આખા ગામના ખેડૂતોની હાલત દયાજનક હતી. બે ટંક પેટ ભરીને ખાવું એ તો જાણે જાહોજલાલી ગણાય પણ, એક ટંક આખું કુટુંબ જમી શકે એવી કલ્પના કરવીય હવે મુશ્કેલ બની ગઈ હતી. ત્રણેક દિવસ પહેલાં ભરાયેલ જાહેર સભામાં આસપાસનાં ગામના સરપંચોએ એલાન કર્યું હતું - ‘ભાઈઓ આપણે સરકારને વારંવાર વિનવણી કરી... આપણી મુશ્કેલીઓની રજૂઆત કરી. આપણાં બાળકો કુપોષણનો ભોગ બન્યા છે અને ઢોરઢાંખર મરવાના વાંકે જીવે છે. આવી પરિસ્થિતિમાં કંઈક રસ્તો કાઢવો. એ સરકારની ફરજ છે પણ કોઈના પેટનું પાણી હલતું નથી.’
લાગે છે કે આત્મવિલોપનની ધમકી સાથેની રેલીઓ નીકળશે. રેલીમાં ભાગ લેવા ગામેગામથી લોકો ઊમટી પડશે અને થયું પણ એવું જ. રેલીને સફળ બનાવવા બધી બાજુએથી આવી પહોંચેલાં કિસાન ભાઈ-બહેનોએ હાઈ-વે પર તસુભાર જગ્યા પણ રહેવા દીધી નહોતી જ્યાં નજર પડે ત્યાં બસ માનવ મહેરામણ. સ્ત્રીઓ તો કુમળા બાળકોને છાતીએ વળગાડીને આવી હતી. યુવાનોનો જુસ્સો અને આક્રોશ ચરમ સીમાએ હતો. મા-બહેનોની ઓઢણી અને જૂની સાડીઓનાં બેનર બનાવીને એની પર જાતજાતના લખાણો લખ્યાં હતાં.
‘અમે તમને જીવાડીએ છીએ પણ અમને કોણ જીવાડશે..?’, ‘અમારી હત્યાનું પાપ તમે કોઈ સાબુથી ધોઈ નહીં શકો...’, ‘અમને ન્યાય જોઈએ, અન્યાય ચલાવી નહીં લઈએ...’, ‘અમારા પરસેવાનું યોગ્ય મૂલ્ય ચૂકવો!’
પોલીસની આખી જમાત વ્યવસ્થા સાચવવા અને ખેડૂતોને કાબૂમાં રાખવા હાઈ-વે પર ઊતરી પડી હતી. ડીએસપી, ડીવાયએસપી, કલેક્ટર કક્ષાના સરકારી અમલદારો ખેડૂતોનો સંપ જોઈને રઘવાયા બની ગયા હતા. કિસાનોના આગેવાનો સાથે કલેક્ટર શક્ય એટલા નમ્ર બનીને સમજાવટનો પ્રયત્ન કરી રહ્યા હતા.
‘જુઓ ભાઈઓ, એવું નથી કે સરકારને તમારી ચિંતા નથી. તમારી માગણી પૂરી કરવા આપણા માનનીય મંત્રીશ્રી પૂરા પ્રયત્નો કરે છે પણ, થોડો સમય આપો.’
‘હજી કેટલો સમય જોઈએ સાહેબ, અમારાં બૈરાં-છોકરાં મસાણ ભેગાં થાય ત્યાં સુધીનો..?’ અકળાયેલા યુવાન ખેડૂતે હાથમાંનું કેરોસીનનું કેન બતાવતાં ધમકી આપી.
‘તમારા કોઈ સાથે નહીં, અમારે સીધી મંત્રી મહોદય સાથે વાત કરવી છે. જો અડધા કલાકમાં એમને હાજર નહીં કરો તો અમને સમૂહમાં બળી મરતાં રોકી નહીં શકો.’
ખેડૂતોના સંઘ બળ સામે ઝૂક્યા વિના મંત્રીશ્રીનો છૂટકો નહોતો. આવીને નમસ્કારની મુદ્રામાં બે હાથ જોડી લળી લળીને કહેવા લાગ્યા.
‘અરે, મરવાની વાત તમારે મોઢે શોભે? એ તો કાયરનું કામ છે. તમે સૌ તો દેશના તારણહાર છો. બોલો, તમારી શું માગ છે?’
સૌથી વયસ્ક ખેડૂતે આગળ આવીને કહ્યું, ‘સાહેબ, તમે તો જાણો જ છો. ઓણ સાલ વરસાદ દગો દઈ ગયો. વાવેલાં બિયારણનો ખર્ચા માથે પડ્યો ને ખેતરો સુક્કાં ભઠ્ઠ જેવાં પડ્યાં છે. અમને થયેલી નુકસાનીનું વળતર જોઈએ.’
‘વળતરની રકમ તો આપણે ગયે વર્ષે પણ આપી હતી ને?’ મંત્રીશ્રીએ કલેક્ટરને પૂછ્યું. ‘હા, પણ ગયે વર્ષે અતિવૃષ્ટિ થઈ અને પાક ધોવાઈ ગયો એટલે નુકસાની આપવી પડેલી.’
‘હા... હવે મુશ્કેલીનું મૂળ કારણ સમજાયું. કાં તો વરસાદ ઓછો પડે છે, કાં તો વધારે... જો માફકસરનો, જેટલો જોઈતો હોય એટલો જ વરસાદ મળી રહે તો તમારી બધી સમસ્યા હલ થઈ જાય.’ પરમજ્ઞાનીની અદાથી મંત્રીશ્રી બોલ્યા.
‘પણ સાહેબ, એ બધું તો કુદરતના હાથમાં છે. સમપ્રમાણ વરસાદ મળે એ કેવી રીતે શક્ય છે?’
કલેક્ટર મૂંઝાઈને જોઈ રહ્યા. આજુબાજુ એકઠા થયેલા ખેડૂતો મંત્રીશ્રીની વાતથી પ્રભાવિત થઈને આશાભરી નજરે એમની તરફ જોઈ રહ્યા હતા.
‘જુઓ, પાક માટે જરૂરી હોય એટલો વરસાદ પડી જાય પછી બધાં ખેતરોને તાડપત્રીથી ઢાંકી દઈએ તો પાકનું રક્ષણ થાય કે નહીં?’
‘હા... એ વાત તો સાચી.’
‘બસ, તો પછી સર્વે કરાવો.’
‘કેટલા ખેતરો છે, એનું ક્ષેત્રફળ, એને ઢાંકવા કેટલી તાડપત્રી જોઈએ એ બધું મને વિગતવાર જોઈએ.’ મંત્રીથી રૂઆબભેર બોલ્યા.
‘પણ સાહેબ, જે વર્ષે દુકાળ પડે તે વર્ષે પાક માટે શું કરવાનું?’
‘અરે, એ પણ મારે સમજાવવાનું? દરેક ખેતર સાથે એક એક તળાવ બનાવી આપવાનું. વરસાદનું પાણી ન હોય ત્યારે તળાવનું પાણી વાપરવાનું.’
પછી ખેડૂતો તરફ જોતાં એમણે કહ્યું, ‘ભાઈઓ, તમારું દુ:ખ હું બરાબર સમજું છું. મને તો એટલું લાગી આવે છે કે, વરસાદ ઓછો હોય કે વધારે, દરેક પરિસ્થિતિમાં સહન કરવાનું તમારે ભાગે જ કેમ આવે છે? મારે સદાને માટે આ પ્રશ્નનું નિરાકરણ લાવવું છે.’
મંત્રીશ્રીની સહાનુભૂતિભરી વાણી સાંભળીને ખેડૂતો એકબીજાનાં મોઢાં જોવા લાગ્યા. એમને થયું, ‘હા અલ્યા, વાત તો સાવ સાચી, વરસાદ ઓછો થાય તો આપણી ફસલ સુકાઈ જાય. વધારે થાય તો પાક કોહવાઈ જાય. અતિવૃષ્ટિમાં ઝૂંપડાં પણ આપણાં જ પડે. આવું કેમ. એ તો આપણે કોઈ દિ’ વિચાર્યું જ નહીં.’
સૌ સામે હાથ હલાવતા, મંદ મંદ સ્મિત કરતાં, હાથ જોડીને ગાડીમાં બેસતાં પહેલા મંત્રીશ્રીએ કહ્યું, ‘ભાઈઓ, હું તો તમારો સેવક છું. તમારી સેવા કરવાની જવાબદારી મારે માથે છે. તમારે કશી ચિંતા કરવાની જરૂર નથી.’
ઉદાસ ચહેરે, નિરાશ સ્વરમાં રાઘવે સરપંચને પૂછ્યું. ‘દાદા, નુકસાનીની રકમનું તો સાહેબ કંઈ બોલ્યા જ નહીં?’
‘ડોબા, અક્કલ વગરના, સાહેબ કેટલું બધું દૂરનું જોઈ શકે છે એ તને સમજાતું નથી. ને ટૂંકા ગાળાની રાહતનો જ વિચાર કરે છે!’
રાઘવે ધીમેથી ડોકું હલાવતાં કહ્યું, ‘તમારી વાત તો સાચી, હં દાદા!’
(લેખકની હિંદી વાર્તાને આધારે આશા વીરેન્દ્ર દ્વારા ભાવાનુવાદ)


