સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૧૫)

રંગુનમાં નેતાજી ગર્જ્યાઃ ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા!’

Wednesday 29th June 2016 06:39 EDT
 
 

એ હતી બહાદુરશાહ ઝફરની કબર.
ચિડાયેલી કંપની સરકારે આ બાદશાહ સામે લાલ કિલ્લામાં મુકદમો માંડ્યો ત્યારે તેને ‘કંગાળ, ડરપોક, દગાખોર, લુચ્ચા’ રાજા તરીકે ઓળખાવાયો કારણ, તેણે ૧૮૫૭ના વિપ્લવની આગેવાની લીધી હતી! બોધપાઠ આપવા માટે જ તેને જલાવતન ગરીબ જિંદગીની સજા કરવામાં આવી અને માંડલેના કેદખાનામાં મોકલી દેવાયો.
સુભાષને સ્મરણ થયું, આ જ માંડલેમાં લોકમાન્ય તિલકને કેદ રખાયા હતા, કારણ તેમણે પોતાનાં અખબાર ‘કેસરી’ અને ‘મરાઠા’માં ‘રાજદ્રોહી’ તંત્રીલેખો લખ્યા હતા.
‘ભીરુ શાસનને શબ્દોનો યે ભય હોય છે, શિદેઈ! આ જેલમાં મને રાખવામાં આવ્યો ત્યારે મારે આમરણ અનશન પર ઊતરવું પડ્યું હતું!’
‘ઝફર’ની કબર પરથી સુભાષે પ્રાણવાન શબ્દો ઉચ્ચાર્યાઃ
‘જો આપણે મનુષ્ય હોઈએં તો બ્રિટિશરોએ કરેલા અકથ્ય અત્યાચારો સહન કરીને જે વીરો એ અ-સમય મૃત્યુનું વરણ કર્યું તેનો બદલો લેશું. જે બ્રિટિશરોએ આપણા સ્વાતંત્ર્યવીરોના લોહી રેડ્યાં છે, અમાનુષી અત્યાચારો કર્યા છે તેમણે ઋણ ચૂકવવું જ પડશે.
અને, તેને માટે જરૂરી છે રક્ત! રક્ત લેશું, રક્ત આપશું, વહાવીશું રક્ત! શક્તિ અને રક્તરંજિત ધારા!!’
•••
ઇમ્ફાલ તો અગ્નિપ્રદેશ બની ગયો હતો, જાણે! સરિત્જલથી નહીં સૈનિકોના રક્તથી આખો પ્રદેશ સ્નાન કરી રહ્યો હતો.
અંતહીન લડાઈ.
ઇમ્ફાલ-યુદ્ધમાં ત્રણ માઈલનો રસ્તો પાર કરવો એ યુગાંતરોનાં મહાભારત જેવું જ હતું! આઝાદ હિન્દ ફોજની સૈનિકા લખી રહી હતી, ‘કોહિમા, માયરોંગ, વિશનપુર, કોહિમા-ઇમ્ફાલ રાજમાર્ગ, વિમાનીમથક અમારા કબજામાં આવી ગયા. મેજર પ્રીતમસિંહ અને લેફટનન્ટ લાલસિંહે જીવ ગૂમાવ્યા, લડતાં લડતાં યે તેણે બે દુશ્મનોને વીંધી નાખ્યા હતા.’
પણ મોટી મુશ્કેલી હવાઈ જહાજોના અભાવની હતી. જાપાની જહાજો અમેરિકા સામેના યુદ્ધમાં મોકલાયાં હતાં હવે?
અમેરિકન નૌ-સેનાને આની જાણ થઈ ગઈ એટલે ખુલ્લાં આકાશેથી યુદ્ધજહાજો ઉતરી પડ્યાં. ચારેતરફ બોંબમારો શરૂ કરી દેવાયો. રસ્તાને ખોરવી દેવાયો. મકાનો તૂટ્યાં. ભડભડ આગ ચારેતરફ તબાહીનાં દૃશ્યો સર્જતી હતી.
મરણિયા યુદ્ધમાં ‘નેતાજીના બાળકો’ હિંમત હાર્યા વિના લડતાં રહ્યાં... બ્રિટિશ સૈન્યના સેનાપતિ લોર્ડ વેવેલ હતપ્રભ હતા. એક જ યુદ્ધ જહાજ, સૈન્યની માત્ર સાત ડિવિઝન અને તેમાંની છ તો ભારતીય સૈનિકોની. આમાં ઇશાન ભારતની સુરક્ષા થાય કઈ રીતે? એટલે ગુપ્ત અહેવાલ બ્રિટિશર સરકારને મોકલ્યોઃ
27 September, 1943
From Field Marshal Warel to the Secretary of state for war government of Britain.
... The forces available for defence at this time were dangerously weak, the Eastern front fleet had only one modernized battleship... there were only one British and six Indian divisions available for the defence of the whole of India and ceylon... No single one of these divisions was complete in ancillary troops or fully equipped or adequately trained three of them had two bridges only... The member of A. A. guns - heavy and light to depend Calcutta her most important war industries and vital points... was less then 150 against an estimated requirement of some 1500.
અમેરિકા જો બ્રિટનની મદદે ના આવ્યું હોત તો ભારતીય આઝાદીની તવારિખ સા-વ અલગ હોત! ઇમ્ફાલથી ચટ્ટગ્રામ થઈને આઝાદ હિન્દ ફોજ કોલકાતા પહોંચી હોત. ત્યાં સુધીમાં સમગ્ર પૂર્વોત્તર અને બંગાળનો સામાન્યજન મેદાનમાં આવી ગયો હોત... જનાબ ઝીણાના ‘પાકિસ્તાન’નો ખેલ, એકશન ડે પર હત્યાકાંડ અને છેવટે માથું નીચું રાખીને કોંગ્રેસ કાર્યસમિતિએ મજબૂરીપૂર્વક વિભાજનનો કરેલો સ્વીકાર... આમાંનું કશું ન થયું હોત. દેશભરમાં પ્રચંડ વિપ્લવમાં બ્રિટિશ શાસન સમાપ્ત થઈને રક્તરંજિત સંઘર્ષના અંતે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરક્યો હોત...
‘શિદેઈ, ભાગ્યવિધાતાએ મારી વારંવાર કસોટી કરી છે... સંપૂર્ણ અને અખંડ ભારતની સ્વતંત્રતાનો ધ્વજ મેં ગાંધીજીને સોંપ્યો હોત ને કહ્યું હોત કે બાપુ, હવે તમે જ દેશનું નેતૃત્વ નક્કી કરી લો... મારી ફરજ મેં બજાવી લીધી... તમને જે યોગ્ય લાગે તે - જવાહર, સરદાર, રાજાજી, ઝીણા... એ તમારો અધિકાર!’
શિદેઈની આંખોમાં આંસુ હતાં. અરે, આ કેવો ત્યાગપુરુષ! આટલા રણસંગ્રામ પછી સઘળું ગાંધીને સમર્પિત?
શિદેઈ હજુ ઇમ્ફાલની યુદ્ધકથા અને જાનકીની દૈનંદિનીના માહૌલથી બહાર નહોતો આવ્યો. જાણે કે પોતે જ સૈનિકી ગણવેશમાં આઝાદ હિન્દ ફોજની સાથે હતો!
મુશ્કેલીઓ અચાનક અને એકાદ-બે નથી હોતી. રસ્તો તૂટ્યો એટલે પૂરવઠાની શક્યતા નષ્ટ થઈ ગઈ. યુદ્ધસામગ્રી, અનાજ... બધું બંધ! પેટમાં કોળિયો અનાજ તો જોઈશે ને, તેના વિના દુશ્મનોની ખિલાફ લડીશું ક્યાંથી?
એક દિવસ.
બે દિવસ.
ત્રીજો...
પેટમાં અનાજનો એક દાણો પણ નહીં!
મેદાનમાં ઉગેલાં અરણ્ય-ઘાંસથી બુભૂક્ષા સંતોષવાની હતી.
‘ગુલામી કી રોટી સે આઝાદી કા ઘાંસ અચ્છા હૈ!’ જે નારો આપ્યો હતો તે વાસ્તવમાં બદલાઈ ગયો.
આમાં ‘ઘર કો આગ લગ ગઈ, ઘર કે ચિરાગ સે...’ જેવી ઘટના થઈ. ગાંધી બ્રિગેડના કમાંડર મેજર બી. જે. એસ. ગરેવાલ કેટલાક સૈનિકોની સાથે ગુપ્ત દસ્તાવેજો, નકશા લઈને બ્રિટિશ છાવણીમાં પહોંચ્યા. તેને લીધે યુદ્ધ જહાજોએ આઝાદ ફોજના થાણા પર જ બોંબમારો શરૂ કરી દીધો. જહાજોમાંથી આમંત્રણ-પત્રિકાઓ પણ ફેંકવામાં આવીઃ આઝાદ ફોજના સૈનિકો, આવી જાઓ અમારી સાથે. ભૂખે શાને મરો છો?
પણ આ તો દેશ માટે નિછાવર સૈનિકો! હાકા-ફાલમ પહાડી વિસ્તાર છે. ફાલમ પહાડની ઊંચાઈ ૬૦૦૦ ફૂટ. હાકાની સાત હજાર. માત્ર ચાવલ અને નમકનો ખોરાક. દરેક સૈનિકે ઓછામાં ઓછા સોળ માઇલ રોજ ચાલવું પડે. ખભે સામાન લાદેલો હોય. આકાશેથી બોંબમારો. ગરેવાલની જગ્યા લીધી આબિદ હસને. બર્લિનથી ટોકિયોની સબમરીન-સફરમાં તે સુભાષની સાથે હતા. આવીને એવી રણનીતિ ગોઠવી કે શત્રુના ઘેરાવમાંથી આખી બ્રિગેડ આબાદ રીતે નીકળી ગઈ!
પણ આ તો એક જ મોરચો. બીજે શું? એક ઇંચ પણ પીછેહઠ ન કરવાની પ્રતિજ્ઞા લઇને બેઠા છે જવાનો. ભારે વરસાદ પહેલાં જ આગેકૂચ થાય તે જરૂરી હતું, પણ કુદરતે પ્રચંડ આંધી–તુફાન– વરસાદથી ઇમ્ફાલની સ્થિતિને બદલી નાખી. પર્વતીય વરસાદ હતો આ. સામાન્ય નહીં. ઊંચા ઊંચા વૃક્ષો પણ જમીનદોસ્ત થતાં હતાં. છાવણીને બચાવી રાખવી યે મુશ્કેલ. હથિયારો આ પૂરમાં તણાઈ ન જાય એની ચિંતા હતી.
‘અમે ઘાંસપત્તી ખાઈને ય પાછા ફરવાના નથી...’ સૈનિકોએ સુભાષબાબુને સંદેશો મોકલ્યો.
સેનાપતિએ મનાવ્યા. રણનીતિને અધીન તો થવું પડશે ને?
‘નેતાજીનો આદેશ છે...’ આ છેલ્લું તાર્કિક હથિયાર હતું. નેતાજીએ લખ્યું હતુંઃ ‘આ કંઈ આપણી અંતિમ લડાઈ નથી. આંધી-તોફાન પછી ફરી જંગ આદરીશું...’
આ પણ કેવો રક્તરંજિત ‘અબાઉટ ટર્ન’ હતો. કોણ લખશે તેની ઐતિહાસિક ગાથા? ૧૮૫૭માં જે રણભૂમિનો તાત્યા ટોપેએ પરિચય કરાવ્યો અને વિશ્વના શ્રેષ્ઠ ચાર સેનાપતિઓએ એકલવીરના યુદ્ધને બિરદાવ્યું હતું... અહીં પણ ‘પરાજયના દેવતા’ સમી આઝાદ હિન્દ ફોજ હતી.
ઇમ્ફાલથી તામ્રત. વિશનપુર સેક્ટરનું ટિડ્ડિમ. ભીષણ વરસાદ. છિન્નભિન્ન રસ્તાઓ પર ધસમસતાં પાણી. ખલાસ થયેલો અનાજ પૂરવઠો. ભૂખ્યાં પેટ - ઇમ્ફાલ છોડવાનું અસહનીય દુઃખ. શરીરને તોડી નાખતી બીમારી. નાગાભૂમિનાં નાનકડાં ગામડાંઓ તેમની બહાદુર લડાઈનાં સાક્ષી હતાં. સપનાં તો તેમણે ય સેવ્યાં હતાં કે હવે નેતાજીની ફોજ મુક્ત કરશે. એવું ન બન્યું તેની પીડા તેમને ય હતી. ફોજના ભૂખ્યાદુખ્યા સૈનિકોને તેમણે સાંચવ્યા. ભોજન કરાવ્યું. દવાઓ આપી. શરીર પરના ઝખમો પર જંગલની માખીઓનાં ઝૂંડ જામતાં. કોઈ રસ્તા બચ્યા નહોતા એટલે કાદવકીચડ, પાણી પાર કરીને ચાલવાનું હતું. રસ્તા પર ભારતીયો અને જાપાની સૈનિકોના શબ રઝળતાં હતાં.
જાનકીએ એક પ્રસંગ નોંધ્યો તેની દૈનંદિનીમાંઃ ‘એક દિવસે સડકના કિનારે એક ઘાયલ સિપાહી જોવા મળ્યો. એ મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યો હતો. આંખો ખૂલતી નહોતી, તેણે મને બોલાવી. હું તેની પાસે ગઈ. માંડ માંડ હોઠ ખૂલ્યા. કહેતો હતોઃ હું તો નહીં મળી શકું તેમને. છેલ્લા શ્વાસ લઈ રહ્યો છું પણ બેટા, તું જઈને મારા ‘જયહિન્દ!’ પાઠવજે. તેમને કહેજે કે તમારો આ સિપાહી તમારાં વચનને પૂરેપૂરો વર્ત્યો છે. શરીર પર કીડા ફરે છે, પણ હું ડર્યો નથી. પીડા છે તેને સહન કરીને મરીશ. મેં મારા દેશ માટે બલિદાન આપ્યું છે...’
‘હું શું કહું તેને? તેના માથા પર હાથ મૂકીને અશ્રુની અંજલિ સિવાય મારી પાસે શું હતું?’
સુભાષ આ દૈનંદિનીનાં પાનાં ભાવભર્યા ચહેરે નિહાળી રહ્યા હતા. તેમની નજર દૂ...ર ઇમ્ફાલના અરણ્યમાં, ક્ષણેક્ષણ બલિદાન કરી રહેલી આઝાદ હિન્દ ફોજના સિપાહીઓ પર હતી. ૨૦૦૦ બીમાર સૈનિકો મેમિઓ હોસ્પિટલમાં ભરતી થયા. ઝાંસી રાણીની સૈનિકાઓ રાતદિવસ સુશ્રુષા કરતી રહી. નેતાજીએ રંગુનમાં તમામ વ્યવસ્થાઓ સજ્જ કરી.
રંગુનમાં સૈનિક વડાઓની બેઠક થઈ. નેતાજીએ તેને સંબોધન કર્યુંઃ યુદ્ધની વ્યૂહરચનામાં આપણી એક ભૂલ રહી ગઈ. આક્રમણ કરવામાં મોડું કર્યું. જાન્યુઆરીમાં જ જો રણમોરચે આગળ વધ્યાં હોત તો ઇતિહાસ જુદો જ હોત... આપણે અગ્નિપરીક્ષામાં દીક્ષિત થયા છીએ.અનુભવોની મૂડી આપણી સાથે છે. જાપાનીઓ પર અનાજ પુરવઠો અને દવાદારૂ માટે સંપૂર્ણ નિર્ભર રહેવાની જરૂરત નહોતી. હવે તે ભૂલ સુધારીશું.
યુદ્ધ પરિષદ – વોર કેબિનેટ-ની રચના થઈ. આઇપો, કૌલાલંપુર, પિનાંગ, સિંગાપુર અને રંગુનના યુદ્ધકીય કેન્દ્રોનો વિસ્તાર કર્યો. જોતજોતાંમાં ફોજમાં લડવા આતુર સૈનિકોની સંખ્યા ૫૦,૦૦૦ થઈ ગઈ! પણ તેમને તાલીમની જરૂરત હતી. ‘જોશ’ અને ‘હોશ’નો મેળમિલાપ કરવાનો બાકી હતો.
ડિવિઝનલ હેડ ક્વાર્ટસ માંડલે નક્કી થયું. બ્રિગેડોને અલગ અલગ સ્થાનો પર તૈનાત કરવામાં આવી. માંડલે, છાડન, મેમિયો અને માનિઓયા.
રંગુનમાં ૨૧ ઓક્ટોબરે શહીદ દિવસે નેતાજી ગર્જ્યાઃ ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા!’ અગણિત શહીદોને બર્માની ભૂમિ પર યાદ કરાયા. ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, રામપ્રસાદ બિસ્મીલ્લ, અશફાકુલ્લા ખાન, માસ્ટર દા સૂર્યસેન, ખુદીરામ બોઝ, વિનય – બાદલ – દિનેશ, પ્રીતિલતા, શાંતિ, સુનીતિ, ઉજ્જવલા, વીણા દાસ... અને મૃત્યુંજય જતીનદાસ.
લોકો સુભાષ તરફ ધસી ગયા. લોહીથી હસ્તાક્ષર કર્યા... બંગભંગ આંદોલન સમયની પ્રતિજ્ઞાનો પુનરાવતાર થયો.
એક દિવસે અચાનક મેમિયો હોસ્પિટલ પર બ્રિટિશ હવાઈ વિમાનોએ બોંબગોળા ઝીંક્યા. નેતાજી પણ ત્યાં જ હતા. છાવણીઓ તો ભસ્મીભૂત થઈ પણ છત્રછાયા હતી... સૌ બચી ગયા ૧૮મી ઓક્ટોબરે વળી તેનું પુનરાવર્તન થયું. રંગુનથી ૧૪ માઇલ દૂર મિગ્લાડોન (મંગલદોન) છાવણીમાં ભવ્ય કૂચની નેતાજી સલામી લઈ રહ્યા હતા ત્યારે જ બોંબવર્ષા શરૂ થઈ ગઈ. મંચ પર નેતાજી અને રાષ્ટ્રધ્વજ આસમાનમાં ફરકી રહ્યો હતો. હવાઈ વિમાનોએ તે નિહાળીને નિશાન લીધું અને બોંબ ફેંક્યા. વિસ્ફોટક અવાજો અને ધૂમાડો.
જનરલ કિયાનીએ મંચ પર ઊભેલા નેતાજીને બૂમ પાડી ‘આ ફ્રંટ નથી, મહેરબાની કરીને મંચ પરથી નીચે આવો, નેતાજી!
‘I had made up my mind that if I had to die, I would rather like to die at this position than be caught while trying take shelter!’
કેવી આ જિદ? શું દેશનાં પ્રતીકાત્મક માધ્યમથી ઇશ્વર પ્રત્યેનો સંપૂર્ણ સમર્પણભાવ? સાથીદાર અય્યરે ત્યારે અનહદ આશ્ચર્ય સાથે કહ્યું હતુંઃ His faith was not an article for parade. He never even once spoke his god in public. He lived with him. I would content myself with quoting from the Bible the words of Nicodemus to Jesus: ‘For no man can do this miracles that thou doest, except god with him.’
રોજેરોજનો ખળભળાટ એ દિવસની નિયતિ હતી. અજંપો અને બહાવરાપણું દુનિયાના દેશો માટે નિર્ણયો અને પીછેહઠના પગલાં તરફ દોરી જતું હતુંઃ અમેરિકા – રશિયા – જાપાન – જર્મની – ફ્રાન્સ – રશિયા અને ટચુકડા દેશો પણ બીજા વિશ્વયુદ્ધના ખળભળતા સમુદ્રમાં પોતાના જહાજને બચાવવા ઇચ્છતા નાવિકોની ભૂમિકામાં હતા. અચાનક જાપાનના વડા પ્રધાન જનરલ તોજોએ રાજીનામું આપ્યું! અરે, આ વીરલ સેનાપતિએ તો જાપાનને ઉન્નત મસ્તકે વૈશ્વિક પ્રતિભા આપી હતી! સમ્રાટ હિરોહિતોના પ્રિયજનોમાં તે એક હતા. સુભાષ પ્રત્યે તેમની અગાધ શ્રદ્ધા અને આદર હતા. કહ્યું હતું તેમણેઃ ‘આ વ્યક્તિને મેં સાધના કરતાં નિહાળ્યા છે. એમનો ચહેરો ભગવાન બુદ્ધ સરખો અનોખો છે.’
તોજોની જગ્યા જનરલ કોઈસોએ લીધી. તેમણે સુભાષ બાબુને આમંત્રણ આપ્યું, યુદ્ધકાલીન સ્થિતિની સમીક્ષા માટે ૨૮ ઓક્ટોબરે રંગુનથી નીકળીને બેંગકોક, સાયગાંન, હેનોય, લાઈહોક થઈને પહેલી નવેમ્બરે ટોકિયો.
બન્ને નેતાઓ એકબીજાને મળ્યા.
કોઈસોએ કહ્યું, ‘અમારે ભારત પાસેથી કશું જોઈતું નથી. બસ, એકમાત્ર કામના છે કે ભારત સ્વાધીન બને.’
સુભાષ સમ્રાટને ય મળ્યા. પછી મહાકવિ નોકૂચીના ઘરે ગયા. અનેક ભાષણો થયાં. બેઠકોમાં ભાગ લીધો. પોતાનાં સપનાંને તેમણે શબ્દસ્થ કરીને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યુંઃ ‘સ્વતંત્રતા મેળવ્યા પછી તુરત જ અમારે એક બીજો સંઘર્ષ કરવાનો છે તે ગરીબી અને અજ્ઞાનની ખિલાફ. આ કંઈ એકલી વ્યક્તિનું કામ નથી. તેની જવાબદારી સમગ્ર રાષ્ટ્રે લેવાની છે. એક એવું શાસન જરૂરી બનશે જે કોઈ એક વર્ગ કે સમુદાયનાં હિત માટે નહીં, દેશ આખા માટે કામ કરશે, ગતિપૂર્વક કરશે... જનસાધારણની સેવા અમારો આદર્શ છે.’
તેમણે કહ્યુંઃ ‘ભારત મૂળભૂત રીતે સામાન્યજનના કલ્યાણની ફિલસૂફી ધરાવે છે. તેને માટે તેણે કાર્લ માર્કસ પાસે જવાની જરૂર નથી. ભારતીય વિચારનું ઉદ્ગમ સ્થાન છે જીવસેવા અને દરિદ્ર નારાયણની પ્રતિષ્ઠા. સ્વામી વિવેકાનંદની વિચારધારાનો આ આધાર છે.’
સુભાષની ટોકિયોથી શાંગહાઈની સફર થઈ. ત્યાંથી તાઇહોકુ, સાઈગોન અને પછી સિંગાપુર. ત્યાં વિશાળ સભામાં નેતાજી ગર્જ્યાઃ ‘સ્વતંત્રતા યા મૃત્યુ, બીજો કોઈ વિકલ્પ નથી.’ કૌલાલંપુર, સેલાંગગઢ, સુમાત્રા...
રાસબિહારી બોઝે ‘એક દીપ સે જલે દુસરા...’ના પરમ વિશ્વાસથી આઝાદ ફોજના વિપ્લવી વારસદાર તરીકે સુભાષનો અભિષેક કરી દીધો હતો. જીવનસંધ્યાએ હવે બીજી કોઈ એષણા નહોતી. હા, માતૃભૂમિના ખોળે અંતિમ દિવસે વિરામની ઇચ્છા હતી. પણ એ તો ક્યાં શક્ય હતું? ‘ગદર’ના તેમના કેટકેટલા સાથીદારોએ જલાવતન જિંદગી સાથે વિદેશીભૂમિ પર આંખો મીંચી હતી. અંબાપ્રસાદ સૂફી ઇરાનમાં સમાધિસ્થ થયા, લાલા હરદયાળનું દેશાગમન શક્ય ના બન્યું.
(ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter