જીવનમાં આનંદ હોવો જરૂરી છે. તેનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પૌરાણિકકાળથી સ્થાપિત થયું છે. એટલા માટે જ તો કેટલાય સંતો પોતાના નામ પાછળ જ આનંદ લગાડે છે, જેમ કે: ચિન્મયાનંદ, દયાનંદ, મુક્તાનંદ, સહજાનંદ વગેરે. અમેરિકન બંધારણમાં પર્સ્યુટ ઓફ હેપિનેસને નાગરિકોના મૂળભૂત અધિકાર તરીકે ગણવામાં આવ્યો છે. લોકો આનંદ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે તે આવશ્યક છે. જો વ્યક્તિ પોતાના જીવનમાં આનંદને પ્રાથમિક સ્થાન ન આપે તો બાકીના બધા જ પ્રયત્ન અને પરિણામ ફિક્કા લાગવા માંડે છે. જેમ કે, કોઈ વ્યક્તિ સતત કાર્ય કરતો રહે, ધનોર્પાજનમાં લાગ્યો રહે, એક પછી એક સફળતા મેળવવા મહેનત કરે પરંતુ કોઈ જ રીતે પોતાની ખુશી માટે, આનંદ માટે સમય ન આપે તો એક દિવસ એવો આવે છે કે જયારે તેને બધું જ મિથ્યા લાગે છે. અત્યાર સુધીની આખી સફર નાહકની જણાય છે. પાછું વળીને જુએ ત્યારે તેને જણાય છે કે શા માટે આટલું ચાલ્યા? આખરે મકસદ શું?
આનંદ પ્રાપ્તિને હંમેશા જ જીવનનો પરમ ધ્યેય માનવામાં આવ્યો છે. આનંદ મોક્ષ સુધી લઇ જાય છે. ખુશી આપણી દરેક ક્રિયાને સાર્થક બનાવે છે. જોકે આ પ્રયત્ન અને પ્રાપ્તિ બંને સાત્વિક હોવા જોઈએ. ન માત્ર સાધ્ય, પરંતુ સાધન પણ શુદ્ધ હોવું જોઈએ. મોટા માર્ગે આનંદ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ માણસનો જન્મારો બગાડે છે. વિકૃત માનસિકતા ધરાવનાર લોકો પોતાના આનંદ માટે જયારે બધા જ સામાજિક અને નૈતિક મૂલ્યોને થાળે પાડીને માત્ર પોતાના શારીરિક અને માનસિક સુખ માટે પ્રયત્નરત રહે ત્યારે આ આનંદપ્રાપ્તિની વ્યાખ્યા ખોટી ઠરે છે. માણસે અમુક મર્યાદામાં રહીને, નૈતિક મૂલ્યોનું ધ્યાન રાખીને સાત્વિક આનંદપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ, ન કે વિકૃત આનંદ માટે.
પોતાને ગમતા લોકો સાથે પ્રયત્ન કરીને સમય વિતાવવાથી, તેમને ગમે તેવું ભોજન સાથે કરવાથી, મુસાફરી પર જવાથી અને કાર્યના બોજ વિના થોડા કલાકો ભેગા રહેવાથી આનંદ મળે છે. આનંદ માત્ર પોતાની પાસે ગાડી હોય તેનાથી નહિ, પરંતુ તે ગાડી લઈને નજીકના લોકો સાથે મનપસંદ સ્થળે પ્રવાસ કરવાથી મળે છે. પોતાની પાસે પૈસા હોય તેટલું પૂરતું નથી, તેનો ખર્ચ એવી પ્રવૃત્તિમાં કરવો પડે છે જે આપણને આનંદ આપે. દલાઈ લામા કહે છે કે ‘આનંદ કોઈ રેડીમેડ વસ્તુ નથી. તે આપણા સક્રિય પ્રયત્નોથી મળે છે’. પ્રશાંતનો પરિવાર બેંગ્લૂરુમાં રહે છે. પતિ-પત્ની બંને કોર્પોરેટ જોબમાં મોડે સુધી વ્યસ્ત રહે છે. પરંતુ શનિ-રવિમાં તેઓ બીજા બધા જ કામો છોડીને પણ એક ફિલ્મ જોવા થિએટરમાં જાય છે અને ત્યાર બાદ સારા રેસ્ટોરાંમાં ડીનર કરીને જ ઘરે આવે છે. મહિનામાં એક વિકેન્ડ ટ્રીપ પણ જરૂર કરે છે જેમાં ક્યારેક ક્યારેક મિત્રોને પણ શામેલ કરે છે. આ તેમનો સક્રિય પ્રયત્ન છે એકબીજા સાથે થોડી પ્રેમની, આનંદની ક્ષણો વિતાવવાનો. તેઓ કહે છે કે વ્યસ્ત જીવનમાં આ શનિ-રવિ તેમના માટે માનસિક પોષણ બની રહે છે. તેનાથી સંબંધ તાજા બને છે. તેઓ એકબીજાની હૂંફ મહેસુસ કરે છે. અને ફરીથી આખું અઠવાડિયું શનિ-રવિની રાહ જુએ છે.
જીવનમાં બધું જ પામીએ પરંતુ પોતાના માટે બે ક્ષણ આનંદની ન મેળવીએ તો સર્વસ્વ અર્થહીન ઠરે. લોકો જયારે પોતાના જીવનના આખરી પડાવ પર હોય છે અને પોતે કેવું જીવ્યા તેની ઝાંખી કરે છે ત્યારે માત્ર આનંદની ક્ષણો જ યાદ આવે છે. કેટલું કમાયા, ક્યા પદ પર પહોંચ્યા, કેટલી સત્તા ભોગવી અને કેટલા લોકો પર રુઆબ જમાવ્યો તે નહિ પરંતુ કેટલો સમય પરિવાર અને મિત્રો સાથે આનંદથી વિતાવ્યો તે આખરે જમાપાસું બનીને જીવનની છેલ્લી ક્ષણોને સુખમય બનાવે છે. પરંતુ આવો પારિવારિક, સામાજિક અને વ્યક્તિગત આનંદ આવે ક્યાંથી? પૈસા કમાવાથી? સત્તા હાંસલ કરવાથી? કે પછી લોકો પર રુઆબ જમાવવાથી? ના. આ પૈકી કંઈ જ આનંદપ્રદ નથી. તે માત્ર આપણી જરૂરિયાત અને અહંકારને પોષે છે. વાસ્તવિક આનંદ આવે છે પોતાના લોકો સાથે નિસ્વાર્થ સમય વિતાવવાથી. જયારે સંગતમાં રાગદ્વેષ ન હોય, અપેક્ષા ન હોય, સ્વાર્થ ન હોય, માત્ર એકબીજાના સહકારને માણવાની ઈચ્છા હોય ત્યારે તે આનંદમય બની રહે છે. એટલા માટે જ બાળપણની મૈત્રી હંમેશા યાદગાર હોય છે.
આનંદ જ તો આપણા જીવનને યાંત્રિક બનતું અટકાવે છે. તે આપણને અહેસાસ કરાવે છે કે આપણે માણસ છીએ. મનોરંજન સમયનો બગાડ નથી, પરંતુ આપણા માટે માનસિક પોષણ છે તે વાત સમજીએ ત્યારે આપણે પરિવાર સાથે બેસીને અઠવાડિયામાં એકાદ ફિલ્મ જોઈએ તે સમય વીતાવ્યાનો આનંદ થશે, અફસોસ નહિ. સપ્તાહાંતે મનગમતા લોકો સાથે ત્રણ-ચાર કલાક લંચ કરવામાં વિતાવીને આપણે તેને સારો સમય વીત્યો ગણાવીશું. તે સમય વેડફાયાનો વસવસો નહિ, પરંતુ જીવ્યાનો સંતોષ થશે. માનસિક પોષણ માટે, જીવનને સંતોષપૂર્ણ બનાવવા માટે આનંદની પળોનું સર્જન કરવું આવશ્યક છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)

