રેસ અક્રોસ અમેરિકાઃ વિશ્વની સૌથી કપરી સાઇક્લિંગ રેસમાં વિવેક શાહ

Saturday 18th January 2020 06:08 EST
 
 

અમદાવાદઃ વિશ્વની સૌથી કપરી સાઇક્લિંગ રેસ તરીકે જાણીતી રેસ અક્રોસ અમેરિકા (RAAM) માટે અમદાવાદના ૩૮ વર્ષના વિવેક શાહે ક્વોલિફાય કર્યું છે. આગામી જૂનમાં યોજાનારી આ અલ્ટ્રા સાઇક્લિંગ રેસ માટે સમગ્ર ભારતમાંથી માત્ર ત્રણ જ સાઇક્લિસ્ટ ક્વોલિફાય થયા છે. વિવેક શાહ આ રેસ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ગુજરાતી છે. આ પડકારજનક રેસને પૂર્ણ કરવાની સિદ્ધિ અત્યાર સુધીમાં માત્ર ત્રણ ભારતીયો મેળવી શક્યા છે અને હવે વિવેક શાહ રેસ પૂરી કરનારા ગુજરાતના પ્રથમ અને ભારતના ચોથા રેસર બનવાનું સ્વપ્ન સેવે છે.

૧૯૮૨થી યોજાતી આ ૪૮૦૦ કિલોમીટરની રેસ ૧૨ દિવસના ગાળામાં પૂરી કરવાની હોય છે અને દર વર્ષે ૩૫ કરતાં વધારે દેશના અનેક સ્પર્ધકો ભાગ લે છે. જોકે જૂજ સાઇકલિસ્ટ જ ફાઇનલ રેસ માટે ક્વલિફાય કરી શકે છે. શાહે તાજેતરમાં ગોવામાં યોજાયેલી રેમ ક્વોલિફાઇંગ રેસમાં ૬૦૦ કિલોમીટરનું અંતર ૩૦ના બદલે ૨૯ કલાકમાં પૂરું કરીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું.
વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવેક શાહે કહ્યું કે છેલ્લા ૩૭ વર્ષથી યોજાતી આ રેસમાં ચાલુ વર્ષે ભારતમાંથી માત્ર ત્રણ જ સાઈક્લિસ્ટ ક્વોલિફાય થયા છે. જેમાં બેંગ્લોરના ભરત પન્નુ અને મુંબઈના કબીર રાયચૂરેનો સમાવેશ થાય છે.

૧૨ રાજ્યો, જંગલ - પર્વતમાળા

સ્પર્ધકની શારીરિક-માનસિક ક્ષમતાની આકરી કસોટી કરતી રેસ એક્રોસ અમેરિકાના પડકાર વિશે વિવેક શાહ કહે છે કહ્યું કે ૧૯૮૨માં શરૂ થયેલી આ રેસ અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠેથી શરૂ થઈને ઉત્તર-પૂર્વક કાંઠે પૂરી થાય છે. રેસનો માર્ગ ૧૨ રાજ્યોમાંથી પસાર થાય છે. સાઈક્લિસ્ટો સિએરા, રોકી અને આલાપચીયન પર્વતમાળાની કુલ ૧,૭૨,૦૦૦ ફીટ ઉંચાઈને આંબી અમેરિકાની કોલોરાડો, મિસિસિપી, મિસુરી અને ઓહાયો નદી પરથી તથા રણમાંથી પસાર થાય છે. તેમાં ૩૦૦૦ માઈલ એટલે ૪૮૦૦ કિ.મીનું અંતર ૧૨ દિવસમાં પૂરું કરવાનું હોય છે. જેથી સરેરાશ ૨૪ કલાકમાં ૪૦૦ કિ.મી.નું અંતર કાપવાનું થાય. જેમાં આરામ, ખોરાક, સાઇકલિંગ સહિત તમામ બાબતો સાઇકલિસ્ટે ધ્યાનમાં રાખવાની હોય છે.

૨૦૧૮થી તૈયારી શરૂ કરી

રેસ અક્રોસ અમેરિકા માટે ક્વોલિફાય થવા માટે વિવેક શાહે ઓક્ટોબર ૨૦૧૮માં ૫૬ કલાકનું સાઇકલિંગ કરીને એક હજાર કિલોમીટરની રેસ પૂરી કરી હતી. નવેમ્બરમાં તેમણે ૧૦૪ કલાકમાં ૧૦૦૦ માઇલ (૧૬૧૦ કિમી)ની રેસ પૂરી કર્યા બાદ ફ્રાન્સ ખાતે યોજાયેલી પીબીપી (૯૦ કલાકમાં ૧૨૩૦ કિમી) સ્પર્ધા પૂરી કરનાર પ્રથમ ગુજરાતી સાઇક્લિસ્ટ બનવાની સિદ્ધિ મેળવી હતી. તાજેતરમાં તેમણે અમદાવાદથી અટારી (પંજાબ) સરહદ સુધીના ૨૪૨૦ કિલોમીટરનું અંદર ૧૨૯ કલાક અને ૨૧ મિનિટમાં પૂરું કરીને રેસ અક્રોસ અમેરિકાનો રેસ માટેની તૈયારીઓ પૂરી કરી હતી.

સહાયક સ્ટાફની મહત્ત્વની ભૂમિકા

વિવેક શાહે જણાવ્યું હતું કે અત્યંત કપરી રેસમાં સાઇક્લિસ્ટની હેલ્થ તથા માનસિક સ્થિતિ મજબૂત રાખવામાં ફિઝિયો સહિત નવ વ્યક્તિના સહાયક સ્ટાફની પણ ભૂમિકા મહત્ત્વની હોય છે. વિવિધ રાજ્યોમાંથી પસાર થવાનું હોવાથી ટાઈમઝોન પણ સતત બદલાતો રહે છે જેની ઉપર તેઓ સતત નજર રાખીને આરામથી માંડીને ડાયેટનો ચાર્ટ તેઓ તૈયાર કરે છે. ખાસ કરીને ચઢાણવાળા વિસ્તારોમાં ફિઝિયો અને ટીમના અન્ય સભ્યોનું કામ વધી જતું હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter