પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે શ્રીકૃષ્ણ, સર્વવ્યાપી છે શ્રીકૃષ્ણ, જનજનના હૃદયમાં પણ છે ને બહાર પ્રકૃતિમાં પણ છે

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 10th August 2020 07:26 EDT
 
 

પ્રેમ - મૈત્રી - પ્રસન્નતા - વિશ્વાસ - સત - ચિત - આનંદ છે ને બદ્ધું જ એની માનવલીલામાં છે. હા, વાત થઈ રહી છે જગતગુરૂ શ્રીકૃષ્ણની, જેમણે કહ્યું છે, મામેકં શરણં વ્રજ... એની વાંસળીના સૂરથી જાણે પ્રેમના સૂર વહે છે. શ્રાવણ આવે ને ચિત્તમાં વિશેષરૂપે છવાતા જાય શ્રીકૃષ્ણ. એના પ્રાગટ્ય ઉત્સવની તૈયારીઓનો આરંભ થાય.
કવિ જયદેવ દવેએ લખ્યું છે
શ્રાવણ આયો, શ્રાવણ આયો,
શ્રાવણ આયો રે...
ગોકુળ આઠમનો મેળો લાયો,
કૃષ્ણજન્મનો મહિમા લાયો,
ફુગ્ગા ને ફરફરિયા લાયો
શ્રાવણ આયો રે...
શ્રીકૃષ્ણના પ્રાગટ્યની પળે પ્રકૃતિ પ્રસન્ન થઈ છે. સર્વત્ર આનંદ છવાયો છે. શ્રી વિષ્ણુના દસ અવતારમાંથી આઠમા અવતાર શ્રીકૃષ્ણ છે. સંસ્કૃતમાં લખાયું છેઃ
કૃષ્ણ તવાસ્મિ, કૃષ્ણ તવાસ્મિ,
કૃષ્ણ તવાસ્મિ...
હે કૃષ્ણ હું આપનો છું, હું આપનો છું, હે કૃષ્ણ હું આપનો છું અને આ આ ભરોસો - આ સમર્પણ ચિત્તમાં રહે છે, અખંડ રહે છે એના મૂળમાં પણ શ્રીકૃષ્ણે કહેલા શબ્દો છે.
નાહં વસામિ વૈકુંઠે,
યોગિનાં હૃદયે નમ,
મદભક્તા યત્ર ગાયન્તિ,
તત્ર તિષ્ઠામી નારદ...
શ્રીકૃષ્ણના અવતારના મુખ્ય કારણો કયા હોઈ શકે? શાસ્ત્રોમાંથી જ જવાબ મળે છેઃ ધર્મસ્ય ગ્લાનિ એટલે કે ધર્મનો હાસ રોકવા, અધર્મસ્ય અભ્યુત્થાનમ્ એટલે કે અધર્મની પ્રધાનતાને દૂર કરવા, સાધુનાં પરિત્રાણાયાં એટલે કે ભક્તોના ઉદ્ધાર માટે, દુષ્કૃતાં વિનાશાય એટલે કે દુષ્ટોના સંહાર માટે અને ધર્મસંસ્થાપનાર્થાય એટલે કે ધર્મની પુનઃ સ્થાપના માટે તેમનો અવતાર છે.
આ શ્લોકને આત્મસાત કરીએ ત્યારે સમજાય છે કે આપણે ધર્મક્ષેત્રે આળસ ત્યજવાની છે, સત્કાર્યોમાં મનને વાળવાનું છે, સજ્જનોનું રક્ષણ અને સદગુણોનું સંવર્ધન કરવાનું છે. આપણી અંદર-બહાર રહેલી દુષ્ટતાનો નાશ કરવાનો છે, ધર્મને સાચા અર્થમાં જીવવાનો છે, તો આપણા જીવનમાં કૃષ્ણત્વ થોડું-ઘણું પણ પ્રગટે. થોડા અંશે પણ આપણે કૃષ્ણમય બનીએ ત્યારે કૃષ્ણતત્વ આપણી અંદર કોઈને કોઈ ગુણરૂપે પ્રગટે છે.
શ્રીમદ્ ભાગવત ગ્રંથમાં શ્રીકૃષ્ણ ચરિત્ર અદભૂત રીતે વ્યક્ત થયું છે. એને ઘણી વાર વાંચ્યું છે, સાંભળ્યું છે, સમજાયું છે કે વસુદેવજી કૃષ્ણને મસ્તક ઉપર પધરાવે ત્યારે બેડીઓ તૂટે છે, યોગમાયાને લઈને પરત આવે છે ત્યારે ફરી બંધન આવે છે. અર્થાત્ બ્રહ્મસંબંધ થોડી વાર માટે આપણા જીવનમાં સાચવીએ એમ નહીં, સતત કૃષ્ણનું સ્મરણ હોવું જોઈએ.
શ્રીમદ્ ભાગવતમાં લખાયું છે,
તાપત્રય વિનાશાય,
શ્રીકૃષ્ણાય વયં નુમઃ
આધ્યાત્મિક - આધિદૈવિક અને આધિભૌતિક એમ ત્રણે પ્રકારના તાપોનો નાશ કરનાર ભગવાન કૃષ્ણ છે.
મહાભારતના મેદાન પર શ્રીકૃષ્ણે અર્જુનને સંબોધીને કહેલી ભગવદ્ ગીતા એ પરમ વાણી છે. અર્જુનને નીમિત્ત બનાવીને ભગવાન શ્રીકૃષ્ણે મારા-તમારા જીવનના દરેક કાલખંડના પ્રશ્નોનો જાણે ઉત્તર આપ્યો છે. શ્રીકૃષ્ણનું દિવ્ય સ્વરૂપ છે ભગવદ્ ગીતા. જેમ જેમ એનું વાંચન - શ્રવણ - મનન થતું જાય એમ એમ એક જ શ્લોકના કેટકેટલા અર્થો ખુલતા જાય છે. આ ગ્રંથ કેવળ હિંદુ ધર્મનું પુસ્તક નથી પરંતુ સાચા અર્થમાં જીવનશૈલી સમજાવતું પુસ્તક છે. એ વાતની પ્રતીતિ એના મોટા ભાગના વાચકોને થતી રહી છે. સર્વોત્તમ અને પરમ કલ્યાણકારી પુસ્તક ભગવદ્ ગીતા છે.
ભક્તિમાર્ગમાં ધનનો કે તનનો નહીં, મનનો મહિમા છે. એથી તો અંબરિષ રાજા કહે છેઃ તસ્માત કરુણ્ય ભાવેન રક્ષ રક્ષ પરમેશ્વર. મારું મન શ્રીકૃષ્ણના ચરણયુગલોમાં સદા રહો.
પ્રત્યેક વ્યક્તિને કૃષ્ણની ખોજ છે. કેટલાકને મળે છે, કેટલાને મળે છે તો અનુભવ નથી થતો... કૃષ્ણ ભાવનામૃતના માર્ગ પર એક ડગલું ચાલીએ તો પણ સંકટોમાંથી ઊગરી શકાય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે શ્રીકૃષ્ણ, સર્વવ્યાપી છે શ્રીકૃષ્ણ, જનજનના હૃદયમાં પણ છે ને બહાર પ્રકૃતિમાં પણ છે.
શ્રીકૃષ્ણના ચરણે આ પળે એક જ પ્રાર્થના હોઈ શકેઃ
શ્રીકૃષ્ણ શરણં મમ્, દાસોહં કૃષ્ણ તવાસ્મિ,
બુદ્ધિપ્રેરક શ્રીકૃષ્ણસ્ય, પાદ પદમ પ્રસીદતુ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter