રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ

Wednesday 09th September 2020 06:36 EDT
 
 

મુંબઇઃ સુશાંતસિંહ રાજપૂતનું અપમૃત્યુ થયાના ૮૪ દિવસ બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે. ત્રણ દિવસની સળંગ પૂછપરછ બાદ મંગળવારે બપોરે તેની ધરપકડ કરાઇ હતી. આમ તો રિયાની ઉલટતપાસ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહી છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં તો તેની ૨૦ કલાકથી પણ વધુ પૂછપરછ થઇ હતી. આ પછી તેની એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સીસ) એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરાઇ છે. રિયા સામે જે પ્રકારે પુરાવાઓ બહાર આવી રહ્યા હતા તે જોતાં નશીલા પદાર્થોના કેસ સંદર્ભે તેની ધરપકડ નિશ્ચિત હતી.
ઉલ્લેખનીય છે કે એનસીબી અત્યાર સુધીમાં આ કેસમાં રિયાના નાના ભાઇ શૌવિક ઉપરાંત સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા અને કેરટેકર દીપેશ સાવંતની ધરપકડ કરી ચૂકી છે.

‘ભગવાન અમારી સાથે છે’

રિયાની ધરપકડના સમાચાર આવતાં જ સુશાંતસિંહની બહેન શ્વેતાએ ટ્વિટ કરી હતીઃ ભગવાન અમારી સાથે છે. તો બિહારના પોલીસ વડાએ કહ્યું હતું કે આખરે સચ્ચાઇ બહાર આવી છે. જ્યારે રિયાના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું, એકલી યુવતીને ત્રણ-ત્રણ એજન્સીઓ હેરાન કરી રહી છે. રિયાએ એક ડ્રગ એડિક્ટને પ્રેમ કર્યો હતો. હવે તેની જ સજા રિયાને મળી રહી છે. રિયાએ એક માનસિક રોગીને પ્રેમ કર્યો હતો. એક તરફ રિયાની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે બીજી તરફ એનસીબીની એક ટીમ સુશાંતના પાવના સ્થિત ફાર્મહાઉસે પહોંચી હતી. હવે ફાર્મ હાઉસમાં તપાસ હાથ ધરાશે.

ત્રણ તપાસ એજન્સી

સુશાંતસિંહ અપમૃત્યુના કેસમાં દેશની ત્રણ ટોચની તપાસનીશ એજન્સીઓ વિવિધ એન્ગલથી તપાસ કરી રહી છે. જેમાંથી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) સુશાંતસિંહના અપમૃત્યુના કારણ અંગે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સુશાંતસિંહ સાથે સંકળાયેલા આર્થિક વ્યવહારો અંગે જ્યારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) ડ્રગ રેકેટ મામલે તપાસ કરી રહી છે.
કેસની તપાસ કરી રહેલી સીબીઆઇ અને ઇડીએ મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી ઉપરાંત તેના ભાઇ શૌવિક ચક્રવર્તી, પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, હાઉસ સ્ટાફ સિદ્ધાર્થ પિઠાણી, સેમ્યુઅલ મિરાન્ડા અને શ્રુતિ મોદીની પૂછપરછ કરી હતી. આ પછી નશીલા પદાર્થોનું સેવન, લે-વેચનો પર્દાફાશ થયા બાદ એનસીબી તપાસમાં જોડાઇ અને ધરપકડનો દોર શરૂ કર્યો છે.

૧૪ દિવસના રિમાન્ડ

એનસીબીએ મંગળવારે મોડી સાંજે જ રિયાને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમાં રજૂ કરી હતી. એનસીબીના વકીલે તેના ૧૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા, જ્યારે રિયાના વકીલે આનો વિરોધ કરીને જામીન માગ્યા હતા. બન્ને પક્ષો વચ્ચે જોરદાર દલીલો બાદ કોર્ટે જામીન અરજી ફગાવી દઇને રિયાના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો હતો. મેડિકલ ટેસ્ટ બાદ રિયાને પાછી એનસીબી હેડ ક્વાર્ટરે લઈ જવામાં આવી હતી. રિયાની સાથે અગાઉ જ અટકાયતમાં લેવાયેલા તેના ભાઇ શૌવિક અને સુશાંતના હાઉસ સ્ટાફ દીપેશ સાવંત તથા સેમ્યુઅલ મિરાન્ડાને પણ મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયા હતા. એનસીબીની ઓફિસની બહાર નીકળતા સમયે રિયાએ મીડિયાને જોઈને હાથ ઊંચો કર્યો હતો.

ડ્રગ્સનું સેવન કર્યાનું સ્વીકાર્યું

એક અહેવાલ અનુસાર, રિયાએ ત્રણ દિવસની ઘનિષ્ઠ પૂછપરછ બાદ પહેલી વખત મંગળવારે કબૂલ કર્યું હતું કે તેણે ડ્રગ્સનું સેવન કર્યું છે. આ પહેલા રિયા ટીવી ઇન્ટરવ્યુથી માંડીને દરેક સ્થળે સતત કહેતી રહી છે કે તેણે જિંદગીમાં ક્યારેય ડ્રગ્સનું સેવન કર્યું નથી. હવે રિયાએ તે બોલિવૂડ પાર્ટીઓના નામ આપ્યા છે, જ્યાં તે ડ્રગ્સ લેતી હતી. આમ હવે એનસીબી આ પાર્ટીમાં હાજર રહેનાર સુશાંતના કો-સ્ટાર્સ તથા એક્ટર્સને પણ સમન્સ પાઠવશે તેમ મનાય છે.

શૌવિકે ડ્રગ્સ ખરીદ્યું હતું

સુશાંત કેસની ડ્રગ્સ એંગલથી તપાસ કરી રહેલી એનસીબી ટીમને રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીની સામે ઘણા પાકા પુરાવા મળ્યા હતા. શૌવિક અને ઝડપાયેલા ડ્રગ પેડલર વિલાત્રા વચ્ચે સીધું જોડાણ છે. પહેલી વાર એનસીબીએ સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે એજન્સીને શૌવિક અને ડ્રગ પેડલર વિલાત્રા વચ્ચેના કોલ રેકોર્ડ અને મેસેજ દ્વારા થયેલી વાતચીત મળી છે. એજન્સીએ કહ્યું હતું કે શૌવિક ચક્રવર્તી ડ્રગ પેડલર અબ્દુલ બાસિત પરિહાર અને જૈદ વિલાત્રા સાથે સતત સંપર્કમાં હતો. શૌવિકે સુશાંતના હાઉસ મેનેજર મિરાન્ડાની ઓળખાણ બાસિત અને વિલાત્રા સાથે કરાવી હતી. મિરાન્ડાએ ૧૦ હજાર રૂપિયામાં ડ્રગ્સ ખરીદ્યું હતું. નાર્કોટિક્સ બ્યૂરોએ ડ્રગ પેડલર વિલાત્રા પાસેથી ૯.૫૫ લાખની રોકડ જપ્ત કરી છે. પૂછપરછમાં અબ્દુલે શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડા સાથે ડ્રગ અંગે વાતચીત કરી હોવાનું કબૂલ્યું છે.

મોબાઇલે વટાણા વેરી નાંખ્યા

રિયાના મોબાઇલમાંથી મળી આવેલા કોન્ટેક્ટ્સ, કોલિંગ હિસ્ટરી અને વ્હોટ્સએપ ચેટે તેના વટાણા વેરી નાંખ્યા છે. તપાસ એજન્સીઓને જાણવા મળ્યું હતું કે રિયા ચક્રવર્તી ડ્રગ્સ ખરીદવા, વેચવા અને તેનો ઉપયોગ કરવામાં સંડોવાયેલી છે. રિયાની વોટ્સએપ ચેટ પરથી ખુલાસો થયો હતો કે તેણે માદક દ્રવ્યો ખરીદ્યાં હતાં, વેચ્યાં હતા અને તેનો ઉપયોગ કર્યો હતો, જે નાર્કોટિક્સ એક્ટ અંતર્ગત અપરાધ મનાય છે. આ બધા પુરાવાના કારણે જ રિયા ચક્રવર્તીની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમ જેમ નક્કર પુરાવા બહાર આવતા ગયા તેમ તેમ રિયા ભીંસમાં આવતી ગઇ હતી.

વ્હોટ્સએપ ચેટમાં સ્પષ્ટ ઉલ્લેખ

સુશાંતસિંહ અપમૃત્યુ કેસની તપાસ દરમિયાન રિયાની વ્હોટ્સએપ ચેટ સામે આવી હતી, જેમાં નશીલા પદાર્થોના હેરાફેરી અને સેવનનો ભાંડો ફૂટ્યો હતો. આ ચેટ રિયાએ બનાવેલા એક વોટ્સએપ ગ્રૂપની હતી, તેમાં સેમ્યુઅલ મિરાન્ડા, શૌવિક ચક્રવર્તી, સિદ્ધાર્થ પીઠાણી, આયુષ શર્મા, આનંદી અને દીપેશ સાવંત પણ મેમ્બર હતાં. આ બધા સ્ટફ (ડ્રગ્સ) અને સિગારેટ રોલ કરવાની વાત કરી રહ્યા હતા. તેનાથી ખબર પડે છે કે તેમની વાતચીતના તાર ડ્રગ્સ સાથે જોડાયેલા હતા. આ ચેટમાં વોટરસ્ટોન રિસોર્ટની પણ વાત થઇ રહી છે. તેમાં ડ્રગ્સનો ફોટો પણ શેર કરવામાં આવ્યો છે. આ ગ્રુપ ચેટ જુલાઈ ૨૦૧૯ની છે.
તપાસ દરમિયાન બહાર આવેલી ચેટ્સમાં સુશાંતના ઘરે થનારી પાર્ટીના પ્લાનિંગ સાથે કયા અને કેટલા ડ્રગ્સ લેવા છે તેના પર વાત થઇ રહી હતી. તેમાં એવું પણ લખ્યું હતું કે સુશાંતને શું દેવાનું છે. જોકે, તેમાં સુશાંત ક્યાંય પણ વાત કરતો દેખાયો ન હતો. આ પહેલાં રિયાએ અમુક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેણે લાઈફમાં ક્યારેય ડ્રગ્સ નથી લીધા અને તે કોઈ પણ ટેસ્ટ કરાવવા તૈયાર છે.

ત્રણ ચેટ આરોપીના કઠેડામાં લઇ ગઇ

પહેલી ચેટ સિદ્ધાર્થ પીઠાણી, આયુષ શર્મા અને આનંદી વચ્ચેની છે. તેમાં ડ્રગ્સને લઈને ઘણી લાંબી ચર્ચા કરવામાં આવી રહી છે. એક ચેટમાં રિયાએ લખ્યું હતું, ‘ડૂબી જોઈએ. સુશ માટે ડૂબી મોકલો.’ સિદ્ધાર્થ પીઠાણીએ કહ્યું, ‘મિરાન્ડા અહીંયા છે.’ નોંધનીય છે કે ડૂબી એક પ્રકારની ગાંજાની સિગરેટ હોય છે. ચેટમાં ડ્રગ્સ અને વોટરસ્ટોન રિસોર્ટ બાબતે પણ વાત થઇ રહી છે. આ ચેટમાં અન્ય એક વ્યક્તિએ લખ્યું છે, વોટરસ્ટોનનું જે દિવસનું બુકિંગ કર્યું હતું તે કેન્સલ થઇ ગયું છે. રિયા તે વ્યક્તિને કહે છે કે લિફ્ટનો દરવાજો લોક કરી દેજે. આ ચેટમાં રિયાનો ભાઈ શૌવિક પણ છે.
બીજી ચેટ સેમ્યુઅલ મિરાન્ડાની છે. તેમાં એક વ્યક્તિ કહે છે, અશોકને કોલ કરો. તેના જવાબમાં મિરાન્ડા કહે છે, સ્ટફ માટેને? તેના જવાબમાં કોઈ પૂછે છે, આપણી પાસે હવે નથી... જવાબમાં મિરાન્ડા કહે છે, ઓકે ઠીક... સામેથી કોઈ સિદ્ધાર્થને કહે છે, માત્ર એક ડૂબી બચી છે. આગળ સિદ્ધાર્થ કહે છે, અશોક કોના ભરોસે કહી રહ્યો છે કે તે મેનેજ કરી દેશે. આ બાબતે સામેવાળો માણસ કહે છે કે મેં તેને આજે લાવવા માટે કહ્યું છે. ત્યારબાદ સિદ્ધાર્થ અશોકને કોલ કરવાની વાત કરે છે. જ્યારે ત્રીજી ચેટમાં સેમ્યુઅલ મિરાન્ડાએ આ વ્હોટ્સએપ ગ્રૂપમાં ડ્રગ્સનો ફોટો શેર કર્યો છે.

૨૫ ફિલ્મ કલાકારોના નામ?

એનસીબીએ આ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોના મતે, એનસીબીએ ડોઝિયર તૈયાર કર્યું છે, જેમાં બોલિવૂડના ૨૫ કલાકારોના નામ સામેલ છે. ટૂંક સમયમાં એનસીબી આ બોલિવૂડ કલાકારોને સમન્સ પાઠવશે તેમ મનાય છે. આ લાંબુલચ્ચ લિસ્ટ રિયા-શૌવિક, ડ્રગ્સ પેડલર્સ તથા ઈલેક્ટ્રોનિક ડિવાઈસની તપાસ બાદ તૈયાર કરવામાં આવ્યું છે.
સુશાંત કેસનું રહસ્ય બહાર લાવવા માટે સીબીઆઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી રિયા અને ભાઇ શૌવિક ઉપરાંત સુશાંતના હાઉસ સ્ટાફના કેટલાક સભ્યો અને ડ્રગ પેડલરની ધરપકડ થઇ ચૂકી છે.
જોકે ઈડી અને એનસીબીને ડ્રગ્સ કેસમાં ચાર મોટાં માથાં - એક અભિનેતા, એક ફિલ્મમેકર અને બે રાજકીય નેતાની સંડોવણી હોવાની આશંકા છે. એનસીબીને તેમની વિરુદ્ધ પુરાવા પણ હાથ લાગ્યા છે પરંતુ હાલ પૂરતા તેમના નામ જાહેર કરાયાં નથી.
એનસીબીએ મુંબઇમાંથી ૩.૫ કિલો ડ્રગ્સ સાથે બે ડ્રગ તસ્કરોની ધરપકડ કરી છે તથા ડ્રગ નેટવર્કમાં સંકળાયેલા ૧૮ લોકોની યાદી મુંબઇ પોલીસને સોંપી છે. ઈડીએ કથિત ડ્રગ પેડલર મનાતા ગોવાના હોટેલિયર ગૌરવ આર્યાની ૯ કલાક સુધી પૂછપરછ કરી હતી. ઈડીએ તેને ડ્રગ્સ સંબંધી સવાલ પૂછયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીની પૂછપરછમાં ગૌરવ આર્યાએ રિયાને ડ્રગ્સ આપ્યું હોવાની વાતનો ઇનકાર કર્યો છે. તેણે કહ્યું હતું કે તે ત્રણ વર્ષ પહેલાં - ૨૦૧૭માં રિયાને મળ્યો હતો. તેણે કહ્યું કે હળવા અંદાજમાં રિયાને ડ્રગ્સ અંગે વાત કરી હતી. ત્યાર બાદ તેણે કદી પણ રિયા સાથે વાત કરી નહોતી. સિદ્ધાર્થ પિઠાણીના ખુલાસાને આધારે સીબીઆઇનું એવું માનવું છે કે રિયા એક ડ્રગ કાર્ટેલ સાથે સંકળાયેલી છે.

સચ્ચાઈ સામે આવીઃ બિહારના પોલીસ વડા

બિહારના પોલીસ વડા ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું હતું કે એનસીબીની પાસે રિયા વિરુદ્ધ પાક્કા પુરાવા છે. રિયાનું ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન હતું. આ વાત અંગે નક્કર માહિતી મળ્યા બાદ જ રિયાની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

રિયાએ સુશાંતની બહેન સામે કેસ કર્યો

સુશાંત મોત કેસમાં સોમવારે નવો વળાંક આવ્યો હતો. રિયાએ સુશાંતની બહેન પ્રિયંકાસિંહ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડો. તરુણકુમાર સહિત બીજા કેટલાક લોકો સામે નકલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન લખી આપવાનો કેસ દાખલ કરાવ્યો છે. રિયાના વકીલ સતીષ માનશિંદેએ જણાવ્યું કે ૮ જૂને સુશાંતને પ્રિયંકાસિંહે ડો. તરુણકુમારનું પ્રિસ્ક્રિપ્શન મોકલ્યું હતું, તે પ્રિસ્ક્રિપ્શનમાં જે દવાઓ લખી અપાઇ હતી તે એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત છે. સુશાંત અને રિયા વચ્ચે ઝઘડો થયો હતો.
માનશિંદેએ કહ્યું કે સુશાંતે રિયાને ચોખ્ખું કહ્યું હતું કે તે બહેને સૂચવેલી દવા જ લેશે, આ મુદ્દે બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી અને સુશાંતે રિયાને ઘરની બહાર કાઢી મૂકી હતી. ડો. તરુણકુમારે કદી પણ સુશાંતની તપાસ કરી નથી. જે ડોક્ટરે સુશાંતને દવા લખી આપી હતી કે તે પોતે કાર્ડિયોલોજિસ્ટ હતા. રિયાની ફરિયાદ અંગે પ્રતિક્રિયા આપતાં સુશાંતના પિતાના વકીલ વિકાસસિંહે જણાવ્યું હતું કે, જો મુંબઈ પોલીસ રિયાની ફરિયાદ સ્વીકારશે તો અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter