દુબઇ, મુંબઇઃ એશિયા કપની રોમાંચક ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ વિકેટે કચડીને ચેમ્પિયન બનેલા ભારતને બીજા દિવસે પણ ચેમ્પિયનની ટ્રોફી ના મળતા વિવાદ થયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાન બહારનું ઘર્ષણ હવે ક્રિકેટના મેદાનમાં પણ જોવા મળ્યું છે અને ક્રિકેટના ઈતિહાસમાં ક્યારેય ના બની હોય તેવી ઘટના રવિવારે બની હતી.
ભારત વિજેતા ટ્રોફીનું હકદાર હોવા છતાં તેને ટ્રોફીથી વંચિત રખાયું તેનું કારણ યજમાન પાકિસ્તાન બોર્ડના (પીસીબી) અધ્યક્ષ મોહસિન નકવી છે, જે ટ્રોફી લઈને મેદાનની બહાર જતા રહ્યા હતા. આમ ભારત અને પાકિસ્તાનના તનાવભર્યા સંબંધોમાં ક્રિકેટમાં રાજકારણનો એક કાળો અધ્યાય ઉમેરાયો છે. હવે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ મામલે આઇસીસીમાં ધા નાખવા તૈયારી શરૂ કરી છે.
ભારતે અજેય રહીને એશિયા કપ ચેમ્પિયનનો તાજ જીત્યો હતો અને ભારતીય ટીમના સુકાની સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડીઓએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તથા પીસીબીના વડા અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. આશરે દોઢ કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને નકવી વિજેતા ટ્રોફી તેમજ મેડલ્સ લઈને મંચ પરથી રવાના થઈ ગયા હતા. ત્યારબાદ ભારતીય ટીમે આભાસી ટ્રોફી જીતી હોય તે રીતે ઉજવણી કરીને તેમનો જુસ્સો જાળવી રાખ્યો હતો.
આ વર્ષે એશિયા કપનું યજમાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હતું. નકવીએ અગાઉ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હોવાથી ભારતીય ક્રિકેટ ટીમે તેમના હાથે ટ્રોફી નહીં સ્વીકારવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. ભારતે એશિયા કપમાં પાકિસ્તાન સામે વિજયની હેટ્રિક લગાવી હતી. એશિયા કપમાં ચેમ્પિયન બનવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ માટે રૂ. 21 કરોડના રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી.
આવું તો પહેલીવાર જોયુંઃ સૂર્યકુમાર
ભારતીય ક્રિકેટરોએ સમગ્ર ટુર્નામેન્ટમાં પાકિસ્તાનના એકપણ ખેલાડી સાથે હાથ પણ મિલાવ્યા નહતા. ભારતીય ટીમના સુકાની સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, મેં જ્યારથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી ચેમ્પિયન ટીમને ટ્રોફી એનાયત ના કરાઈ હોય તેવું અગાઉ ક્યારેય જોયું નથી. સળંગ સાત મેચ જીતીને ભારત ચેમ્પિયન બન્યું હતું. આ કોઈ સરળ કામ નહતું અને ટુર્નામેન્ટ જીતવા માટે અમે ભારે કિંમત ચુકવી છે. કેપ્ટન સૂર્યકુમાર, કોચ ગૌતમ ગંભીર અને ખેલાડીઓ તથા તેમના પરિવારજનો લાંબો સમય સુધી મેદાનમાં ટ્રોફીની રાહ જોઈને ઊભા હતા. યુદ્ધમાં અને ક્રિકેટમાં મોટાભાગે દરેક અવસરે ભારત સામે પરાસ્ત થયેલું પાકિસ્તાન તેની અવળચંડાઈ મુકતું નથી અને એટલા માટે જ ભારતીય ટીમને વિજેતા ટ્રોફી માટે રાહ જોવી પડી રહી છે.
સૂર્યકુમારે મેચ ફી સેના, પહેલગામ પીડિતોને દાન કરી
ચેમ્પિયન ભારતીય ટીમના સુકાની સૂર્યકુમાર યાદવે એશિયા કપની તેની મેચ ફીના રૂ. 28 લાખ ભારતીય લશ્કર તથા પહેલગામ હુમલાના પીડિતોના પરિવારને દાન કરી હોવાનું મેચ બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. સૂર્યકુમાર યાદવે સારું પ્રદર્શન બદલ ખેલાડીઓની પ્રસંશા કરી હતી.