સચિન તેંડુલકરે ઈસ્ટ લંડનમાં ભારતીય જહાજ INS તરકશની મુલાકાત લીધી

યુકેમાં ૨૬ મેએ રજૂ થનારી સચિન તેંડૂલકર પરની ફિલ્મ ‘Sachin: A Billion Dreams’

રુપાંજના દત્તા Monday 15th May 2017 06:59 EDT
 
(તસવીર સૌજન્યઃ રાજ. ડી. બકરાણીઆ, PrMediapix)
 

લંડનઃ ક્રિકેટના ભગવાન ગણાયેલા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે તેની ફિલ્મ ‘Sachin: A Billion Dreams’ રીલીઝ થાય તે અગાઉ લંડનની મુલાકાત લીધી હતી. આ ફિલ્મમાં ક્રિકેટની રમતના દંતકથારુપ તેંડુલકરની બાળપણથી જગમશહૂર સ્પોર્ટ્સમેન સુધીની યાત્રાને વણી લેવામાં આવી છે. આ ફિલ્મ યુકેમાં ૨૬ મે, ૨૦૧૭ના દિવસે રજૂ થનાર છે. તેંડૂલકરે તેની પત્ની અંજલિ સાથે ઈસ્ટ લંડનમાં લાંગરેલા ભારતીય જહાજ INS તરકશની મુલાકાત લીધી હતી. યુકેમાં રહેતા આશરે ૧,૦૦૦ લોકોએ પણ ૭ મે, રવિવારે ભારતીય જહાજની મુલાકાત હતી.

એવોર્ડવિજેતા ફિલ્મમેકર જેમ્સ અર્સ્કીન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ખુદ સચિને અભિનય આપ્યો છે. માસ્ટર બ્લાસ્ટરના જીવનમાં ડોકિયું કરતી આ ફિલ્મમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજો એમ.એસ. ધોની અને વિરેન્દ્ર સહેવાગનું પણ ચિત્રણ કરાયું છે. આ ફિલ્મ વિશે બેલતા સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે,‘આ ફિલ્મના નિર્માણ દરમિયાન મને જીવનની કેટલીક અદ્ભૂત પળો ફરીથી જીવવાનો લહાવો મળ્યો છે. મારું વ્યક્તિત્વ બોલકું નથી પરંતુ, મને લાગ્યું કે મારા જીવન અને કારકિર્દીને આગળ વધારવામાં મારા ચાહકો સહિત જેઓ નિમિત્ત બન્યાં છે તેમના વિશે હું ખાસ બોલ્યો જ નથી. મને આશા છે કે મારા ચાહકો અમે સાથે રહીને જે ૨૪થી વધુ વર્ષો વીતાવ્યા છે, જેમણે મારા પર પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા છે તેમના માટે આ ફિલ્મ માણવાલાયક બની રહેશે.’

સચિન તેંડુલકરે ૬ મે, શનિવારે ભારતીય કોમ્યુનિટીના અગ્રણીઓ તેમજ ક્રિકેટચાહકો સાથે સાઉથ લંડનમાં સર કાઉન્ટી ક્રિકેટ ક્લબ ખાતે મુલાકાત કરી હતી. સચિન અને તેની પત્ની ડો. અંજલિ તેંડુલકરે રવિવાર ૭ મેએ લંડનના કેનારી વ્હાર્ફ ખાતે ત્રણ દિવસથી લાંગરેલા અત્યાધુનિક ભારતીય જહાજ INS તરકશની મુલાકાત લીધી હતી. અહીં તેઓ જહાજના કેપ્ટન ઋતુરાજ સાહુ, ભારતના યુકેસ્થિત કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકને પણ મળ્યાં હતાં. નૌકા કવાયતો અને યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર ૨૦૧૭ નિમિત્તે આ જહાજ યુકેમાં આવ્યું છે. યુકેના વિવિધ વિસ્તારોમાંથી જહાજની મુલાકાતે આવેલા હજારો લોકોએ સચિનને જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો.

કાર્યકારી હાઈ કમિશનર દિનેશ પટનાયકે જણાવ્યું હતું કે,‘આ ઐતિહાસિક પળ છે. સૌપ્રથમ વખત ભારતીય સ્ટીલ્ધ ફ્રિગેટ લંડનમાં કેનારી વ્હાર્ફ ખાતે લાંગરી છે. યુકેમાં રહેતા ભારતીયો આ ઐતિહાસિક પળનો હિસ્સો બની રહે તેમ અમે ઈચ્છીએ છીએ.’ INS તરકશના કેપ્ટને પાંચ એપ્રિલે મુંબઈ પોર્ટ છોડ્યા પછી જહાજની યાત્રાનું વર્ણન કર્યું હતું. સૌપ્રથમ ગ્રીસના ક્રીટ ખાતે લાંબુ રોકાણ કરી જહાજ પહેલી વખત જ રવિવારે યુકે આવ્યું હતું. ભારતીય નેવીના સૌથી શક્તિશાળી પ્લેટફોર્મમાં સ્થાન ધરાવતા INS તરકશમાં ૩૨૦ કર્મચારી કાર્યરત છે અને અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સરથી સજ્જ ભારતીય જહાજને નિહાળવા લોકો ઉમટ્યાં હતાં.

(તસવીર સૌજન્યઃ રાજ. ડી. બકરાણીઆ, PrMediapix)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter