પહેલા ઇરફાન અને હવે ઋષિ કપુરઃ બોલિવૂડે બીજો સિતારો ગુમાવ્યો

Thursday 30th April 2020 06:41 EDT
 
ઇરફાન ખાન અને ઋષિ કપુર
 

મુંબઇઃ પહેલા ઇરફાન ખાન અને હવે ઋષિ કપુર. હિન્દી ફિલ્મજગતે ૨૪ જ કલાકમાં બીજો સિતારો ગુમાવ્યો છે. બુધવારે ઇરફાન પઠાણનું નિધન થયા બાદ આજે ગુરુવારે ઋષિ કપુરના નિધનના સમાચાર આવ્યા છે. તેઓ ૬૭ વર્ષના હતા. અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. ૧૯૭૩માં ‘બોબી’ ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર ઋષિ કપૂર દિગ્ગજ અભિનેતા રાજ કપૂરના બીજા નંબરના પુત્ર હતા. તેમણે છેલ્લે એમણે છેલ્લે ઇમરાન હાશમીની સાથે ‘ધ બોડી’ ફિલ્મમાં કામ કર્યું હતું.

ઋષિ કપૂર બે વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. ૨૦૧૮માં તેઓ સારવાર માટે અમેરિકા ગયા હતા અને ૨૦૧૯માં ભારત પાછા ફર્યા હતા. જોકે, ભારત પાછા ફર્યા પછી પણ તેમને સતત સારવાર લેવી પડી રહી હતી. ફેબ્રુઆરીમાં તેમને બે વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૬૭ વર્ષના ઋષિ કપૂરને બુધવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઋષિ કપૂરના અવસાન પર અનેક નામાંકિત વ્યકિતઓ અને કલાકારો શોક વ્યક્ત કરી રહ્યા છે.
અમેરિકામાં એક વર્ષ કેન્સરનો ઇલાજ કરાવીને ઋષિ કપૂર ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત આવ્યા હતા. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં તેમની તબિયત ખરાબ થતા બે વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા ઋષિ કપૂરે બીજી એપ્રિલ પછી ટ્વિટર પર કોઈ માહિતી શેર નથી કરી. એક પોસ્ટમાં તેમણે દીપિકા પાદુકોણે સાથેની આગામી ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એમણે અભિનેત્રી દીપિકા પાદુકોણે સાથે આગામી ફિલ્મ કરવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મ હોલીવૂડની ‘ધ ઇંટર્ન’ ફિલ્મની રિમેક ગણાવાઈ હતી.

ચિંટુજીની વિદાય પર કપૂર પરિવારનો સંદેશો

ઋષિ કપુરના નિધન બાદ કપૂર પરિવારે એક સંદેશોમાં જણાવ્યું હતુંઃ ‘આપણા લાડીલા ઋષિ કપૂરે આજે સવારે હોસ્પિટલમાં ૮.૪૫ કલાકે અંતિમ શ્વાસ લીધા. તેઓ બે વર્ષથી લ્યુકેમિયા સામે ઝઝૂમી રહ્યા હતા. હોસ્પિટલના ડોકટર્સ અને મેડિકલ સ્ટાફનું કહેવું છે કે તેમના અંતિમ સમય સુધી તેમણે એ લોકોને મનોરંજન પૂરું પાડયું હતું.
બે વર્ષના એ સમયગાળામાં બિમારી સામે ઝઝૂમીને પણ તેમણે આનંદદાયક જીવન જીવવાનું પસંદ કર્યું હતું. પરિવાર, મિત્રો, ભોજન અને ફિલ્મો પર તેમણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ સમય દરમિયાન તેમને જે કોઇ પણ મળતું તે જાણીને આશ્ચર્ય અનુભવતું કે આવી કપરી બીમારીમાં પણ આંસુ સાર્યા વગર તેઓ કેવી બેફિકરાઇથી આનંદથી જીવન વ્યતિત કરી રહ્યા છે.
પોતાના ચાહકોના પ્રેમ બદલ તેઓ કૃતજ્ઞ હતા. તેમની અંતિમ વિદાય સાથે ચાહકો એ સમજી શકશે કે ઋષિ પોતાને સ્મિત સાથે યાદ કરવામાં આવે એવું પસંદ કરશે, નહીં કે આંસુઓ સાથે.
આ અંગત ખોટના સમયે અમે સજાગ છીએ કે વિશ્વ પણ એક કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. જાહેરમાં લોકોનાં ભેગા થવા પર અને એ સિવાય પણ ઘણી પાબંદીઓ છે.

તેથી તેમના ચાહકો, હિતેચ્છુઓ, મિત્રો અને પરિવારના અન્ય મિત્રોને અમારી વિનંતી છે કે હાલ નિયમોનું પાલન કરવું જોઇએ.

ઇરફાન ખાન: કેન્સર સામે કલાકારની હાર

લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડિત ઇરફાન ખાને બુધવાર - ૨૯ એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા. ૫૪ વર્ષના ઇરફાન ખાનને છેલ્લા કેટલાક દિવસથી તબિયત લથડતા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી.
૨૦૧૯માં ઇરફાન ખાન લંડનમાં ઇલાજ કરાવી ભારત પરત ફર્યા હતા. એ પછી એમની સારવાર કોકિલાબેન હોસ્પટલના ડોક્ટરોની દેખરેખમાં ચાલતી હતી. ઇરફાન ખાન ન્યૂરોએંડોક્રાઇન ટ્યૂમરથી પીડિત હતા.
બે વર્ષ પહેલાં ૨૦૧૮માં ઇરફાન ખાનને બીમારી વિશે જાણ થઈ હતી અને તેમણે પોતે પોતાની બીમારી વિશે ચાહકોને જાણ કરી હતી.
એ વખતે એમણે કહ્યું હતું કે, જિંદગી કંઈક એવું થઈ જાય છે જે તમને આગળ લઈ જાય છે. મારી જિંદગીમાં કેટલાક દિવસોમાં એવા જ રહ્યાં. મને ન્યૂરોએંડોક્રાઇન ટ્યૂમર નામની બીમારી થઈ છે. પરંતુ મારી આસપાસના લોકોનો પ્રેમ અને શક્તિ મને આશા આપે છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ જ તેમનાં માતા સઇદા બેગમનું જયપુરમાં અવસાન થયું હતું. લોકડાઉનના કારણે ઇરફાન તેમના માતાની અંતિમ યાત્રામાં સામેલ નહોતા થઈ શક્યા.

‘મારા મગજમાંથી જીવવા-મરવાનો હિસાબ નીકળી ગયો છે’

ઇરફાન ખાને બોલિવૂડની ૧૦૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં ‘પીકુ’, ‘મકબૂલ’, ‘હાંસિલ’, ‘પાન સિંહ તોમર’, ‘હિન્દી મીડિયમ’ જેવી ફિલ્મો સામેલ છે જેમાં તેમના કામના વખાણ થયા હતા.
હિંદી ફિલ્મો સિવાય તેમણે અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. ‘લાઇફ ઓફ પાઇ’, ‘જ્યુરાસિક પાર્ક’, ‘સ્લમડોગ મિલિયોનેર’ અને ‘ધ અમેઝિંગ સ્પાઇડરમેન’ જેવી લોકપ્રિય અંગ્રેજી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
આ લોકપ્રિય અંગ્રેજી ફિલ્મોને જોતાં કહી શકાય કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતમાંથી કદાચ તેઓ સૌથી વધારે જાણીતા અભિનેતા રહ્યા. હિંદી ફિલ્મો સિવાય અનેક સ્વતંત્ર ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter