આઇપીએલ મેગા ઓક્શનઃ ૨ દિવસ, ૧૦ ટીમ, ૨૦૪ ખેલાડી, રૂ. ૫૫૧ કરોડ

Wednesday 16th February 2022 05:30 EST
 
 

બેંગ્લૂરુઃ ઇંડિયન પ્રીમિયર લીગના બે દિવસના મેગા ઓક્શનમાં ૧૦ ટીમોએ કુલ રૂ. ૫૫૧.૭ કરોડ ખર્ચીને ૨૦૪ ખેલાડીઓને કરારબદ્ધ કર્યા છે. આમાંથી ૬૭ વિદેશી ખેલાડી છે તો બાકીના ૧૩૭ ભારતીય ખેલાડી છે અને આમાંથી ૧૧ ખેલાડી ગુજરાતમાંથી છે. ૨૦૪ ખેલાડીઓમાંથી ૧૪૬ ખેલાડી ઓલરાઉન્ડર અથવા બોલર્સ છે. ટોચના ૩૦ ખેલાડીઓમાં માત્ર સાત બેટ્સમેન અથવા વિકેટકીપર છે. રૂ. ૧૦ કરોડ કે તેથી વધારે રકમ હાંસલ કરનાર ૧૧માંથી પાંચ ખેલાડી બોલર અને ત્રણ ઓલરાઉન્ડર છે. અન્ય ખેલાડીઓમાં બે આક્રમક બેટ્સમેન ઇશાન કિશન અને નિકોલસ પૂરન છે. ૧૦ કરોડ પ્લસની યાદીમાં એક માત્ર નિષ્ણાત વિકેટકીપર છે.

તમામ ખેલાડીઓને ધાર્યા કરતાં વધારે નાણાં મળ્યા છે. મેગા ઓક્શનના પ્રથમ દિવસે ઇશાન કિશને સૌથી વધુ રૂ. ૧૫.૨૫ કરોડ મેળવ્યા હતા તો બીજા દિવસે ઇંગ્લીશ ક્રિકેટર લિયામ લિવિંગસ્ટોને સૌથી વધુ રૂ. ૧૧.૫૦ કરોડ મેળવ્યા હતા. ધમાકેદાર બેટીંગ માટે જાણીતા ઇશાનને મુંબઇ ઇંડિયન્સે જ્યારે ટી૨૦ સ્પેશિયાલિસ્ટ લિયામને પંજાબ કિંગ્સે કરારબદ્ધ કર્યો છે.
બીજી તરફ, મુંબઇ ઇંડિયન્સે ઇજાગ્રસ્ત જોફ્રા આર્ચર પર ભરોસો મૂકતાં તેના પર રૂ. ૮ કરોડની બોલી લગાવીને રીતસરનો જુગાર ખેલ્યો છે. આર્ચર ઇજાગ્રસ્ત હોવાથી ૨૦૨૨ની સિઝનમાં ઉપલબ્ધ નથી. મુંબઇ ઇંડિયન્સે હરાજના પ્રથમ દિવસે સંયમ દર્શાવ્યો હતો અને ફક્ત એક ખેલાડીને ખરીદ્યો હતો. બીજા દિવસની હરાજીમાં ટીમોએ પોતાની ટીમ બિલ્ડઅપ ધ્યાન કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
દરેક ટીમે ઓલરાઉન્ડર્સ ઉપરાંત વિદેશી બોલર્સ અને યુવા ખેલાડીઓ પર વધુ ભાર મૂક્યો હતો.
મોટાને જાકારો, નાનાની લેવાલી
આઇપીએલના મોટા નામ ગણાતા સ્ટીવ સ્મિથ, એરોન ફિન્ચ, સુરેશ રૈના અને ઇશાંત શર્માને બે દિવસમાં એક પણ લેવાલ મળ્યો નથી. જ્યારે વીતેલા પખવાડિયે જ અંડર-૧૯ વર્લ્ડ કપ જીતનારી ભારતીય કેટલાક ખેલાડીના નસીબ ચમક્યા છે. રાજ બાવાને પંજાબની ટીમે રૂ. બે કરોડમાં જ્યારે દિલ્હી કેપિટલ્સે યશ ધૂલને રૂ. ૫૦ લાખમાં કરારબદ્ધ કર્યો છે. પંજાબે વેસ્ટ ઇંડિઝના ઓલરાઉન્ડર ઓડિયન સ્મિથને રૂ. ૬ કરોડમાં ખરીદ્યો હતો. આ ઉપરાંત પંજાબે ગુજરાતના ફાસ્ટર ચેતન સાકરિયાને રૂ. ૪.૨૦ કરોડમાં મેળવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter