આઝાદી મળ્યાનો શરૂઆતનો સમય હતો. ગામડાઓની શકલમાં કશો ફરક પડ્યો નહોતો. એમાંય વળી તામિલનાડુનું સાવ નાનું એવું ગામ જ્યાં કોંડુ સિવાય કોઈ આઠ ધોરણથી ઉપર ભણ્યું નહોતું. કોંડુ વાંચી-લખી શકતો, હિસાબ કરી શક્તો એટલે ગામઆખામાં એનું માન હતું. વળી છોકરો સ્વભાવે પણ સરળ, બધાને ખપ લાગે. તેથી જ તો બાજુના ગામ સુધી એની ખ્યાતિ પહોંચેલી.
ગામના મુખીએ એને ઝૂંપડે આવીને કીધેલું, ‘કોંડુ, મપ્પિલાઈના શાહુકારની દીકરી માટે મેં તારી વાત ચલાવેલી રવિવારે સવારની બસમાં છોકરી જોવા જવાનું છે. હું તારી ભેગો આવીશ. વહેલો તૈયાર થઈ રેજે.’
હકીકતમાં છોકરા-છોકરીના ચોકઠાં ગોઠવી આપીને મુખી દલાલી મેળવતા. બન્ને પાર્ટીની આર્થિક સ્થિતિ જોઈને મુખી કમિશનની રકમ નક્કી કરતા. એ જાણતા હતા કે, કોંડુના ઘરેથી તો કંઈ ખાસ મળે એમ નહોતું પણ સામી પાર્ટી ખાસ્સી માલદાર હતી એટલે એમણે બસો રૂપિયા મળવાની ગણતરી રાખેલી. મુખી સરસ મજાની ધોતી પહેરીને આવી પહોંચ્યા. એમણે જોયું કે, કોંડુએ એક સાવ મામૂલી ખમીસ પહેરેલું અને પગમાં રબરની ચંપલ પહેરેલી, પણ એમને થયું કે વાંધો નહીં, છોકરીના બાપા પાસે કોંડુની હોશિયારીનું એવું વર્ણન કરીશ કે એ પાણી પાણી થઈ જશે. મપ્પિલાઈ ઊતરીને હજી બસમાંથી નીચે પગ મૂક્યો ત્યાં તો શાહુકારનો મુનીમ આવી પહોંચ્યો.
‘આવો...આવો...’ કરીને એણે સત્કાર કર્યો એ સાથે મુખી ખુશ થઈને એની સાથે ચાલવા ગયા પણ એણે કહ્યું, ‘શ્રીમાન, વાત જાણે એમ છે કે, શેઠજીએ કહેવડાવ્યું છે કે, આપ બપોરે એક વાગ્યા પછી બંગલે પધારજો. ત્યાં સુધીનું ચોઘડિયું સારું નથી. આપના ભોજનની વ્યવસ્થા ત્યાં જ રાખી છે એટલે એ પ્રમાણે પહોંચી જજો.’
ભલે મોઢું હસતું રાખ્યું પણ મુખીને આ વાત આફત જેવી તો લાગી જ. કોંડુ પણ જરા ખિજાઈને બોલ્યો, ‘આ તો કેવું વિચિત્ર કહેવાય! હજી તો સાડા દસ વાગ્યા છે. એક વાગ્યા સુધી આ અજાણ્યા ગામમાં આપણે ક્યાં જશું?’
ખસિયાણું હસતાં મુખીએ કહ્યું, ‘પણ એ બિચારા શું કરે? સારા કામ માટે કાળ કે ચલ ચોઘડિયામાં તો ન જ જવાય ને દિવસમાં આ એક જ બસ આવે છે એટલે આપણે વહેલા આવી જવું પડ્યું.’
‘એ તો ઠીક, પણ હવે આપણે શું કરવાનું?!’
‘હું સાથે હોઉં પછી તારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તને બીજી એક છોકરી બતાવું.’
‘બીજી છોકરી? શા માટે? આપણે તો જેને જોવાનું નક્કી કરીને આવ્યા છીએ એ જ જોવાનીને?’
‘તું જરાય સમજતો નથી, કોંડુ... એક પંથ ને દો કાજ થઈ જાય તો એમાં વાંધો શું છે? વળી આપણો સમય પણ પસાર થઈ જાય!’ પીળા દાંત દેખાડતાં મુખી હસીને બોલ્યા એ કોંડુને જરાય ન ગમ્યું. પોતાની નામરજી બતાવતાં એણે કહ્યું, ‘આવી રીતે અમસ્તા જ કોઈની દીકરીને જોવા જઈએ, એ મને તો ઠીક નથી લાગતું.’
‘આજ-કાલના છોકરાઓ તો એકની સાથે નક્કી કરતાં પહેલાં કેટલીય છોકરીઓ જુએ. અરે, આપણે એક માટલું લેવું હોય તોય ટકોરા મારીને લઈએ છીએ કે નહીં? તો આ તો જીવનભરનો સવાલ છે. ને હું ક્યાં તને હા પાડવાનું કહું છું? ચાલ, એ બહાને ચા પીવા તો મળશે!’
બિલકુલ ઈચ્છા ન હોવા છતાં કોંડુને ઘસડાવું પડ્યું. તેઓ તૂટેલા ફૂટેલા ઝૂંપડા પાસે પહોંચ્યા ત્યાં કૂવામાંથી પાણી ભરી રહેલી સ્ત્રી એમને જોઈને દોડી આવી. એ જાણતી હતી કે આ બાજુના ગામના મુખી છે. માનપૂર્વક આવકારતાં એણે કહ્યું, ‘આવો, અપ્પા. આજે મારા ઝૂંપડે તમે પધાર્યા. બેસો બેસો.’
‘તારી દીકરી સુપી કેમ દેખાતી નથી?’
‘એ તો કપાસના ખેતરમાં કામે ગઈ છે. હમણાં બોલાવું.’ કહેતાં એણે ફાટેલી સાડીના છેડાથી આંખ લૂછીને કહ્યું, ‘જુઓને અપ્પા, બધું સારું હતું પણ સુપીના બાપુ જતા રહ્યા પછી અમારી મા-દીકરીની જિંદગી મુશ્કેલ થઈ ગઈ છે. હું ઘરની બહાર નીકળી ન શકું તે દીકરીની કમાણી ખાવી પડે છે.’ એક નાના છોકરાને એણે સુપીને બોલાવવા મોકલ્યો ને પોતે ચા બનાવવા ગઈ. દૂધ વિનાની ગોળવાળી ચા બની ત્યાં સુધીમાં સુપી આવી ગઈ. ઘરમાં અજાણ્યા લોકોને બેઠેલા જોઈ એ સીધી રસોડામાં મા પાસે ગઈ. એટલી વારમાં કોંડુએ જોઈ લીધું કે એ આખી પરસેવાથી લથબથ હતી ને એણે સાવ રંગ ઉપટી ગયેલી સાડી પહેરી હતી. અંદર જઈ રહેલી મા-દીકરી વચ્ચેની ગુસપુસ જરાતરા બહાર સંભળાતી હતી. “ના મા, મારે તને મૂકીને ક્યાંય નથી જવું, ના કહી દે એ લોકોને!’
‘એમ ના ન કહેવાય ગાંડી! રડવાનું બંધ કરીને જરા પાઉડર લગાડ, વાળ સરખા ઓળ અને બે પવાલામાં ચા લઈને બહાર જા.’
એ ચા લઈને આવી ત્યારે પરસેવાને કારણે એણે લગાવેલો પાઉડર ચહેરા પર ફૂટી નીકળ્યો હતો. કોંડુના હાથમાં ચા આપતાં એના હાથ ધ્રૂજતા હતા. ઘડીભર એની આંસુ ભરેલી આંખો કોંડુની આંખ સાથે મળી. આટલી ક્ષણ માત્રમાં એની આંખમાં રહેલી સચ્ચાઈ કોંડુને સ્પર્શી ગઈ. ચા આપીને સુપી તરત જ ચાલી ગઈ. એની મા મુખીની સામે નીચે જમીન પર બેઠી ને કહેવા લાગી, ‘મુખી અપ્પા. તમે સુપીને જોવા આવ્યા છો એ હું સમજી ગઈ પણ પહેલાં જ ચોખવટ કરી દઉં કે દીકરીને કરિયાવરમાં આપવા માટે મારી પાસે એક જોડી બુટ્ટી અને એક નાકની નથ સિવાય કશું નથી. હા, આમતેમથી ઉછીના લઈને ચાર-પાંચ જોડી લૂગડાં આપીશ ખરી!’
ત્યાંથી નીકળીને મુખીએ કહ્યું, ‘સાવ ભૂખડીબારસ બાઈ, એ શું એમ સમજતી હશે કે, તું એની છોકરીને પરણીશ? ચાલ, હવે સમય થઈ ગયો છે. શાહુકાર આપણી રાહ જોતા હશે. આપણું ખરું ઠેકાણું તો એ જ છે.’
‘ના, મુખીકાકા, મને મારું ઠેકાણું મળી ગયું. મારી પસંદગી તો દૂધ વિનાની ચા અને સુપીની આંખોમાં રહેલી સચ્ચાઈ જ છે. હવે મારે ક્યાંય નથી જવું. ચાલો, વળતી બસમાં ઘરે જઈએ.’ (આશા વીરેન્દ્ર દ્વારા લેખકની તમિળ વાર્તાનો ભાવાનુવાદ)