દીદી

- વિનોદ ગોરવાડકર Tuesday 07th April 2026 07:25 EDT
 
 

એના હાથ નીચે કામ કરતા દીપકની બદલી થઈ ત્યારથી નિખિલને ઓફિસમાં કામનું ખૂબ ભારણ રહેતું. બે માણસનું કામ એના એકલાને માથે આવી પડ્યું હતું. અંતે કંટાળીને એણે મોટા સાહેબને કહી જ દીધું હતું કે, આટલું બધું કામ એકલપંડે કરવું શક્ય જ નથી. મારી મદદમાં એક માણસ તો જોઈશે જ. છેવટે સાહેબને પણ થયું કે, માર્ચ મહિનો નજીક આવે છે અને હિસાબ-કિતાબનાં કેટલાંય કામ આટોપવાનાં બાકી છે.

કંઈ પણ વિશેષ ઘટના બને એ પોતાની ડાયરીમાં નોંધવાની નિખિલને ટેવ હતી. જે દિવસથી રવિ એને મદદનીશ તરીકે મળ્યો ત્યારથી લખાયેલાં એની ડાયરીનાં પાનાં પર ચાલો, નજર કરીએ.

તા. 3 માર્ચ: આખરે સાહેબે કૃપા કરીને મને રવિ આપ્યો ખરો! મજાનો માણસ લાગે છે. એનામાં કામની સમજ અને કામ કરવાની દાનત બેઉ હોય એવું દેખાઈ આવે છે. હાશ! એના આવવાથી મારો બોજો હળવો થશે ખરો! સુનિતાય રોજ કહ્યા કરતી હતી કે તમારે જ આટલું બધું કામ કેમ કરવું પડે છે? રવિ આવ્યો એટલે એના મનનેય શાંતિ થઈ.

તા. 15 માર્ચ: રવિએ ઝડપથી કામ સંભાળી લીધું છે. ચપળ અને હોંશિયાર છે પણ તેની આંખોમાં ઉદાસી ડોકિયાં કરતી હોય છે. કેમ, કોણ જાશે! કોઈની અંગત વાતમાં માથું શી રીતે મરાય? સુનિતાને વાત કરી તો કહે, તમારે રોટલા સાથે કામ છે કે ટપટપ સાથે? હું ચૂપ થઈ ગયો હતો.

તા. 28 માર્ચ: આ મહિનાના અંત સુધીમાં પતાવવાનાં મોટાભાગના કામ પતી ગયાં હતાં. એટલે સાંજે હું અને રવિ ‘મદ્રાસ કાફે’માં કોફી પીવા ગયા. એકબીજાના પરિવાર વિષે વાત નીકળી ત્યારે એણે કહ્યું કે, એના ઘરમાં એની પત્ની, દીકરો અને દીદી છે. મેં પૂછયું. ‘દીદી એટલે તારી બેન?’ એણે ધીમું હસીને કહ્યું, ‘ના, મારી દીકરીને અમે દીદી જ કહીએ છીએ. એનો નાનો ભાઈ એને દીદી કહે, એટલે અમને પણ ટેવ પડી ગઈ છે.’

તા. 6 એપ્રિલ: આજે રવિએ મારી પાસે 500 રૂા. ઉધાર માગ્યા. શા માટે? તો કહે કે, હજી પગાર નથી થયો અને રમકડાં માટે દીદી જીદે ચઢી છે તે આજને આજ લઈ ગયે જ છૂટકો છે. પૈસા આપ્યા તો ખરા પણ મારા મનમાં સવાલ ઊઠ્યો કે, દીકરા કરતાં દીકરી તો મોટી છે તોય એને માટે રમકડું ને દીકરા માટે નહીં?
પછી તો કેટલીયવાર રવિનાં મોઢે દીદીની કંઈ ને કંઈ વાત સંભળાયા જ કરતી. દીદીને ચોકલેટ ભાવે, એને આઈસક્રીમ ભાવે, એને માટે નવું ફ્રોક લીધું - આવું કંઈક ને કંઈક... મને લાગતું કે દરેક બાપને દીકરી વહાલી હોય પણ રવિ વધારે પક્ષપાતી બનીને દીકરાને અન્યાય તો નથી કરી રહ્યો ને?

તા. 12 એપ્રિલ: આજે ઓફિસમાંથી નેશનલ પાર્કની પિકનિક હતી. વર્ષમાં એકવાર સપરિવાર ફરવા જવાનું આયોજન થતું. સૌ કુટુંબી સાથે આવતા અને હોંશેહોંશે એકબીજાને મળતા. રવિ ફકત પોતાના દીકરાને જ લઈને આવ્યો હતો. કહેતો હતો કે દીદીને બે દિવસથી તાવ હતો. આખો દિવસ ગરમીમાં રખડીને તાવ વધી જાય તો? એટલે એ અને દિવ્યા (એની પત્ની) નથી આવ્યાં.

તા. 29 મે: મારો દીકરો પાર્થ આજે દસ વર્ષનો થયો એટલે એની વર્ષગાંઠની ઉજવણીમાં એના દોસ્તો તો ખરા જ પણ મારા સહકર્મચારીઓને પણ આમંત્રિત કરેલા. સૌ પ્રેમથી આવ્યા. પાર્થને કેટલી બધી ભેટસોગાદો મળી પણ મારા મનમાં ‘દીદી’ની ગેરહાજરીનો ખટકો રહી ગયો. દિવ્યાએ કહ્યું કે, એની સ્કૂલમાંથી માછલીઘર જોવા લઈ જવાના હતા. અહીં આવવા કેટલું સમજાવી પણ એ તો કહે કે, હું બહેનપણીઓ સાથે જ જઈશ.

તા. 27 જૂન: ઓફિસમાં આજે બધા ગપ્પા મારવાના મૂડમાં હતા. ચાલો, આજે આપણા પરિવારના દરેક સભ્યની જન્મતારીખની નોંધ બનાવીએ? કંઈ નહીં તો ફોન કરીને શુભેચ્છા પાઠવી શકાય! રવિએ પોતાની દિવ્યાની અને દીકરાની જન્મતારીખ લખાવી પછી ધીરેથી બોલ્યો, ‘દીદીનો જન્મદિવસ 14મી ઓગસ્ટે આવે છે પણ કોઈ ઘરે આવે કે ફોન કરે એ એને પસંદ નથી પડતું એટલે...’ બધા હસી પડ્યા. ‘અરે યાર! આમેય તે આમંત્રણ વિના કોણ તારે ત્યાં આવવા નવરું છે?’ પણ મેં ઘરે આવીને સુનિતાને કહ્યું. 14 ઓગસ્ટ યાદ રાખજે. દીદી માટે સરસ મજાની ભેટ લઈ જઈને રવિને સરપ્રાઈઝ આપીશું.

તા. 14 ઓગસ્ટ: સુનિતા અને પાર્થ કીચન સેટ અને ચોકલેટનો ડબ્બો લઈ રવિને ઘેર પહોંચ્યા. જોરદાર આંચકો લાગ્યો હોય એમ એનાં મોઢામાંથી માંડ માંડ નીકળ્યું, ‘અરે તમે?’ મેં કહ્યું, ‘કહેવાય ને કે, પ્યાસે કો પાનીકે પાસ જાના પડતા હૈ? દીદીને મળવાની લાંબા વખતની ઈચ્છા હતી એટલે એને જન્મદિવસની શુભેચ્છા આપવા અમે જ આવી પહોંચ્યા...’

રવિ અને દિવ્યાની આંખોમાં આંસુ તગતગતાં હતાં. અંદરના ફુગ્ગા અને તોરણોથી સજાવેલા રૂમમાં એ મને હાથ પકડીને લઈ ગયો. દીવાલ પર રંગીન કાગળો ચીટકાવીને લખ્યું હતું. ‘હેપ્પી બર્થડે ટુ અવર ડિયરેસ્ટ દીદી’ પલંગ પર નિર્જીવની જેમ એક નાનકડી કાયા પડી હતી. રવિ મને ભેટીને રડી પડ્યો ને કહેવા લાગ્યો. સૌ કોઈ અમારી ને એની દયા ખાય એ એમને નહોતું ગમતું એટલે તમારા બધાથી આ વાત છુપાવી હતી. ‘મસ્ક્યુલર ડિસ્ટ્રોફી’ નામના રોગથી પીડાતી આ છે મારા કાળજાનો ટુકડો, મારી વહાલી દીદી કોઈ પણ હિસાબે મારે એને જિવાડવી છે. મેં રવિનો હાથ ઉષ્માપૂર્વક દબાવ્યો અને અમે ચૂપચાપ ત્યાથી ચાલી નીકળ્યાં.
તા. 5 સપ્ટેમ્બર: આજે ઓફિસમાં સમાચાર આવ્યા દીદી હવે નથી રહી.

(લેખકની મરાઠી વાર્તાને આધારે આશા વીરેન્દ્ર દ્વારા ભાવાનુવાદ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter