જેમ જેમ આપણે પરિપકવ બનતા જઈએ, ઉંમર અને અનુભવો વધતા જાય તેમ તેમ આપણા માટે બાહ્ય જીવન કરતાં આંતરિક જીવનનું મહત્ત્વ વધવા લાગે છે. બાળપણમાં આપણને આંતરદૃષ્ટિ કરવાની સૂઝ હોતી નથી. આપણા માટે બહાર બની રહેલી ઘટનાઓ જ સર્વસ્વ હોય છે. આપણે વિચાર કરી શકતા નથી. વિશ્લેષણ કરી શકતાં નથી, પરંતુ જેમ જેમ મોટા થતાં જઈએ તેમ તેમ આ ક્ષમતા વિકસતી જાય છે.
કિશોરાવસ્થામાં અને યુવાનીમાં પણ આપણી વૈચારિક શક્તિ ખીલી હોવા છતાંય તેનો ઉપયોગ આપણે નહિવત જ કરીએ છીએ. માત્ર કોઈ પરિસ્થિતિ અંગે કે પોતાની અંગત બાબતો અંગે નિર્ણય કરવા સિવાય આપણે ભાગ્યે જ વૈચારિક શક્તિ વાપરીએ છીએ. પરંતુ જયારે આપણે વધારે પ્રૌઢ થઈએ, પરિવાર વિકસાવીએ, સમાજમાં સંસર્ગ વધારીએ ત્યારે આપણા માટે દરેક બાબતનું વિશ્લેષણ કરવું આવશ્યક બને છે. ધીમે ધીમે આપણે બહારની દુનિયા કરતા પણ વધારે આંતરિક દુનિયા તરફ ધ્યાન આપવા મંડીએ છીએ. આવું વૃદ્ધાવસ્થામાં વધારે થતું જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં તેને ઉમર કરતા પરિપક્વતા સાથે સાંકળવું વધારે યોગ્ય છે.
બુદ્ધ અને મહાવીર ભગવાન પોતાની અંતર્દ્રષ્ટિના આધારે યુવાન વયે જ બાહ્ય દુનિયાના મિથ્યાપણાને સમજી ગયેલા. તેમને અહેસાસ થઇ ગયેલો કે આ રાજપથ અને મહેલ બધું જ માયા છે. આંતરિક સમૃદ્ધિ વિકસાવવી અગત્યની છે. જે કંઈ આપણી આસપાસ બની રહ્યું છે તે એક રીતે તો રમકડાં જેવું છે. જે રીતે આપણે બાળકને રમકડાં આપીને ખુશ રાખીએ છીએ તેવી જ રીતે આપણે મોટા થઈને બીજા પ્રકારના રમકડાંથી ખુશ રહીએ છીએ. પરિણામે આપણું આ બધા ઘર, ગાડી, પરિવાર, પૈસા જેવા રમકડાં સાથે રમવું એટલું જ હાસ્યાસ્પદ છે જેટલું કોઈ બાળક માટીના રમકડાં સાથે રમીને ખુશ થાય છે. તે નાના નાના ઢીંગલા-ઢીંગલીના લગ્ન કરાવે છે. તેમના માટે ભોજન બનાવે છે. ઘર વસાવે છે. તેમને કપડાં પહેરાવે છે. શું આપણે આખી જિંદગી આવું જ નથી કરતા? બસ ઢીંગલા-ઢીંગલી બદલાઈ જાય છે, માટીના ઘરની બદલે સિમેન્ટના ઘર આવી જાય છે, રમકડાંની ગાડીની બદલે મોટી ગાડી આવી જાય છે.
પરંતુ આ રીતે માત્ર બાહ્ય દુનિયામાં તલ્લીન થઈને જીવન પસાર કરવું એ આપણો ઉદેશ્ય નથી. આપણે કોઈ હેતુસર આ દુનિયામાં આવ્યા છીએ. આપણો જન્મ માત્ર એક અકસ્માત નથી. તે માત્ર એક ઘટના નથી, પરંતુ સૃષ્ટિની રચનાનો એક હિસ્સો છે. તેની સાથે કોઈ ઉદેશ્ય સંકળાયેલો છે. તેને સમજવો આવશ્યક છે. માત્ર રમકડાંથી રમીને આ દુનિયાથી જતાં રહેવું એ બચકાનું કહેવાય. આપણે જીવનમાં યોગ્ય સમયે પરિપકવતા વિકસાવવી આવશ્યક છે. એ પરિપકવતાના આધારે અંતર્દ્રષ્ટિને વધારે અસરકારક બનાવવી પણ જરૂરી છે. માત્ર જીવનના બૃહદ ઉદેશ્ય જ નહિ, પરંતુ તેને પામવાના માર્ગ અંગે પણ વિચાર કરવો જરૂરી છે.
માટે જ જયારે વ્યક્તિની સમજશક્તિ વિકસે છે, તેનામાં પરિપકવતા આવે છે ત્યારે બહારના ઘોંઘાટ શમી જાય છે અને આંતરિક સંગીતનો સુર ગુંજવા લાગે છે. બહારની ધમાલ અને મસ્તી એટલું મહત્ત્વ રાખતા નથી જેટલી આંતરિક શાંતિ રાખે છે. બહારના વિશ્વમાં મળતા માન-સમ્માન કરતા સ્વયંની સૂઝ અને સમજણ વધારે વહાલા લાગે છે. એક પ્રોફેસર સાહેબે જયારે નોકરીની શરૂઆત કરી ત્યારે તેમને વિદ્યાર્થીઓની વાહવાહ સાંભળવી બહુ ગમતી, પરંતુ જેમ જેમ તેમની આંતરિક સમજ વિકસતી ગઈ તેમ તેમ તેઓ બાહ્ય સ્વીકૃતિને બદલે આંતરિક પ્રતિભાવોને વધારે મહત્ત્વ આપવા લાગ્યા.
જેમ જેમ આપણી પ્રાથમિકતા બદલાતી જાય તેમ તેમ આપણી ઉર્જાનો પ્રવાહ પણ બદલાય છે. બહાર વહેવાને બદલે હવે ઉર્જાનો સંચાર અંદર થાય છે. આંતરિક સમૃદ્ધિ વધારે મહત્ત્વ રાખે છે બાહ્ય દેખાવ કરતા. માટે જ આપણી પરિપક્વતા સાથે આપણે બહાર કરતા અંદર વધારે જોઈએ છીએ. બાહ્ય દુનિયામાં આપણી શોધ પુરી થાય છે અને આંતરિક દુનિયામાં શરૂ થાય છે.
‘અધ્યાત્મને આપણી આસપાસની સમૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. તેનો આધાર આપણે સ્વયં સર્જેલી આંતરિક સમૃદ્ધિ પર છે.’ - સદગુરુ
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)

