અમદાવાદઃ પાંચ વર્ષ બાદ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ યજમાનીની તક આગામી 2036માં યોજાનાર ઓલિમ્પિક માટે ટ્રાયલ રન સમાન મનાય છે. આ સ્વપ્ન સાકાર કરવાની ઇચ્છા વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ 14 ઓક્ટોબર 2023ના રોજ મુંબઈમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના 141મા સેશન વેળા વ્યક્ત કરી હતી. આ પછી તેમણે 15 ઓગસ્ટ 2024ના રોજ લાલ કિલ્લા પરના ભાષણમાં આ કહ્યું હતું.
વર્ષ 2021થી જ તૈયારી
આ સપનાને સાકાર કરવાની દિશામાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે નવેમ્બર 2021થી જ તૈયારી શરૂ કરી હતી. 2021માં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથો.એ કન્સલટન્ટ ફર્મ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ઓલિમ્પિક આયોજન માટે 22 સ્થળો તારવીને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીને લેટર ઓફ ઇન્ટેન્ટ સુપરત કરી યજમાની માટે તૈયારી દર્શાવી હતી.


