થોડા સમય પહેલા એક અગત્યની વાત ધ્યાનમાં આવી. આપણે ગુજરાતી લોકોએ હવે હસવાનું ઓછું કરી નાખ્યું લાગે છે. એરપોર્ટ પર જાઓ, રેસ્ટોરાંમાં જાઓ, કોઈ સરકારી કે ખાનગી ઓફિસમાં જાઓ - ત્યાંના લોકો હસીને આવકારે તેવું ઓછું બને છે. કોઈ શોપિંગ સેન્ટરમાં, ગાર્ડનમાં કે બીજી જગ્યાએ પણ આપણે એકબીજા સામે આવી જઈએ તો ઓળખાણ વગર નમસ્તે કરવાની કે સ્મિત આપીને એકબીજાને ગ્રીટ કરવાની, સત્કાર આપવાની પરંપરા જાણે વિલુપ્ત થતી જાય છે.
આપણે હવે આધુનિક થઈ રહ્યા છીએ. પાશ્ચાત્ય જીવનશૈલી આપનાવી રહ્યા છીએ. સમાજકેન્દ્રી જીવનને બદલે વ્યક્તિકેન્દ્રી જીવન જીવવાની પરંપરા આપણા દેશમાં અને ગુજરાતમાં પણ શરૂ થઈ છે. લોકો પાસે પૈસા અને સગવડો વધ્યા છે. તેને પરિણામે દરેક વ્યક્તિ હવે ‘હું કંઈક છું’ તેવી ભાવના સાથે જીવતો હોય તેવું લાગે છે. આપણે સામે જોઈશું તો જાણે સામેવાળી વ્યક્તિ ઉધાર માંગી લેશે તેવું વર્તન આપણે કરવા લાગ્યા છીએ. ઉચ્ચ અધિકારીઓ કે મહત્વપૂર્ણ જગ્યાએ બેઠેલા વ્યક્તિને એવો ડર પણ લાગ્યા કરે છે કે કોઈ પોતાની વિનમ્રતાનો ફાયદો ઉઠાવશે અને પરિણામે તેમનું નામ ખરાબ થશે.
ઘણા લોકો એ વાત જાણતા નથી કે વિદેશોમાં પણ એકબીજાને સ્મિત આપીને ગ્રીટ કરવાનું, ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન વિશ કરવાનું, લોકોને સારી રીતે આવકારવાનું કલ્ચર જીવિત છે. બહારના દેશોમાં એરપોર્ટનો સ્ટાફ, રેસ્ટોરાંના વેઈટર, બેંકના કર્મચારી, ટ્રાફિક પોલીસ કે સરકારી અધિકારીઓ પણ પોતાની પોઝિશન કે કામગીરીને વચ્ચે લાવ્યા વિના, એક સંસ્કાર તરીકે એકબીજાને વહાલથી આવકારે છે, સ્માઈલ કરે છે, ગ્રીટ કરે છે. તો પછી આપણે શા માટે આપણી વિનમ્રતા ભૂલી રહ્યા છીએ?
અલગ અલગ કલ્ચરની ઝાંખી લઈએ. ઈરાનમાં તારુફ કરવાનું જે કલ્ચર છે તેના પરથી જ આપણી લખનવી તહેજીબ ઉતરી આવી છે. લખનવી તહેજીબ કેટલી વિનમ્રતા ધરાવે છે તેનાથી આપણે સૌ વાકેફ છીએ. યુકે - લંડનમાં પણ જો બજારમાં, પાર્કમાં, રેસ્ટોરાંમાં કે બીજી જાહેર જગ્યાએ કોઈની સાથે તમારી નજર મળી જાય તો તેઓ જરૂર તમને સ્માઈલ કરીને અથવા માથું ઝુકાવીને ગ્રીટ કરે જ છે. લેટિન અમેરિકાના દેશોમાં તો આવું સોશિયલ કલ્ચર તેનાથી પણ વધારે જોવા મળે છે. અને એવું ગ્રિટિંગનું ક્લચર વ્યક્તિના મોભા, પદવી, સામાજિક કે આર્થિક સ્ટેટસ સાથે સંબંધિત નથી. પટાવાળાથી માંડીને મંત્રી સુધી બધા જ આવી વિનમ્રતા દાખવે છે. બહુ ઓછા દેશો એવા હોય છે કે જ્યાં તમને રુક્ષ સામાજિક વ્યવહાર દેખાય. એકબીજાની નોંધ ન લેવી, તમારી ઓફિસમાં આવતા કોઈ વ્યક્તિને આવકાર ન આપવો, સખત ચહેરો કરીને અનાદર જેવું લાગે તેમ વર્તવું - વગેરે બધું ગુજરાતની મીઠી સંસ્કૃતિને શોભે નહીં. કોઈ આપણી પાસે આવે. તેનું કામ કરીએ કે ન કરીએ, પરંતુ એક માણસ તરીકે તેને સત્કાર આપવો આપણી સંસ્કૃતિ છે.
ગુજરાતના ભોજનમાં ગળપણ એટલા માટે જ નાખવામાં આવે છે કે જીભ પર મીઠાશ રહે. ગુજરાતીઓ તો તેમની વિનમ્રતા અને મીઠાશ માટે જાણીતા છે. પરંતુ હવે તે જાણે અદૃશ્ય થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભલે આપણે હજુએ અંદરથી એટલા જ સારા હોઈએ પરંતુ જો આપણો સામાજિક વ્યવહાર આ વિવિધતા અને હાસ્યની ખોટ ધરાવશે તો ધીમે ધીમે આપણું કલ્ચર રુક્ષ બનતું જશે. એકબીજાની નોંધ લેવાનું આપણે ચૂકી જઈશું. એવું ના થાય એટલા માટે બીજે ક્યાંય નહીં તો આપણી પોતાની ઓફિસમાં, આપણા પોતાના પરિવારમાં અને આપણા સંપર્કમાં આવતા લોકોની સાથે સ્મિત કરવાનું, વિનમ્રતાપૂર્ણ વ્યવહાર કરવાનું શરૂ કરીએ. જો આપણી અંદરની મીઠાશ અને સંસ્કારિતાને આ રીતે વ્યક્ત કરીએ તો કેવું સારું? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)

