મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ઉમરાવ જાન’નું સ્ક્રીનિંગઃ રેખાને એક્સેલન્સ ઇન સિનેમા એવોર્ડ સન્માન

Wednesday 05th August 2026 06:02 EDT
 
 

વિતેલા જમાનાનાં જાજરમાન અભિનેત્રી રેખાને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન (IFFM) 2026માં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં છે. આ પ્રસંગે તેમને ભારતીય સિનેમામાં પાંચ દાયકાથી વધુ સમયનાં અસાધારણ યોગદાન બદલ ‘એક્સેલન્સ ઈન સિનેમા’ એવોર્ડથી નવાજવામાં આવશે. સાથે જ તેમની ક્લાસિક ફિલ્મ ‘ઉમરાવ જાન’નું વિશેષ સ્ક્રીનિંગ પણ યોજાશે.
એવોર્ડ અંગે ખુશી વ્યક્ત કરતાં રેખાએ કહ્યું, ‘ઉમરાવ જાન’ ક્યારેય મારા જીવનથી દૂર ગઈ નથી. તે મારી યાદોમાં, મારી નિઃશબ્દ ક્ષણોમાં અને દર્શકોનાં દિલોમાં આજે પણ જીવંત છે. આ ફિલ્મને વૈશ્વિક મંચ પર ફરીથી સન્માન મળતું જોવું મારા માટે ભાવુક અને ગૌરવની ક્ષણ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘સિનેમાએ મને જીવનમાં ઘણું આપ્યું છે. IFFM 2026માં મળતું આ સન્માન માત્ર મારી સફરનું જ નહીં, પરંતુ મારા જીવનને સમૃદ્ધ બનાવનારા ફિલ્મમેકર્સ, લેખકો, સંગીતકારો અને તમામ સહયોગીઓને પણ સમર્પિત છે.’
IFFMની પરંપરા મુજબ 15 ઓગસ્ટે ભારતના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મેલબર્નમાં યોજાનારા ધ્વજવંદન સમારોહમાં રેખા ભારતીય તિરંગો ફરકાવશે. આ કાર્યક્રમમાં ભારતવંશીઓ, ઓસ્ટ્રેલિયન મહાનુભાવો, ફિલ્મમેકર્સ, કલાકારો અને સિનેચાહકો ઉપસ્થિત રહેશે.
આ અગાઉ આ પરંપરાગત સમારોહમાં ઋષિ કપૂર, આમિર ખાન, શબાના આઝમી, અનિલ કપૂર, રાની મુખર્જી, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, રામ ચરણ અને કરણ જોહર જેવા દિગ્ગજોએ ધ્વજવંદન કર્યું છે.
ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબર્ન 2026નું આયોજન 13થી 23 ઓગસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં થશે, જેમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગનાં અનેક અગ્રણી કલાકારો અને ફિલ્મમેકર્સ ભાગ લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter