કેન્યાની મેરેથોન ચેમ્પિયન જેપચિરચિર સામે ત્રણ વર્ષનો પ્રતિબંધ

Tuesday 24th November 2026 14:08 EST
 
 

નાઈરોબીઃ કેન્યાની વર્તમાન વિશ્વ અને પૂર્વ ઓલિમ્પિક મેરેથોન ચેમ્પિયન પેરેસ જેપચિરચિર સામે ડોપિંગના કેસમાં ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવાયો છે. એથેલેટિક્સ ઈન્ટિગ્રિટી યુનિટના જણાવ્યા અનુસાર જેપચિરચિરે પ્રતિબંધિત પદાર્થ EPO (કૃત્રિમ એરિથ્રોપોઈટિન)ની હાજરી સંદર્ભે એન્ટિ-ડોપિંગ રૂલ્સનો ભંગ કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. જેપચિરચિરે 17 જુલાઈથી તેના તમામ સ્પર્ધાત્મક પરિણામોની ગેરલાયકાત સ્વીકારી લીધી છે.

33 વર્ષીય પેરેસ જેપચિરચિરે 2021માં ટોકિયો ઓલિમ્પિક્સમાં મેરેથોન ગોલ્ડ મેળવ્યો હતો અને ગયા વર્ષે વર્લ્ડ ટાઈટલ હાંસલ કર્યું હતું. તે હાફ મેરેથોનમાં પણ પૂર્વ વિશ્વવિક્રમ ધારક દોડવીર છે. સિડની મેરેથોનમાં સ્પર્ધા દરમિયાન તેના ટેસ્ટ નેગેટિવ આવ્યાં હતાં, પરંતુ સ્પર્ધા પહેલા કરાયેલા પરીક્ષણો પોઝિટિવ આવ્યાં હતાં. હવે ઈરિન ચેપ્ટાઈને 2026ની મહિલા ચેમ્પિયન જાહેર કરવામાં આવશે.

કેન્યાના હાઈ પ્રોફાઈલ દોડવીર અને 20206ની વર્લ્ડ રોડ રનિંગ ચેમ્પિયનશિપમાં હાફ મેરેથોન સિલ્વર મેડલિસ્ટ વેરોનિકા લોલેઓ સામે પણ પ્રતિબંધિત EPOના સેવન બદલ ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવાયો છે જ્યારે 2023ની બર્લિન મેરેથોનમાં ચોથા ક્રમે આવેલા રોનાલ્ડ કોરિરને પણ 6 વર્ષ માટે પ્રતિબંધિત કરાયો હતો. કેન્યાની મહિલા દોડવીરોને સંડાવતા ડોપિંગ કેસીસમાં મહિલા મેરેથોન વર્લ્ડરેકોર્ડ હોલ્ડર રૂથ ચેપન્જેટિકને પ્રતિબંધિત ડિયુરેટિકના સેવનમાં પોઝિટિવ આવ્યા પછી 2025માં ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત જાહેર કરાઈ હતી. પૂર્વ ન્યૂ યોર્ક મેરેથોન વિજેતા આલ્બર્ટ કોરિર સામે પણ માર્ચમાં પાંચ વર્ષનો પ્રતિબંધ લદાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter