સુવર્ણચંદ્રક વિજેતા સરિતા ગાયકવાડને રાજ્ય દ્વારા રૂ. એક કરોડનું ઇનામ

Wednesday 05th September 2018 07:50 EDT
 
 

ગાંધીનગરઃ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ડાંગની કુમારી સરિતા ગાયકવાડને ગુજરાત સરકાર દ્વારા રૂ. ૧ કરોડનું રોકડ ઇનામ જાહેર કરાયું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૩૧મી ઓગસ્ટે આ જાહેરાત કરી હતી. સરિતા ઉપરાંત જાકાર્તા સ્થિત એશિયન ગેમ્સના ભારતને સિંગલ્સ ઇવેન્ટમાં બ્રોન્ડ મેડલ અપાવનાર કુમારી અંકિતા રૈનાને રૂ. ૫૦ લાખ અને ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ વિજેતા હરમીત દેસાઈ અને માનવ ઠક્કર માટે પણ રૂ. ૩૦ લાખ ઇનામની જાહેરાત મુખ્ય પ્રધાને કરી કરી હતી. મુખ્ય પ્રધાને આ ઉપરાંત કહ્યું હતું કે, સરિતા ગ્રેજ્યુએશનના બીજા વર્ષમાં છે ગ્રેજયુએટ થશે પછી સરકાર તેને સીધી જ કલાસ-૧ની જોબ આપશે.

માતા પિતાનું સન્માન

રાજ્યમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં ચાર-ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારી સરિતા એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની છે. તેથી ધારાસભ્ય મંગલ ગાવિતે સરિતાના પિતાનું શાલ અને ઓઢાડીને અને માતાને સાડી આપીને સન્માન કર્યું હતું અને શુભેચ્છા
પાઠવી હતી. પછાત અને આદિવાસી વસતી ધરાવતા ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામ કરડીઆંબામાં સરિતાનું કાચું પાકું માટીનું ઘર છે. સરકારે આ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં હજી સુવિધાઓ પણ વિકસાવી નથી, પણ અહીંની દીકરીએ વિદેશ પહોંચીને પોતાની માતૃભૂમિનું નામ રોશન કર્યું છે. સરિતાની જીત પછી અહીનાં આદિવાસીઓએ અનેરો ઉત્સવ ઉજવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter