રક્ષાબંધન

- રાજેન્દ્ર એમ. જાની Wednesday 19th August 2026 06:45 EDT
 
 

રમણભાઈની એકની એક દીકરી સીમા લગ્ન પછી ઓસ્ટ્રેલિયા સ્થાઈ થઈ હતી. રમણભાઈને કોઈ બહેન નહોતી અને તેમની દીકરી સીમાને કોઈ ભાઈ નહતો, તેથી દીકરી સીમા જ રમણભાઈને દર વર્ષે રક્ષાબંધન વખતે રાખડી મોકલતી. એમ બાપ- દીકરી બંને એકબીજાની ભાઈ-બહેનની ખોટ પુરી કરતા હતા. આ વખતે રક્ષાબંધનનો તહેવાર નજીક આવતાં રમણભાઈએ સામેથી સીમાને ફોન કરી પૂછ્યું, ‘કેમ બેટા મજામાં છોને? આ વખતે તારી રાખડી નથી આવી. રાખડી મોકલવાનું ભુલી ગઈ કે શું?’

સીમાનો જવાબ રમણભાઈને આંચકો આપે તેવો હતો. ‘પપ્પા, હવે મારે તમને રાખડી મોકલવાની કોઈ જરૂર નથી કારણ કે તમારી કૃપાથી મને અહીં જ રાખડી બંધાવનારો ભાઈ મળી ગયો છે, તમારે જરૂર હોય તો રાખડી બાંધનારી બીજી બહેન શોધી લેજો.’
પુત્રી સીમાનો આવો રુક્ષ અને ઉપાલંભભર્યો જવાબ સાંભળીને રમણભાઈએ પૂછ્યું, ‘કેમ બેટા, ક્યારેય નહીંને આજે આમ બોલે છે?’

‘પપ્પા, તમે અગાઉ અહીં આવેલા ત્યારે તમે કરેલા પરાક્રમના પરિણામે અમારા નજીકમાં રહેતી રૂબીને બાબો આવ્યો છે, ખુદ રૂબીએ મને કહ્યું કે તમે જ તેના આ પુત્રના પિતા છો. આમ તો મને તેની વાત ઉપર વિશ્વાસ ના બેસત પણ તે બાબાના રંગરૂપ પણ તમારા જેવા જ ઉજળા છે, તેથી મેં પોતે જ તેને મારા ભાઈ તરીકે સ્વીકાર કરી લીધો છે અને સગી બહેન તરીકે તેને હું રાખડી બાંધવાની છું.’ આટલું કહીને પુત્રી સીમાએ ફોન કટ કર્યો.

આ સાથે જ રમણભાઈના મગજમાં બે વર્ષ પહેલાનો ઘટનાક્રમ તરવરી ઉઠ્યો.
વાત જાણે એમ બનેલી કે બે વર્ષ પહેલાં પુત્રી સીમાના આગ્રહને વશ થઈ તે વખતે પોતે રક્ષા બંધાવવા સીમાના ઘેર ઓસ્ટ્રેલિયા ગયા હતા.

રમણભાઈની પુત્રી સીમાના પાડોશમાં રહેતી યુવાન રૂબી જે અહીંની કોલેજમાં તત્વજ્ઞાનની પ્રોફેસર હતી તેનો તથા રમણભાઈનો ફરવા જવાનો સમય લગભગ સરખો હતો, આથી ઘણીવાર તો લગભગ સાથે સાથે જ ફરવા જવાનું થતું. પ્રોફેસર રૂબી સાથે તત્વજ્ઞાનના રસના વિષયની સમાનતાના કારણે ઔપચારિક વાતો આગળ વધીને બંને વચ્ચેના સંબંધો નીકટતામાં ફેરવાતા ગયા.

તે દિવસે ભારે વરસાદની આગાહીના કારણે બગીચામાં ફરવા આવનારાઓની સંખ્યા સ્વાભાવિક ક્રમમાં નહિવત્ હતી. અલગારી રમણભાઈ અને રૂબી વરસાદની પરવા કર્યા વગર જાણે આજે તો પલળવું જ હોય તેમ દેખાવ પૂરતી એક છત્રી લઈને નીકળી પડ્યા. વરસાદે તેનું કામ ચાલુ કર્યું. રૂબી પાસે તો છત્રી હતી પણ રમણભાઈનું પ્રૌઢત્વ પલળીને થોડું ધ્રૂજવા માંડ્યું. નાની છત્રી રૂબીની યુવાનીની સાથે રમણભાઈના પ્રૌઢત્વને પોતાનામાં સમાવવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી. અંતે તરબતર બંને દેહોને સ્વૈચ્છિક રીતે પલળતાં બચાવવાની પોતાની અક્ષમતા સ્વીકારીને છત્રીએ સંકેલાઈ જવાનું જ યોગ્ય ગણ્યું. શરૂઆતમાં એકમેકને પલળતા બચાવવાની કોશિશ કરતાં બે શરીરો વધુ અને વધુ નીકટ આવી પહેલા બહારથી અને પછી ધીમે ધીમે અંદરથી પણ વધુને વધુ પલળી રહ્યા હતા. રમણભાઈનું લાંબા સમયથી ભૂખ્યું સ્નાયુબદ્ધ પ્રૌઢત્વ અને રૂબીનું તરસ્યું યૌવન બગીચામાં આવેલા બાંકડા ઉપર જ એકબીજાની ભુખ અને તરસ મિટાવવાના ભરપૂર પ્રયત્નો કરી રહ્યા હતા. વરસાદનું પાણી આગને ઓલવવાના બદલે વધુને વધુ ભડકાવી રહ્યું હતું, ઈવની જેમ રૂબીના યૌવનની ઈરાદાપૂર્વકની આરંભિક શરૂઆતથી પ્રેરિત થઈ રમણભાઈમાં રહેલ સુષુપ્ત આદમપણું વાસનાના કીડાથી પ્રેરાઈને અતિ આક્રમક બનેલું પ્રચંડ વાવાઝોડું એકમેકની અસીમ પરિતૃપ્તિ બાદ જ શાંત પડ્યું.

આવી અનુભૂતિ પછી પણ સિદ્ધાંતપ્રેમી રમણભાઈએ અપરાધભાવ અનુભવી ‘રૂબી આ વાતની જાણ પુત્રી સીમાને કરશે તો શું થશે?’ તેની કલ્પના પણ રમણભાઈ કરી શકતા ન હતા. એકાએક વતન પરત જવાની પિતાની જીદ પુત્રી સીમા સમજી શકતી નહોતી. ટૂંક સમયમાં રમણભાઈ પાછા વતનમાં આવીને કંઈક હાશ અનુભવી રહ્યા.
આજના પુત્રી સીમાના ઉપાલંભભર્યા શબ્દોએ રમણભાઈમાં તે ઘટના વખતે વ્યાપેલ અપરાધ ભાવ અને ક્ષોભ ફરી ચચરી ઉઠ્યા હતા.
આખરે રક્ષાબંધનના દિવસે પોતાના મોબાઈલમાં પુત્રીનો અલગ રાખેલો રિંગ ટોન ‘દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર...’ રણકી ઊઠ્યો. રોજ રિંગ વાગતાં જ ઉત્સાહથી ફોન રીસિવ કરનારા હાથને જાણે લકવો મારી ગયો હોય તેમ આગળ જ નહોતો વધતો અને હૈયું થડકી રહ્યું હતું. લાંબા સમયથી વાગતી રિંગને રમણભાઈ અવગણી શક્યા નહીં, ગભરાતા ગભરાતા સાવ ઉત્સાહ વગર રમણભાઈ ‘હેલો...’ એટલું બોલતા તો જાણે થાકી ગયા!
સામે છેડેથી વહાલનો દરિયો એકદમ ચિંતાતુર અવાજે છલકાયો, ‘હેલો પપ્પા, તમારો અટલા દિવસથી ફોન કેમ નથી? તમારો અવાજ આવો માંદો કેમ છે? તમારી તબિયત તો સારી છે ને?’ ચિંતા ભરેલા પ્રશ્નોનાં મોજાં ઉપરાઉપરી ઊછળી રહ્યા.
‘બેટા, ફોન કરવાની હિંમત ક્યાંથી લાવું? I am very sorry. મને માફ કરી દેજે રાખડીની બાંધનાર ગુમાવવાની હિંમત તો હું મેળવી લઈશ પરંતુ ખોળાની ખુંદનાર મારી લાડલીને ગુમાવવાની તો હું કલ્પના પણ કરી શકું તેમ નથી. મારી મોટી ભૂલને તું દરિયાદિલથી માફ કરી દેજે.’ આટલું બોલતા તો રમણભાઈનો રડમસ અવાજ ધ્રુસકામાં ફેરવાઈ ગયો.

‘તમે કયા યુગમાં જીવો છો પપ્પા..?’ પુત્રીના વહાલનું ઝરણું ફરીથી વહેતું થયું. ‘રૂબીએ મને મિત્રભાવે બધી જ વાતો સ્પષ્ટતા સાથે કરી છે જે મુજબ રૂબી આજીવન કોઈ પુરુષનું પ્રભુત્વ સ્વીકારવા માંગતી નહોતી સાથે સાથે તેનામાં પુત્રેષણા પણ પ્રબળ હતી. તે અહીંની નવી ફેશન પ્રમાણે ‘સિંગલ મધર’ તરીકે રહેવા માંગતી હતી. તેના રૂપ અને ઉચ્ચ બૌદ્ધિક સ્તરથી આકર્ષિત થનારાઓની સંખ્યા નાનીસુની નહોતી પણ સિંહણ કદી વામણા વ્યક્તિત્વો સાથે જોડાઈ શકે? તે લાંબા સમયથી પોતાના સંવનનના સાથી તરીકે નર સિંહને શોધી રહી હતી. તમારો સંસર્ગ થયો અને પોતાના સિંગલ મધર બનવાના સ્વપ્નને સાકાર કરવા માટેના બધા જ ગુણો રૂબીએ ફક્ત અને ફક્ત તમારામાં જ જોયા. આ માટે પપ્પા તમારે જરાય વ્યથિત થવાની જરૂર નથી. પપ્પા તમે ક્યા યુગમાં જીવો છો? અહીં તો આ વાત ખૂબ જ સ્વાભાવિક છે. એક રીતે જોવા જઈએ તો રૂબી જેવી સૌંદર્ય અને ઉચ્ચ બૌદ્ધિક સ્તરની યુવતીએ પોતાનું કૌમાર્ય તમને સમર્પિત કરવા માટે યોગ્ય ગણ્યા તે કાંઈક અંશે તો ગૌરવ લેવા જેવું છે. હા, ખાસ તો મેં તમને એટલા માટે ફોન કર્યો હતો કે હું મારા ભાઈને રાખડી બાંધી આવી તેના ફોટા તમને વ્હોટ્સએપ કર્યા છે, તે જોઈ મને કહેજો કે મારો ભાઈ કેવો લાગે છે?!’
રમણભાઈ વ્હોટ્સએપમાં પોતાની પ્રતિકૃતિ જેવા પુત્રને ખૂબ જ ભાવપૂર્વક અમીટ નજરે જોઈ રહ્યા, આંખો તૃપ્ત થતી જ નહોતી. બધો જ વિષાદ હર્ષના અશ્રુઓમાં વહી ગયો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter