‘ઘર ભાડે મળશે?’

- ઉમા ભ્રુગુબંદા Wednesday 02nd September 2026 05:45 EDT
 
 

શાહીન અને શોએબ બંને મધ્યમ વર્ગનાં, ખાનદાન અને ભણેલગણેલ કુટુંબનાં સંતાનો. શાહીન પોતાના પીએચ.ડી.ના અભ્યાસની સાથે નોકરી કરતી હતી તો શોએબે જર્નાલીઝમમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. બંને પરિવારની રાજીખુશીથી એમના નિકાહ થયા હતા અને નવપરિણિત યુગલ બધી રીતે ખુશ હતું. મુશ્કેલીની શરૂઆત ત્યારે થઈ જ્યારે બંનેને હૈદરાબાદમાં સારી જગ્યાએ અહીં કરતાં ઊંચા પગારની નોકરી મળી ગઈ. નોકરીમાં પગાર ભલે સારો હોય પણ બેઉનાં મનમાં મૂંઝવણનો પાર નહોતો.
‘શોએબ, અત્યારે ભલે પગારનો આંકડો મોટો દેખાતો હોય પણ મોટા શહેરના ખર્ચા પણ મોટા. આટલો પગાર તો અડધા મહિનામાં જ ચટણી થઈ જશે.’
‘એ તો હું પણ જાણું છું પણ એમ ગભરાઈને બેસી રહીએ તો જિંદગીમાં આગળ કેવી રીતે વધીશું? હિંમત તો કરવી જ પડશે.’
‘હિંમતે મર્દા તો મદદે ખુદા - એમ તો હું પણ માનું છું પણ સૌથી મોટો સવાલ એ છે કે હૈદરાબાદ જેવા અજાણ્યા શહેરમાં આપણે રહીશું ક્યાં?’
‘મારા કોલેજના દોસ્ત જુનેદને મેં પૂછયું હતું. એણે કહ્યું છે કે ત્યાંના મુસ્લિમોના લત્તામાં ભાડેથી ઘર મળી જાય છે. ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંકને ક્યાંક ઘર મળી જ જશે. ને જ્યાં સુધી બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી એનાં ઘરમાં આપણો સમાવેશ થઈ જશે.’ હૈદરાબાદ પહોંચીને જુનેદનું ઘર જોયું તો બંને ડઘાઈ જ ગયાં. બે નાનાં નાનાં રૂમ અને રસોડાનાં ઘરમાં એનાં અમ્મી-અબ્બુ, નાનો ભાઈ અને બેન તથા એ અને એની બીબી એમ છ જણાં સાંકડ-મોકડ રહેતા હતાં. બેઉએ વિચાર્યું કે, ગમેતેમ કરીને જેમ બને તેમ જલ્દી ભાડાનાં ઘરનો બંદોબસ્ત કરવો.
બીજે દિવસે ‘ઘર ભાડે આપવાનું છે’ એવું પાટિયું જોઈને એમણે બેલ મારી. એક કાબરચીતરી દાઢીવાળા, લુંગી પહેરેલા આધેડ વયના પુરુષે તોછડાઈથી ‘શું છે?’ એમ પૂછયુંછ્યું. શોએબે અત્યંત નમ્રતાપૂર્વક ઘરની જરૂરિયાત વિશે જણાવ્યું.
‘ઠીક છે, આવો મારી સાથે ઉપર.’ એણે રૂઆબભેર કહ્યું. ઘર કંઈ ગમી જાય એવું નહોતું પણ અત્યારની તાતી જરૂર જોતાં ખોટું પણ નહોતું. પતિ-પત્ની બેઉએ ઈશારામાં વાત કરી લીધી કે ચાલશે. ભાડું નક્કી થયું, ડિપોઝીટની રકમ અપાઈ ગઈ ને બંને હરખભેર દાદર ઉતરવા લાગ્યાં. હા...શ કાલને કાલ સામાન લઈને આવી જઈશું. પછી તો આપણું પણ એક ઘર... ત્યાં જ પેલા પુરુષના કર્કશ અવાજે પૂછાયેલા પ્રશ્ને એમના વિચારો પર બ્રેક મારી. ‘શું નામ કહ્યું તમારું, શોએબ અને શાહીન, બરાબર? એટલે તમે મુસલમાન તો છો જ. તો પછી શાહીન બુરખો કેમ નથી પહેરતી? પડદામાં કેમ નથી રહેતી?’ અચાનક આવેલા આ સવાલથી બંનેને એવો આઘાત લાગ્યો કે, જવાબ શું આપવો એ જલ્દી સૂઝ્યું નહીં.
‘બસ, આમ જ. અમારા ઘરમાં સ્ત્રીઓએ બુરખો પહેરવો જ જોઈએ એવો કોઈ આગ્રહ નથી. શાહીને કદી બુરખો પહેર્યો નથી અને પહેરવાની પણ નથી.’
‘તો લો આ ડિપોઝીટના પૈસા પાછા. જેનામાં શર્મો-હયા ન હોય એવી ઓરત માટે આ મહોલ્લામાં કોઈ ઘર નહીં આપે.’ ત્યારપછી, દિવસો સુધી બંનેની ઘરોના દાદર ચઢ-ઉતર કરવાની કવાયત ચાલી. જાતજાતના સવાલોનો સામનો કરવો પડ્યો.
‘હિંદુ કે મુસલમાન..?’ ‘વેજ કે નોનવેજ..?’ ‘શિયા કે સુન્ની..?’ ‘તમિલ કે તેલુગુ..?’ - કેટલાય અપમાનજનક સવાલો અને ધારદાર નજરોનો સામનો કરતાં કરતાં બેઉ હતાશ થઈ ગયાં. શાહીન તો એક દિવસ ખૂબ રડી.
‘શોએબ, મને લાગે છે કે, આપણને ક્યાંય ઘર નહીં મળે કેમ કે, કોઈને એ જાણવામાં રસ નથી કે, આપણું ખાનદાન કેવું છે, આપણું ભણતર કેટલું છે, ઈન્સાન તરીકે આપણે કેવા છીએ? સૌ પોતપોતાની વાડાબંધીમાં જ જીવતા હોય ત્યાં આપણે કયા ચોકઠાંમાં ફીટ થઈશું?’
પણ એક એવો દિવસ ઉગ્યો ખરો જ્યારે એમને નાત-જાતના, રહેણી-કરણીના કે ખાન-પાનના સવાલો પૂછયા વિના એક સજ્જન પોતાનું ઘર ભાડે આપવા તૈયાર થયા. એમણે કહ્યું, ‘હું શા માટે તમને ઘર આપવા માંગુ છું જાણો છો? એક તો એ કે તમને જોઈને જ મને એવું લાગ્યું કે તમારા હાથમાં મારું ઘર સચવાશે. બીજું કે, તમે બંને ભણેલા છો. તમારી પાસેથી મને અને મારા આખા પરિવારને કંઈક સારું શીખવા મળશે, જાણવા મળશે. હું હંમેશા ભણતરનો આદર કરું છું.’
આ ઘરમાં આવીને શાહીને મકાનમાલિકની કામવાળી નરસમ્માને જ વાસણ અને કચરા-પોતા માટે રાખી લીધી. થોડા દિવસમાં તો એને શાહીન સાથે સારું ફાવી ગયું. નીચેનાં ઘરનું કામ પતાવીને એ ઉપર આવે ત્યારે શાહીન પણ કોલેજથી આવી ગઈ હોય એટલે નરસમ્મા ફૂરસદના સમયમાં અલક-મલકની વાતો કર્યા કરતી. શાહીન પણ એને કારણે આ શહેરથી થોડી પરિચિત થતી જતી.
આમ જ વાતો કરતાં કરતાં નરસમ્માએ એક દિવસ કહ્યું, ‘ભલે જાત જે હોય તે પણ નીચે વાળા શેઠ-શેઠાણી દિલનાં બહુ સારાં. મારા ઘરમાં કંઈ પણ મુશ્કેલી હોય, એ લોકો કાયમ મને મદદ કરે. મારાં છોકરાઓને ભણાવવા માટે પણ પૈસા આપે.’ જે સવાલ પોતાને બંદૂકની ગોળીની જેમ વીંધી નાખતો હતો એ પૂછયા વિના શાહીનથી રહેવાયું નહીં. એણે પૂછયું, ‘એટલે? એ લોકો કઈ જાતના છે?’
‘લે, તમને નથી ખબર? એ લોકો તો ‘અરિજન’.
‘ઓહ દલિત છે એ લોકો?’ કશું પૂછયા વિના એમણે પોતાને ઘર શા માટે આપ્યું હતું એ કોયડો આજે આપોઆપ જ ઉકલી ગયો. એણે શોએબને આખી વાત કરતાં કહ્યું, ‘બ્રાહ્મણ, પંજાબી, શીખ, શિયા કે સુન્ની - આ બધા માટે કોઈને કોઈ અછૂત છે. પણ જેમને માટે કોઈ અછૂત નથી એવા દલિતો જ શું સાચા માનવ ન કહેવાય?’
‘હા, મને પણ એવું જ લાગે છે. માણસ જેવો છે તેવો એને સ્વીકારી લેવાની સહજતા એમનામાં જ છે. આજે એમની જાતિ વિશે જાણીને તો મારો એમના પ્રત્યેનો આદર વધી ગયો છે.’ (લેખિકાની તમિલ વાર્તાના આધારે)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter