વિદેશમાં વસતા ગુજરાતીના વતન પ્રેમ પરની બાયોપિકઃ રિઝવાન

Saturday 29th February 2020 04:54 EST
 
 

ગુજરાતી ફિલ્મ ‘રિઝવાન’ ૨૮મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મની વાર્તા માતૃભૂમિનું ઋણ ચૂકવવાનું ક્યારેય ચૂકતા નથી એવા ગુજરાતી પોરબંદરના અને આફ્રિકામાં વસતા રિઝવાન આડતિયા પર આધારિત છે. ફિલ્મના નિર્માતા નિર્દેશક હરેશ વ્યાસ છે. રિઝવાન આડતિયાના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ, વ્યાપાર અને સેવાકીય કાર્યોને ફિલ્મી સ્વરૂપે કંડારવામાં આવી છે. ફિલ્મમાં રિઝવાનનું પાત્ર વિક્રમ મહેતાએ ભજવ્યું છે. ફિલ્મ રિલીઝ પહેલાં વિક્રમ મહેતાએ કહ્યું હતું કે, રિઝવાનભાઈનું કેરેકટર ભજવવાની જરૂરી તૈયારી તેમણે કરી હતી. આ પાત્ર માટે તેમણે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવા ઉપરાંત રિઝવાન આડતિયાની આત્મકથા પણ વાંચી હતી. આ ફિલ્મમાં વિક્રમ મહેતા ઉપરાંત ભાર્ગવ ઠાકર, જલ્પા ભટ્ટ, મરેશ કડવાતર, ચિરાગ કાતરેચા, કેયુરી શાહ, હિતેશ રાવલે પણ અભિનય આપ્યો છે. ફિલ્મનું શૂટિંગ ૩ દેશમાં થયું છે.

રિઝવાનભાઈએ કહ્યું કે...

ભલે હું વર્ષોથી વિદેશમાં સ્થાયી થયો છું, પણ મારું દિલ આજે પણ હિન્દુસ્તાનમાં છે અમે મૂળે પોરબંદરના છીએ. પોરબંદરમાં મારા પિતાનું બે ઓરડીનું મકાન હતું. એમાંથી એક ઓરડીમાં શિંગ-દાળિયા શેકવાની ભઠ્ઠી હતી અને બીજી ઓરડીમાં અમારો નવ જણાનો પરિવાર રહેતો હતો.

મને ભણવાનું ગમતું નહોતું. હું ધોરણ ૧૦માં નાપાસ થયો. જોકે ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ હતો મને. ૧૯૮૬માં ૧૭ વર્ષની વયે મેં મારો પ્રથમ વિદેશ પ્રવાસ કર્યો એ સમયે ખિસ્સામાં હું માત્ર રૂ. ૨૦૦ લઈને નીકળ્યો હતો. જોકે જોતજોતામાં વેપાર વિકસતો ગયો અને દેશ વિદેશમાં ફેલાયો. વર્ષ ૨૦૧૫માં અમે રિઝવાન આડતિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશન બાળકો મહિલાઓ અને સનિયર સિટીઝન્સ માટે અનેકવિધ સેવાકીય કાર્યો કરે છે. અત્યાર સુધીમાં આશરે પાંચ લાખ લોકોને વિવિધ સહાય પહોંચાડી શક્યા છીએ. લેખક ડો. શરદ ઠાકરે ૩ વર્ષ પહેલાં મારા જીવન પર આધારિત પુસ્તક બનાવ્યું અને હવે ફિલ્મ બની છે એ મારા માટે બહુ લાગણીશીલ પળો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter