ક્યારેક આપણે સ્વયંથી, પોતાના મિત્રોથી, સંબંધીઓથી કે સહકર્મચારીઓથી વધુ પડતી અપેક્ષા રાખી લઈએ છીએ. આ અપેક્ષા કામ માટે, લાગણી માટે, મદદ માટે કે બીજી કોઈ પ્રકારે હોઈ શકે. પરંતુ દરેક વખતે એ શક્ય બનતું નથી કે આપણી બધી અપેક્ષા પુરી થાય. અપેક્ષા પુરી ન થાય ત્યારે નિશ્ચિત રીતે જ આપણે દુઃખી થઇએ છીએ. અને આ દુઃખ ક્યારેક આપણા સંબંધ બગાડે છે, અથવા તો દુનિયાને જોવાની આપણી દૃષ્ટિ બદલે છે.
અપેક્ષા રાખવામાં કંઈ ખોટું નથી. અને મહદંશે જો આપણી અપેક્ષા યથાર્થ અને વ્યાજબી હોય તો તે પુરી પણ થવી જોઈએ. અપેક્ષા પુરી ન થવા માટે કેટલાય કારણ જવાબદાર હોઈ શકે. શક્ય છે કે આપણી અપેક્ષા એટલી વધારે હોય છે કે સામેવાળી વ્યક્તિ તે પુરી કરવા સમર્થ ન હોય. અથવા તો તેનો ઈરાદો ન હોય આપણી અપેક્ષા પુરી કરવાનો. અથવા સમય અને સંજોગો એવા સર્જાયા હોય કે ઇચ્છવા છતાંય તે આપણી અપેક્ષામાં ખરા ન ઉતરી શકે. આ બધા પરિબળોને ધ્યાનમાં લઈને જ આપણે કોઈ નિર્ણય પર આવવું જોઈએ કે આપણી અપેક્ષા યોગ્ય હતી, યોગ્ય સમયે હતી, અને સામેવાળી વ્યક્તિની ક્ષમતા અનુસાર હતી?
ધારો કે તમે માછલી પાસે અપેક્ષા રાખો કે તે સસલા સાથે રેસ લગાવે તો તે યથાર્થ તો નથી જ ને? એક ક્લાર્ક પાસેથી મેનેજર જેવા કામની અપેક્ષા રાખવી યોગ્ય છે? દરેક વ્યક્તિની પોતાની ક્ષમતા, મર્યાદા, સંજોગો અને ઈચ્છા અનુસાર જ બીજાની અપેક્ષા પૂર્ણ કરવાની કોશિશ કરે છે. એટલા માટે કોઈ જો તમારી અપેક્ષામાં ખરું ન ઉતરે તો નિરાશ થવાની જરૂર નથી.
આવા સમયે ઘણા લોકો ગુસ્સો કરે છે કે મેં તેના માટે કેટલું કરેલું પરંતુ મને જયારે જરૂર પડી ત્યારે મારા માટે તે વ્યક્તિએ કંઈ ન કર્યું. કોઈ વ્યક્તિ નિરાશ થઇ જાય છે કે કોઈ મારા માટે વિચારતું જ નથી. મને કોઈ ચાહતું નથી. કોઈ મારું ભલું ઇચ્છતું નથી. એવું વિચારીને નિરાશ થવું પણ યોગ્ય નથી. ગુસ્સો, નિરાશા, હતાશા છોડીને આપણે વિચારવું જોઈએ કે શા માટે આપણી ઈચ્છા પુરી ન થઇ. શું આપણે કોઈ અયોગ્ય વ્યક્તિ પાસે આશા રાખી લીધેલી? કે પછી તેમના સંજોગો જ એવા હતા કે તે આપણને મદદ ન કરી શકે, આપણી અપેક્ષા પુરી ન કરી શકે? એક ક્ષણ માટે કોઈ નિર્ણય પર આવ્યા વિના જો આ રીતે વિચાર કરવામાં આવે તો કદાચ આપણે અપેક્ષા નિષ્ફળ જવાનું દુઃખ ન થાય. અને બીજી વખત આપણે વ્યાજબી અપેક્ષા રાખતા શીખીએ.
એ વાત પણ યાદ રાખવી જોઈએ કે આપણી જરૂરિયાત કે આપણી ઈચ્છા પુરી કરવા કોઈ બંધાયેલું નથી. એટલા માટે આપણે જે ઇચ્છીએ તે બધું જ તો કોઈની પાસેથી ન મેળવી શકાય. તમારા ભાઈ તમને કોલેજ દરમિયાન ખર્ચમાં મદદ કરતા હોય તો તેની પાસેથી નવી મોંઘી મોટરગાડીની અપેક્ષા રાખવી કે કેમ તે તમારા અને ભાઈના સંજોગો અને સંબંધો પર આધાર રાખે છે. કદાચ તમારા ભાઈ તમને ભણવામાં મદદ કરવાને પોતાની ફરજ માનતા હોય પરંતુ તમારા શોખ પુરા કરવા માટે તે તૈયાર ન પણ હોય. આવા સમયે શું તેમની બીજી મદદ બિનઉપયોગી થઇ જાય છે?
ભગવાન બુદ્ધ તો કહે છે કે ઈચ્છા જ દુઃખનું મૂળ છે - અને કોઈની પાસેથી રાખેલી અપેક્ષા પણ એક પ્રકારે તો ઈચ્છા જ કહેવાય. પરંતુ સામાજિક અને પારિવારિક જીવનમાં એકબીજા પાસેથી થોડી ઘણી અપેક્ષા તો રહેવાની અને તેને કારણે ક્યારેક થોડી નિરાશા પણ સાંપડે. એ આપણા પર આધાર રાખે છે કે આપણી અપેક્ષા કેટલા અંશે પુરી થઇ શકે તેમ છે અને જો તે પુરી થાય તો કેવી પ્રતિક્રિયા અપાવી જોઈએ અને ન થાય તો કેવી રીતે પરિસ્થિતિને સંભાળવી જોઈએ.
આ આવડત કેળવી લેનાર વ્યક્તિને ક્યારેક અપેક્ષાને કારણે દુઃખ થતું નથી અને તે હંમેશા અપેક્ષા તથા સામેવાળી વ્યક્તિની ક્ષમતા વચ્ચે સંતુલન બનાવીને ચાલે છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)