દુબઇ, મુંબઇઃ ટીમ ઇંડિયાએ રવિવારે કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને પછડાટ આપીને એશિયા કપ ટ્રોફી જીતી લીધી છે. ભારતે નવમી વખત એશિયા કપ ટાઇટલ જીત્યું છે, પરંતુ આ વખતની જીત હિંમત, આમવિશ્વાસ, દેશદાઝ તથા રાષ્ટ્રધ્વજ પ્રત્યેના સમર્પણનું પ્રતિક બની રહી છે. ભારતની આ સફળતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને આમ ભારતીયે ઉલ્લાસભેર વધાવી છે. શબ્દો જુદા હશે, પણ સૂર તો એક છેઃ ભારત માતા કી જય... વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું હતુંઃ ઓપરેશન સિંદૂર રમતના મેદાન પર પણ બરકરાર છે. પરિણામ સરખું જ છે, ભારતનો વિજય. રવિવારે રમાયેલી મેચ ભારતીય ટીમે પાંચ વિકેટે જીતી લીધી છે, પરંતુ ટૂર્નામેન્ટના ચેમ્પિયન્સને અપાતી ટ્રોફીથી તે આજે પણ વંચિત છે! જોકે આમ છતાં ભારતીય ખેલાડીઓના ઉમંગ-ઉલ્લાસમાં કોઇ ફેર પડ્યો નહોતો. તેમણે ‘ખાલી હાથે’ પણ દિલમાં ઉત્સાહ સાથે (જૂઓ તસવીર) જીતનો જશ્ન મનાવ્યો હતો. (વિશેષ અહેવાલ - પાન 7)