સુશાંત સિંહ કેસમાં ટ્વિસ્ટ પે ટ્વિસ્ટ

પહેલાં ડ્રગ્સનો મામલો ઉમેરાયો, હવે પરિવાર સુશાંતની બીમારી વિશે જાણતો હોવાનું ખૂલ્યું

Wednesday 02nd September 2020 07:09 EDT
 
 

મુંબઇ: બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ મામલે દેશની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા સીબીઆઇએ તપાસ હાથ ધરી છે ત્યારથી આરોપીઓની પૂછપરછમાં નીતનવીન જાણકારી બહાર આવી રહી છે. આ દરમિયાન સીબીઆઇ સતત ચોથા દિવસે રિયાની પૂછપરછ કરીને તેને ડ્રગ સંબંધી સવાલ પૂછયા હતા. ચાર દિવસમાં રિયાની ૩૩ કલાક પૂછપરછ થઈ છે.
સુશાંતનું અપમૃત્યુ હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ કરી રહેલી સીબીઆઇની તપાસના કેન્દ્રસ્થાને પૂર્વ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા તેમજ સુશાંતનો સપોર્ટિંગ સ્ટાફ હતો. આ પછી તેમાં નશીલા પદાર્થોનો - ડ્રગ્સના સેવનનો મામલો ઉમેરાયો અને હવે સુશાંતના પરિવારજનોએ કેટલીક માહિતી છુપાવ્યાના મામલે સવાલો ઉઠી રહ્યા છે.
સુશાંતના પરિવારજનો પહેલા દાવો કરતા હતા કે તેઓ સુશાંતની ડિપ્રેશનની સમસ્યાથી અજાણ હતા. જોકે હવે સુશાંત અને તેની બહેન પ્રિયંકાની એક ચેટ પરથી સ્પષ્ટ થયું છે કે બહેન તેની માનસિક સમસ્યાથી વાકેફ હતી.
એક્ટરના મૃત્યુના ૬ દિવસ પહેલાં બહેન પ્રિયંકાએ વોટ્સએપ પર દવા લેવાની સલાહ આપી હતી. અને રિયાનો દાવો છે કે આ ચેટ પછી સુશાંત સાથે દલીલ થઇ અને તે ત્યાંથી જતી રહી હતી.
સુશાંત અને તેની બહેન પ્રિયંકાની ચેટ પરથી એક નવો ખુલાસો થયો છે તે અનુસાર ૮ જૂને જ્યારે રિયા સુશાંતના ઘેર હાજર હતી ત્યારે સુશાંત તેની બહેન પ્રિયંકા સાથે વાત કરી રહ્યો હતો. પ્રિયંકાએ સુશાંતને એક અઠવાડિયા સુધી Librium capsule લેવાનું ત્યાર બાદ નાસ્તા પછી nexito 10mg લેવાની સલાહ આપી હતી. સુશાંતે Lonazep tablet સાથે રાખવી જોઈએ તેવું પણ પ્રિયંકાએ તેને જણાવ્યું હતું. પ્રિયંકા અને સુશાંતની વોટ્સએપ ચેટમાં જે દવાના નામ છે તે ડિપ્રેશન અને એન્ગઝાઈટી માટે યુઝ થાય છે. રિયાના જણાવ્યા મુજબ, તે ડોક્ટરની સલાહ વગર દવા લેવા માટે જરાપણ રાજી ન હતી. દરમિયાન, સુશાંતની વોટ્સએપ ચેટ વાઇરલ થયા બાદ હવે એક્ટરના પરિવાર પર સવાલ ઉઠ્યા છે. એવો દાવો થાય છે કે પરિવાર સુશાંતની મેન્ટલ હેલ્થ વિશે ખોટું બોલ્યો છે.
ઉલ્લેખનીય છે કે સુશાંતના પિતા કે. કે. સિંહે પટનામાં ફાઈલ કરાવેલી FIRમાં દાવો કર્યો છે કે તેમને તેમના દીકરાની મેન્ટલ હેલ્થ વિશે ખબર ન હતી. તેમણે રિયા પર આરોપ લગાવ્યો હતો કે તે પરિવારને જાણ કર્યા વગર સુશાંતની સારવાર કરાવી રહી હતી. જોકે બંને બહેનોની વોટ્સએપ ચેટથી આ સ્પષ્ટ થાય છે કે તેઓને સુશાંતની મેન્ટલ હેલ્થ વિશે પહેલેથી જ જાણકારી હતી.

રિયા જ ડ્રગ્સ આપતી હતીઃ જિમ પાર્ટનરનો આરોપ

સીબીઆઈએ રિયા ચક્રવર્તીની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ સંબંધી સવાલ પૂછયા હતા. તો બીજી તરફ સુશાંત ડ્રગ્સ લેતો હતો તેવી રિયાની વાતને ફગાવી દેતા સુશાંતના જિમ પાર્ટનર સુનીલ શુક્લાએ એવું જણાવ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો નહોતો પરંતુ રિયાએ જ તેને ડ્રગ્સના રવાડે ચડાવ્યો હતો. રિયા દવાને નામે સુશાંતને ડ્રગ્સ આપતી હતી, તે એક સારા ઘરનો અને સંસ્કારી છોકરો હતો. સુશાંત ડ્રગ્સ લઈને કદી પણ જિમમાં આવ્યો નહોતો. રિયાએ જૂના સ્ટાફને બદલી નાખ્યો હતો. સુશાંતને પરિવારથી દૂર કરી દેવાયો હતો. પૈસા માટે સીએને બદલી નાખવામાં આવ્યા હતા. સુશાંતને નશીલી ગોળીઓ આપવામાં આવતી હતી. જે પછી સુશાંત સુસ્ત થઈ ગયો હતો. રિયા સુશાંતને જરા પણ વફાદાર નહોતી.

પરિવારનો દાવો ખોટો સાબિત થઇ રહ્યો છે

આ ચેટ સામે આવ્યા બાદ સુશાંતના પરિવારનો દાવો ખોટો સાબિત થઇ રહ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે તેમને સુશાંતની મેન્ટલ હેલ્થ વિશે જાણકારી ન હતી. ચેટમાં પ્રિયંકાએ સુશાંતને એમ પણ કહ્યું હતું કે તે તેનો સંપર્ક મુંબઈના સૌથી સારા ડોક્ટર્સ સાથે કરાવશે અને બધું ગુપ્ત જ રાખવામાં આવશે. બંને વચ્ચે થયેલી વાતચીત આ મુજબ છે.

સુશાંત બોલિવૂડ છોડવા માગતો હતો

સુશાંત અને રિયા વચ્ચે જાન્યુઆરીમાં થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ સામે આવી છે. ૩૬ મિનિટની ઓડિયો ક્લપમાં સુશાંતને રિયા, ઇંદ્રજિત અને બીજા કેટલાક સલાહકારો સાથે વાત કરતો, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, પૈસા માટે ટ્રસ્ટ બનાવવાની, બોલિવૂડ છોડવાની અને પોતાના રિટાયરમેન્ટ પ્લાન અંગે વાતચીત કરી રહેલો સાંભળી શકાતો હતો. ઓડિયો ક્લિપમાં રિયા સુશાંતને એફડી તૈયાર કરવાનું કહેતી સાંભળી શકાતી હતી. રિયા કહી રહી હતી કે સુશાંતના ખાતામાં ૧૦-૧૫ લાખથી વધારે નહીં હોય. બીજી વાત જે પૈસા સુશાંતની પાસે છે જેનું તેને વ્યાજ મળે છે. સુશાંતની જમા રકમ સુરક્ષિત રહેશે. સુશાંતની સહી વગર કોઈ એફડી નહીં તોડાવી શકે. સુશાંતનો એક જૂનો ઇન્ટરવ્યૂ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં સુશાંતે ખુદ સ્વીકાર કર્યો હતો કે તે ક્લોસ્ટ્રોફોબિક નામની બીમારીથી પીડિત છે. ક્લોસ્ટ્રોફોબિક બીમારીથી પીડિત દર્દીને સાંકળી જગ્યાએ જવાનો તથા ફ્લાઇટમાં બેસવાનો ડર લાગે છે.

સુશાંતની બહેનો ડ્રગ્સ પાર્ટીમાં થતી: શ્રુતિના વકીલ

સુશાંતની પૂર્વ મેનેજર શ્રુતિ મોદીના વકીલ અશોક સરાવગીએ દાવો કર્યો છે કે સુશાંતની બે બહેનો ડ્રગ્સવાળી પાર્ટીમાં સામેલ થતી હતી. મુંબઈમાં રહેતી સુશાંતની બહેન દારૂ પણ પીતી હતી. તે દારૂની ઘણી શોખીન હતી. સુશાંતના પરિવારને ખબર હતી કે તે ડ્રગ્સ લઈ રહ્યો છે.

આઠ હાર્ડ ડ્રાઇવનો નાશ કરાયો હતો

સુશાંતના ઘરમાં સાથે રહેતા તેના મિત્ર સિદ્ધાર્થ પીઠાનીની સીબીઆઈએ સતત છઠ્ઠા દિવસે પૂછપરછ કરી હતી. પીઠાનીએ દાવો કર્યો હતો કે સુશાંત અને રિયા વચ્ચે ઝઘડો થયો તે પછી કોમ્પ્યુટરની આઠ હાર્ડ ડ્રાઈવનો નાશ કરાયો હતો. સિદ્ધાર્થ પીઠાનીએ દાવો કર્યો હતો કે રિયા અને સુશાંત વચ્ચે ઝઘડો થયો તે પછી ૮મી જૂને જ્યારે રિયા ચક્રવર્તી ઘર છોડીને ગઈ તે પહેલાં બંનેએ આઠ હાર્ડ ડ્રાઈવનો નાશ કર્યો હતો. એ હાર્ડડ્રાઈવ્સનો નાશ કરવા માટે ખાસ આઈટી પ્રોફેશનલ્સને બોલાવાયા હતા. જોકે, કોના કહેવાથી આઈટી પ્રોફેશનલ્સ બોલાવાયા હતા તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ ન હતી. સીબીઆઈની પૂછપરછમાં પીઠાનીએ દાવો કર્યો કે સુશાંત ગાંજાનો નશો કરતો હતો.

ભાજપ-સંદીપ કનેક્શનની તપાસની માગ

મહારાષ્ટ્ર સરકારે સંદીપસિંહના ડ્રગ કનેક્શન અને ભાજપ સાથેના સંબંધોની સીબીઆઇ તપાસની ભલામણ કરી છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખેએ જણાવ્યું કે આ કેસમાં સચ્ચાઈ બહાર આવવી જોઈએ. કોંગ્રેસ નેતાઓનું એક દળ મને મળ્યું હતું. આ દળે તપાસની માગ કરી હતી અને તેમની માગને સ્વીકારી લેવામાં આવી છે. દેશમુખે કહ્યું કે સંદીપસિંહને ભાજપ સાથે શું સંબંધ છે? સુશાંત કેસ સાથે શું સંબંધ છે? તે સંબંધિત ફરિયાદ મારી પાસે આવી છે.

લંડનમાં પણ સુશાંત માટે ન્યાયની માગ ઊઠી

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બાદ હવે બ્રિટનમાં પણ સુશાંત માટે ન્યાયની માગ ઊઠી છે. સુશાંતની બહેન શ્વેતાએ લંડનની કેટલીક તસવીર અને વીડિયો શેર કર્યો હતો જેમાં સુશાંત માટે ગ્લોબલ પ્રેયરનું આયોજન કરાયું હોવાનું જણાવાયું હતું. બીજા એક વીડિયોમાં એક ટ્રકની ચારે બાજુ લગાડવામાં આવેલા સ્ક્રીન પર મોટા અક્ષરે જસ્ટિસ ફોર સુશાંત એવું લખેલું જોવા મળતું હતું. સુશાંતની તસવીર સાથે #justiceforsushantsingrajput, #GlobalPrayersForSushant #WarriorsForSSR, #Selfmusing #justice જેવી વાતો લખવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter