અમદાવાદઃ ગુજરાત માટે 26 નવેમ્બરનો દિવસ ખૂબ જ ઐતિહાસિક હતો. કોમનવેલ્થ ગેમ્સ- 2030ની યજમાની માટે નિર્ણય લેવા સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં યોજાયેલી મીટિંગમાં અમદાવાદના નામ પર મહોર મારવામાં આવી હતી. ગ્લાસગોમાં આ ગૌરવાન્વિત ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું હતું.
ઢોલ-નગારાં અને ગરબા સાથે વધામણાં
કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું માત્ર રમતગમતના દૃષ્ટિકોણથી જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ, વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્ત્વનું માનવામાં આવે છે. આ આયોજન માત્ર વૈશ્વિક સ્તરે રાજ્યની છાપ બદલવાનો પ્રયાસ નથી, પરંતુ આપણા સ્પોર્ટ્સ પર્સન, કોચિંગ સ્ટાફ અને સમગ્ર સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ માટે એક સુવર્ણ તક છે. આ કારણે જ કોમનવેલ્થ ગેમ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક બાદ અમદાવાદનું નામ જાહેર કરતાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. જે આનંદને દર્શાવતાં ગ્લાસગોમાં ઢોલ-નગારાં અને ગરબા સાથે નિર્ણયને વધાવી લેવાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતુ કે, કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળે તે આપણા માટે ગૌરવની વાત છે. વડાપ્રધાન મોદીની વિઝનરી લીડરશીપમાં રમતગમત ક્ષેત્રેમાં આપણે ઈન્ફ્રાસ્ટ્રચર અને સ્પોર્ટસ ઈકો સિસ્ટમમાં વિશ્વ સ્તરીય બન્યા છે. ભારત આ માટે સંપૂર્ણ સજ્જ છે. આ આયોજનથી ખેલ જગતની પ્રતિભાઓને વિશ્વ સ્તરીય નવી તક મળશે. વિકાસના નવા દ્વાર ખુલશે. આ પહેલ રાષ્ટ્રીય સ્તર પર વડાપ્રધાન મોદીએ વિઝન સાથે જોડાયેલી જે યુવા સશક્તિ કરણ અને સ્પોર્ટલ ઈનફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની વૈશ્વિક છબી બનાવવા માટેની પ્રતિબદ્ધતા છે. વર્તમાનમાં ગુજરાતે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં મોટાપાયે રોકાણ કર્યું છે.
વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્ણાયક બન્યા
ગ્લાસગોમાં પત્રકારો સાથે વાત કરતા ગુજરાતના રમત-ગમત વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારે કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે અમે એક મહિનામાં કમિટી બનાવીશું. અત્યારે ઘણા બધા વેન્યુ પર મોડિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદ સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ધ કન્ટ્રી તરીકે વિકસે એ દિશામાં અમારા પ્રયાસ થઈ રહ્યા છે. અમદાવાદના સરદાર પટેલ એન્ક્લેવ ઉપરાંત કરાઇ પોલીસ એકેડમી ખાતે પણ ગેમ્સનું આયોજન થશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના તમામ કામ વર્ષ 2029ની શરૂઆતમાં પૂરા કરવાનો લક્ષ્યાંક છે. તેમણે કહ્યું હતું કે અમદાવાદની પસંદનું સૌથી મોટું કારણ વન સિટી ગેમ્સ મોડલ છે, જેમાં ગેમ્સ વિલેજ, સ્ટેડિયમ, મીડિયા સેન્ટર, મોબિલિટી એક ઝોનમાં આવે છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ફ્લેવ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્ણાયક બન્યા છે.
અંદાજે રૂ. 3000 કરોડ સંચાલન ખર્ચ
અમદાવાદના આંગણે યોજાનારા આ રમતોત્સવના સંચાલન માટે ત્રણથી પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ આંકડા માત્ર સંચાલન માટેના છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ખર્ચ અલગ રહેશે. સરકાર અને આયોજન સાથે સંકળાયેલા વિભાગ દરેક પ્રકારના ખર્ચનું અનુમાન તૈયાર કરી રહ્યા છે. દિલ્હી 2010ના કોમનવેલ્થ ગેમ્સનો સંચાલન ખર્ચ લગભગ રૂ. 2,600 કરોડ હતો, જે 635 કરોડ રૂપિયાના પ્રારંભિક અંદાજ કરતાં અનેકગણો વધારે હતો. કોમનવેલ્થ-2010 સમગ્ર આયોજન પાછળ કુલ ખર્ચ 70 હજાર કરોડ રૂપિયા કરતા પણ વધારે થયો હતો. જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. આ અનુભવના આધારે ગુજરાત સરકાર આ વખતે કોઈપણ વિવાદ ટાળવા માટે પારદર્શક અને નાણાકીય જવાબદારી હોય એવું મોડેલ અપનાવવા માગે છે.


