વૈભવ સૂર્યવંશીના માઇન્ડ સેટ મેનેજમેન્ટ વિશે આઇઆઇએમ અભ્યાસ કરશે

Saturday 06th June 2026 14:26 EDT
 
 

અમદાવાદઃ માત્ર 15 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની સફળતા પર આઈઆઈએમ ઈન્દોર એક ખાસ કેસ સ્ટડી તૈયાર કરવાનું છે. પોતાની તોફાની બેટિંગથી દિગ્ગજ બોલરોની ઊંઘ ઉડાવનાર આ યુવા ખેલાડીના મોડલને હવે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં ભણશે અને સમજશે. આ સંસ્થા ‘વૈભવ મોડલ’ પર દેશની પ્રથમ મલ્ટી-ડિસિપ્લિનરી સ્ટડી શરૂ કરવા જઈ રહી છે. જેમાં રમતગમત, મનોવિજ્ઞાન અને મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાતો સાથે મળીને સંશોધન કરશે. આ અભ્યાસનો મુખ્ય હેતુ એ શોધવાનો છે કે આટલી નાની ઉંમરે દબાણને મેનેજ કરીને મોટી સફળતા મેળવવાનો ચોક્કસ ફોર્મ્યુલા શું છે.
રાજસ્થાન રોયલ્સનો ઓપનર વૈભવ એક સીઝનમાં સૌથી વધુ (72) સિક્સર ફટકારી ક્રિસ ગેલનો (59 સિક્સર) 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ચૂક્યો છે. તેની બેટિંગની આખી દુનિયા દિવાની છે. આવી સ્થિતિમાં આઈઆઈએમ ઈન્દોર હવે તેના ‘સક્સેસ ફોર્મ્યુલા’ને ડિકોડ કરવાનું કામ શરૂ કરી રહ્યું છે. ડાયરેક્ટર હિમાંશુ રાયે જણાવ્યું હતું કે આ અભ્યાસ વૈભવની સિદ્ધિઓનું વિશ્લેષણ કરવાની સાથે સાથે તે સામાજિક, મનોવૈજ્ઞાનિક, પારિવારિક અને સંસ્થાગત પરિબળોને પણ સમજશે જે નાની ઉમરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી પ્રતિભા ઘડે છે. આઈઆઈએમનું માનવું છે કે વૈભવની ક્રિકેટ સફર અદ્ભુત છે. તેની પાછળ વ્યક્તિગત ક્ષમતા ઉપરાંત સખત મહેનત, પરિવારનો ત્યાગ, સમર્પણ અને મેન્ટરનું યોગદાન પણ મહત્વનું છે. પ્રો. રાયે ઉમેર્યું કે, પ્રતિભા એક ભેટ હોઈ શકે છે, પરંતુ તેને કાયમી ઉત્કૃષ્ટતામાં બદલવા સપોર્ટ સિસ્ટમ - દૂરદર્શી નેતૃત્વ જરૂરી છે.
આ અભ્યાસમાં ‘ડાર્ક સાઈડ' પર પણ ફોકસ કરાશે. ઘણી વખત નાની ઉમરે મળતી પ્રસિદ્ધિ, કરોડોની ઓફર અને સોશિયલ મીડિયાનું દબાણ ટેલેન્ટને ભટકાવી દે છે. ડો. રાય કહે છે કે અમારો પ્રયાસ એક એવી સહયોગી સિસ્ટમની બ્લુપ્રિન્ટ બનાવવાનો છે, જે પ્રતિભાને માત્ર તાજેતરની સિદ્ધિઓ સુધી સીમિત ન રાખે. તેનાથી કોર્પોરેટ જગતને પણ ‘ટેલેન્ટ મેનેજમેન્ટ'નું એક નવું મોડલ મળશે. આ ઉમરે વૈભવ જે આત્મવિશ્વાસ, કૌશલ્ય અને પરિપક્વતા સાથે રમી રહ્યા છે. તે અસાધારણ પ્રતિભા જ કરી શકે. આવી સ્થિતિમાં એ સમજવું જરૂરી છે કે આવા ટેલેન્ટને લાંબા સમય સુધી કેવી રીતે સાચવવું અને તે અન્ય લોકોને કેવી રીતે પ્રેરિત કરી શકે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter