સુશાંતસિંહ રાજપૂત કેસઃ પિતાએ અભિનેત્રી-ગર્લફ્રેન્ડ રિયા સામે ફરિયાદ નોંધાવી

Wednesday 29th July 2020 06:23 EDT
 
 

પટણાઃ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં અણધાર્યો વળાંક આવ્યો છે. સુશાંતના પિતા કે. કે. સિંહે પટણાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે નાણાં પડાવવાની અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના આરોપસર ફરિયાદ નોંધાવી છે. રિયા ચક્રવર્તી સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ છે. આ ફરિયાદ બાદ પટણા પોલીસની એક ટીમ મુંબઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ૧૪મી જૂને સુશાંતસિંહે તેના બાંદ્રાસ્થિત ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસનું કહેવું હતું કે સુશાંતે આત્મહત્યા કરી છે. સુશાંતસિંહના મૃત્યુ પછી રિયાનું નામ એ લોકોમાં સામેલ હતું, જેમની મુંબઈ પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં રિયા ચક્રવર્તીએ ગૃહપ્રધાન અમિત શાહ સમક્ષ સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માગ કરી હતી.

રિયાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, ‘સર, હું સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ છું. સુશાંતના મૃત્યુને એક મહિનો થયો. મને સરકાર પર પૂરો વિશ્વાસ છે. હું ઇચ્છું છું કે આ મામલામાં ન્યાય મળે, એ માટે આની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવે. હું માત્ર એ જાણવા માગું છું કે સુશાંતે કયા દબાણ હેઠળ આવું પગલું લીધું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter