લંડનઃ ભારતીય હાઈ કમિશન (HCI), લંડન દ્વારા ભારતના નેશનલ સ્પોર્ટ્સ ડે 2025 નિમિત્તે 29 ઓગસ્ટ 2025ના રોજ રિસેપ્શન યોજાયું હતું. હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિન પ્રસંગે દર વર્ષે નેશનલ સ્પોર્ટ્સ ડે મનાવાય છે. આ પ્રસંગે કોમનવેલ્થ ગેઈમ્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓના ડેલિગેશનના વડા તરીકે લંડનની મુલાકાતે આવેલા ગુજરાત સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.ડેલિગેશન દ્વારા કોમનવેલ્થ ગેઈમ્સ 2030 યોજવા ભારતનો પ્રસ્તાવ કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રુકારે રમક્ષ રજૂ કરાયો હતો.
આ પ્રસંગે સંબોધન કરતા યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ભારતીય અને વિશ્વરમતને મેજર ધ્યાનચંદના અભૂતપૂર્વ યોગદાનને અંજલિ અર્પણ કરી હતી અને ભારતીય રમતોની વિરાસતને ઉજવવાની પળો તરીકે નેશનલ સ્પોર્ટ્સ ડેના મહત્ત્વને ઉજાગર કર્યું હતું. ભારત સરકાર અને પ્રાઈવેટ સેક્ટર દેશમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ઈન્વેસ્ટમેન્ટ્સને પ્રાથમિકતા અને યુવા પ્રતિભાઓને ભવિષ્યના ચેમ્પિયન બનાવવાનું પ્રોત્સાહન આપી રહેલ છે.
ગુજરાતના સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં ગુજરાતના વિશ્વસ્તરીય સ્પોર્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હાઈલાઈટ કરવા સાથે મોટા પાયા પર આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સના ગુજરાતના આયોજનમાં સફળતાના ટ્રેક રેકોર્ડ તેમજ કોમનવેલ્થ ગેઈમ્સ 2030 યોજવા ભારતની તૈયારી પાછળનું વિઝન પણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 2030માં ગેઈમ્સના યજમાન બનવાની દરખાસ્ત ટકાઉ અને સમાવેશી રમતો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમજ નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે જ રજૂ કરાયેલો પ્રસ્તાવ ભારતની ખેલવિરાસતનું વિશેષ મહત્ત્વ છતું કરે છે. આ રિસેપ્શનમાં યુકેના સ્પોર્ટ્સ અગ્રણીઓ, ડાયસ્પોરા અને મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.