અમદાવાદમાં 6 સ્ટેડિયમ, સ્પોર્ટ્સ હબ, ગેમ વિલેજ આકાર લેશે

Saturday 06th December 2025 05:37 EST
 
 

અમદાવાદઃ કોમનવેલ્થ-2030ની યજમાની અમદાવાદને મળી ચૂકી છે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટ્સની દુનિયામાં લંડન અને પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. અમદાવાદ પહેલેથી જ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વિશ્વવિખ્યાત છે, ત્યારે તેમાં વધારો કરતાં મોદી સ્ટેડિયમની આસપાસ એેના જેવાં જ નવાં 6 હાઇટેક વર્લ્ડક્લાસ સ્ટેડિયમ બનવા જઈ રહ્યાં છે. રૂ. 6 હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટના કિનારે બની રહેલા સરદાર સ્પોર્ટ્સ એન્કલેવને જોતાં જ લોકો મોઢામાં આંગળા નાખી દેશે. આ ઉપરાંત કરાઈ પોલીસ એકેડેમીની 143 એકર જમીન પર સ્પોર્ટ્સ હબ બનશે. ગુજરાતમાં 10 જગ્યાએ કોમનવેલ્થની વિવિધ ગેમ રમાશે. અમદાવાદ-ગાંધીનગર સિવાય સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ અમુક ગેમ રમાશે.
આ સિવાય જોઈએ તો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલું વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ પહેલેથી જ તૈયાર છે. આમ ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ વેપાર, ધંધા, વૈભવની સાથે હવે ભારતની સ્પોર્ટ્સ કેપિટલ બનવા પણ તૈયાર છે. ભારતમાં ક્યાંય ન હોય એેવી સ્પોર્ટ્સ ફેસિલિટી સાથેના સ્પોર્ટ્સ એન્કલેવ અને કોમ્પ્લેક્સ હવે અમદાવાદની નવી ઓળખ બનવા તૈયાર છે.
મોદી સ્ટેડિયમ આસપાસ 6 કોમ્પ્લેક્સ બનશે
મોદી સ્ટેડિયમની આસપાસ રૂ. 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બની રહ્યું છે, જે કોમનવેલ્થનું મુખ્ય કેન્દ્ર બનશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ જ અલગ અલગ એરેના અને સ્ટેડિયમ બનશે. મોદી સ્ટેડિયમની આસપાસ 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાશે.
2030માં બુલેટ ટ્રેન દોડતી હશે, મેટ્રો નેટવર્ક સંપૂર્ણ સજ્જ હશે
અમદાવાદમાં કોમનવેલ્થ યોજાશે ત્યારે આંખના પલકારામાં જ મુંબઈ પહોંચી જતી બુલેટ ટ્રેન દોડતી થઈ ગઈ હશે, જે ગુજરાતની મહેમાનગતિ અને આધુનિક સ્પોર્ટ્સ સ્ટેડિયમની વાઇબ્સ મહેમાનોને સ્વર્ગનો અનુભવ કરાવી દેશે. તો મેટ્રો ટ્રેનની સુવિધા પ્રવાસીઓને એક સ્ટેડિયમથી બીજા સ્ટેડિયમ સુધી એટલી ઝડપભેર પહોંચાડશે કે રમતપ્રેમી એક પણ મેચની એક પણ મોમેન્ટ ચૂકશે નહીં.
વિશાળકાય મલ્ટિપર્પઝ સ્પોર્ટ્સ એરેના
કોમનવેલ્થ માટે 6000થી 10 હજારની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ એરેના તૈયાર કરાશે. આ સિવાય 5000 લોકોની કેપેસિટીવાળું રિંગ ઓફ યુનિટી તૈયાર કરાશે, જ્યાં ગરબા, યોગ, ઉત્સવ અને ઓપન બજાર પણ હશે. 18 હજાર લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ ઇનડોર એરેના, 10 હજારની કેપેસિટીવાળું ટેનિસ સેન્ટર, સ્વિમિંગ સહિતની ગેમ માટે 12 હજારની કેપેસિટીવાળું એક્વાટિક સેન્ટર તૈયાર કરાશે. આ સિવાય 50 હજારની કેપેસિટીવાળું ફૂટબોલ સ્ટેડિયમ પણ તૈયાર કરાશે.
સુઘડ-ભાટ ખાતે સાકાર થશે કોમનવેલ્થ વિલેજ
સ્પોર્ટ્સ એન્ક્લેવ પાસે સુઘડ-ભાટ ખાતે 136 એકર જમીનમાં કોમનવેલ્થ વિલેજ બનશે, જેમાં ખેલાડીઓ, કોચ અને રમત અધિકારીઓ માટે રહેણાંક સહિત માળખાગત સુવિધા હશે. એટલું જ નહીં, ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક એવું હશે કે અહીંથી માત્ર થોડીક મિનિટમાં જ એન્ક્લેવ સુધી પહોંચી જવાશે. આ કોમનવેલ્થ વિલેજમાં રમતવીરો અને સહાયક સ્ટાફ માટે આશરે 3 હજાર ઘરો હશે, જે આધુનિક સુવિધાથી સજ્જ હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter