખૂન કર્યું હતું?’
‘હા મહારાજ, એક અંગરેજ કો માર ડાલા.’
‘શા માટે?’
‘મારી નાનકડી છોકરી ભિરવા... મેરે કો બોત પ્યારી, ઘર કે પાસ ખેલ રહી. એક રાક્ષસ અંગરેજ આકે ઉસ ખીંચકે ખેતમેં જાકે...’ બોલતાં બોલતાં અત્યારેય એની આંખો લાલચોળ થઈ ગઈ.
‘ફિર?’
‘ફિર ક્યા? વો બાજુમેં દગડ (પથ્થર) પડા રહા વો ઉઠાકે ઉસકે સિર પર દે મારા. બસ, તબસે ઇયા હૈ. પણ મહારાજ, કોઈ અફસોસ નંઈ હોવે હૈ.’
બપોરે એક મોટી તાસકમાં ગરમાગરમ ભાત અને બાલદીમાં દાળ આવ્યાં. દાળની સોડમથી પરમાની ભૂખ ઊઘડી. બે વાર, ત્રણ વાર ભાતનો ડુંગર બનાવી એમાં દાળની નદી વહાવી અને અકરાંતિયા થઈને ખાધું. હવે પેટમાં જરાય જગ્યા નહોતી. ભાતની તાસક અને દાળની બાલદી વચ્ચે મૂકી આજુબાજુ એની પથ્થરની માળા, લોઢાનું કડું, અધોવસ્ત્ર તરીકે તે પહેરતો એ કપડું બધું ગોઠવ્યું. આટલું કામ પતાવ્યા પછી એક અધિકારીને બોલાવ્યા.
‘સા'બ આ પથ્થરની માળા, કડું, કપડું બધું મારું છે પણ હવે મારે કંઈ કામનું નથી. કાલે મને ફાંસી અપાઈ જાય પછી મારી ઘરવાળી, મારી બિરવા ને એક લડકા ભી હે, વો સબ આવેગો. આ બધું એમને વાપસ કરજો.’
‘ઠીક હે...’
‘ઔર યે દાલ-ભાત...?’
‘હા, હા તારા માટે જ બનાવડાવ્યા છે. એટલે તારાં જ છે. હજી ખાવા છે?’
‘નંઈ નંઈ સા'બ, બોત પેટ ભર ગયા. અબ તો ખાને કો જાઈ તો મર જાઈ, વેસે ભી કલ તો આપ મારનેવાલે હો તો આજ કાહે કો મરના?’ મરવાનું રજમાત્ર પણ દુઃખ ન હોય એમ એ હોહા કરતો હસી પડ્યો અને ખુશ થઈને કહેવા લાગ્યો, ‘બસ, યે દાલ-ચાવલ મેરા હી હોવે તો વો ભી મેરે ઘરવાલોં કો દે દેના.’
અચાનક એની આંખોમાં ભીનાશ આવી, ‘સા'બ છોરોને કભી દાલ-ચાવલ ન ખાયેં. જીવતા તો કંઈ આપી ન શક્યો. અબ મરકે ઉનકા પેટ ભર સકુંગા’. પછી આંખો લૂંછતાં લૂંછતાં એ હસી પડ્યો.
(લેખકની ઉડિયા વાર્તાને આધારે આશા વિરેન્દ્ર દ્વારા ભાવાનુવાદ)


