ફિટનેસ અને પરફોર્મન્સ સારું હોય તો ઉંમર ન નડેઃ શેલ્ડન

Sunday 04th April 2021 05:32 EDT
 
 

અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) આગામી નવમી એપ્રિલથી શરૂ થઇ રહી છે, અને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે. અત્યારના ક્રિકેટના યુગમાં આઇપીએલ ટીમમાં સ્થાન મેળવવું દરેક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે. ભાવનગરના બે ખેલાડીઓ ચેતન સાકરિયા અને શેલ્ડન જેક્સન ચાલુ વર્ષે આઇપીએલમાં પોતાના કાંડાનું કૌવત બતાવવા પસંદગી પામ્યા છે. આઇપીએલમાં સામાન્ય રીતે તમામ ટીમો યુવા ખેલાડીઓને પ્રાધાન્ય આપતી હોય છે, પરંતુ ભાવનગરના શેલ્ડન જેક્સને ૩૪ વર્ષની ઉંમરે પણ કોલકતા નાઇટ રાઇડર્સ ટીમમાં સ્થાન મેળવ્યું છે.
આ અંગે વિકેટકીપર - બેટ્સમેન શેલ્ડન જેક્સને જણાવ્યુ હતું કે, જો તમારી ફિટનેસ અને પરફોર્મન્સ સારું હોય તો ક્રિકેટમાં ક્યારેય ઉંમર નડતી નથી. તાજેતરમાં સચિન તેંડુલકરે પણ કહ્યું હતું કે, ક્રિકેટ અને ઉંમરને કોઇ લેવા દેવા નથી. મારું તમામ ધ્યાન ફિટનેસ અને પરફોર્મન્સ ઉપર કેન્દ્રીત છે. તેથી ડોમેસ્ટિક ક્રિકેટમાં હું સતત સારો દેખાવ કરવામાં સફળ રહ્યો છું.
ચઢાવ-ઉતારના અનેક પડાવ
રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યાના ૨ દિવસમાં શેલ્ડનને ત્યાં પુત્ર જન્મ્યો હતો, અને જાણે કે ભગવાને તેને બધી ખુશીઓ બે દિવસમાં આપી દીધી હોય તેવો અનુભવ થયો હતો. શેલ્ડને ઉમેર્યુ હતું કે, સ્કૂલ કક્ષાના ક્રિકેટથી ઇન્ડીયા-એ અને આઇપીએલ સુધીની સફર ખેડવામાં તેણે અનેક ચઢાવ-ઉતાર અનુભવ્યા છે. મગજની સમતુલા જાળવવાનું તે શીખ્યો અને આપોઆપ ખરાબ સમયમાં પણ રસ્તા નીકળવા લાગ્યા હતા. તે કહે છે કે જ્યારે તમારો સારો સમય હોય ત્યારે બધુ જ સારું થાય છે, પરંતુ ખરાબ સમયમાં તમે સારું કરો છો તે પણ ખરાબમાં પલટાય જાય છે.
ભાવનગરમાં ભારોભાર ક્રિકેટ ટેલેન્ટ
સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યું તે ટીમમાં શેલ્ડન જેક્સન, હાર્વિક દેસાઇ, ચિરાગ જાની અને ચેતન સાકરીયા એમ ૪ ખેલાડીઓ પ્લેઇંગ ૧૧માં સામેલ હતા. આવું ભાગ્યે જ બને છે. શેલ્ડનના મતે ભાવનગરમાં ભારોભાર ક્રિકેટનું ટેલેન્ટ છે. ખેલાડીઓને યોગ્ય સમયે યોગ્ય તક મળે તે જરૂરી હોય છે. ભાવનગરના ખેલાડીઓ તમામ પ્રકારના ફોર્મેટમાં શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter