લંડનઃ પ્રતિષ્ઠિત લોર્ડ્સ સ્ટેડિયમમાં ટેસ્ટ સદી ફટકારનારી પ્રથમ મહિલા ક્રિકેટરનું બહુમાન મેળવનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાનું માનવું છે કે તેનું ‘સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આવવાનું હજુ બાકી છે’.
વડોદરાની યાસ્તિકાએ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં 158 બોલમાં 113 રન બનાવ્યા હતા. ભાટિયાએ ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ પત્રકારોને કહ્યું, ‘આ સિદ્ધિ અવિશ્વસનીય છે કારણ કે છ મહિના પહેલા હું સંપૂર્ણપણે વિપરીત પરિસ્થિતિમાં હતી અને જો ત્યારે કોઈએ કહ્યું હોત કે મારું નામ લોર્ડ્સના ઓનર બોર્ડમાં હશે તો હું આના પર વિશ્વાસ ન કરી શકી હોત.’
તેણે કહ્યું, ‘હજુ તો આનાથી બહેતર પ્રદર્શન કરવાનું બાકી છે. હું શરૂઆતથી જ એવું માનતી આવી છું કે હું પહેલા કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકું છું. પરંતુ અત્યાર સુધીનો સમય ખરેખર ઘણો સારો રહ્યો છે. આ તો બસ શરૂઆત છે. હજુ ઘણું બધું આવવાનું બાકી છે અને હું તેની આતુરતાથી રાહ જોઈ રહી છું.’
યાસ્તિકા ભાટિયાએ માત્ર આઠ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તેના પપ્પાએ ક્રિકેટ એકેડેમીમાં એડ્મિશન અપાવીને દરેક તબક્કે તેને સપોર્ટ કર્યો હતો. તેણે ક્રિકેટના શરૂઆતના દિવસોથી જ સ્કૂલના અભ્યાસમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી ધરાવે છે. વડોદરામાં જન્મેલી 25 વર્ષની ડાબોડી બેટર-વિકેટકીપર યાસ્તિકાએ 2021માં ડેબ્યુ કર્યા બાદ 26 ટી20 મેચ, 28 વન-ડે મેચ, ત્રણ ટેસ્ટ-મેચ રમ્યા બાદ છેક પોતાની 58મી મેચમાં પહેલી ઇન્ટરનેશનલ સદી નોંધાવવામાં સફળ રહી હતી. લોર્ડ્સમાં ફટકારેલા 113 રન તેના માટે સ્પેશ્યલ હતા, કારણ કે T20 વર્લ્ડ કપ 2026માં નબળા પ્રદર્શન બદલ તેને આગામી એશિયન ગેમ્સની સ્ક્વોડમાંથી બહાર કરવામાં આવી હતી.
તેણે પોતાની આ સફળતાનો શ્રેય પોતાના પરિવાર, ટીમના સાથીઓ અને સહયોગી સ્ટાફના સભ્યોને આપ્યો હતો. જેમણે ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમના ડાબા ઘૂંટણમાં લાગેલી ગંભીર ઈજામાંથી બહાર આવવામાં તેની મદદ કરી હતી. આ ઈજા માટે તેમણે સર્જરી કરાવવી પડી હતી અને તે ભારતમાં જ રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં રમી શકી નહોતી, જેમાં ભારત વિજેતા બન્યું હતું.
યાસ્તિકાએ કહ્યું, ‘પડદા પાછળ ઘણા લોકો કામ કરી રહ્યા છે, મારો પરિવાર, મારા પિતા, માતા, મારી બહેન, તેઓ મારા માટે સૌથી મોટો સહારો રહ્યા છે. મારા કોચ, અહીં ટીમના સહયોગી સ્ટાફના સભ્યો અને ટીમના મારા સાથીઓ, બધાએ મારો સાથ આપ્યો.’
તેણે કહ્યું, ‘આ સિવાય સીઓઇ (બીસીસીઆઇનું સેન્ટર ઓફ એક્સેલન્સ) પણ, જ્યાં મેં ઈજામાંથી બહાર આવવાની પ્રક્રિયા દરમિયાન ઘણો સમય વિતાવ્યો. આ બધાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમના વિના આ શક્ય ન બન્યું હોત.’
ભાટિયાએ કહ્યું કે જ્યારે તે ઈજાના કારણે બહાર હતી ત્યારે રમત પ્રત્યેના તેમના જુસ્સાએ તેમને સકારાત્મક માનસિકતા જાળવી રાખવામાં મદદ કરી. તેમણે કહ્યું, ‘સર્જરી પછી મારે બિલકુલ નવેસરથી શરૂઆત કરવી પડી હતી. બે મહિના સુધી મારે સંપૂર્ણપણે આરામ કરવો પડ્યો હતો. પરંતુ મને જાત પર ભરોસો હતો કે હું આ ઈજામાંથી બહાર આવીને વાપસી કરી શકું છું. ભલે ગમેતેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ રમત પ્રત્યેનો પ્રેમ અને પોતાની જાત પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે.’
ભાટિયાએ પોતાની સદી વિશે કહ્યું, ‘મેં સદી બનાવવા વિશે નહોતું વિચાર્યું, પરંતુ સારી ગતિએ મોટો સ્કોર બનાવવા પર ધ્યાન આપ્યું જેથી આપણને તેમની 10 વિકેટ લેવા માટે પૂરતો સમય મળી શકે. આ જ મારા મગજમાં હતું. દેશ માટે રમવું એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.’


