કોઇ પણ વિચારના સફળ અમલ માટે આવશ્યક છે સમયસર અને સચોટ આયોજન

આરોહણ

- રોહિત વઢવાણા Tuesday 21st February 2023 00:47 EST
 
 

કોઈ પણ આઇડિયાને બરાબર પ્લાનિંગ કરીને, તેનું એક્ઝેક્યુશન સારી રીતે કરવાથી જ ઈચ્છીત રિઝલ્ટ મળી શકે. કોઈ વિચાર - આઈડિયા - પર આયોજન - પ્લાંનિંગ - અને અમલ - એક્ઝેક્યુશન - બંને થાય ત્યારે જ કાર્ય પૂર્ણ થાય છે એ વાત તો સૌ જાણે જ છે. પરંતુ કેટલાક લોકો માત્ર આયોજનમાં નિપુણ હોય છે અને કેટલાકને સીધો જ અમલ કરવો ગમે છે. એ કહેવાની જરૂર નથી કે આયોજન વિના જ કામ આદરી દઈએ, વિચારનો અમલ કરી દઈએ તો પરિણામ કાચું જ રહે. આ બંને ઉપરાંત એક ત્રીજી શક્યતા પણ છે જયારે પરિણામમાં કચાસ રહે છે અને તે છે - આયોજન અને અમલ વચ્ચે વિલંબ.

જો માત્ર આયોજન જ કર્યા રાખીએ, સમયસર તેનો અમલ ન કરીએ તો કેટલાય પરિબળો ઉભરી આવે જેને કારણે આખરી પરિણામ ધાર્યા મુજબ ન આવે. વળી કેટલાક લોકો તો આયોજનમાં જ રચ્યાપચ્યા રહે છે અને ક્યારેય તેના પર અમલ કરતા જ નથી. તેને વિલંબવૃત્તિ કહી શકાય. આવી વિલંબવૃત્તિ માટે ઘણી વાર તેમનામાં આત્મવિશ્વાસની કમી જવાબદાર હોય છે. ક્યારેક એવા સંજોગો આવી ચડે છે કે આપણું આયોજન એક બાજુ રહી જાય છે અને કંઈક અલગ જ રીતે કામ કરવું પડે છે. ઢીલું છોડવાની વૃત્તિ પણ ક્યારેક ક્યારેક વ્યક્તિનો જુસ્સો ઠંડો પાડી દે છે.
પરંતુ જો ધાર્યું પરિણામ મેળવવું હોય તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી આપણા વિચાર પર આયોજન અને અમલ કરવાનું કાર્ય સરળ અને સફળ બની શકે છે.

1) વિચારને પરિણામમાં પરિવર્તિત કરવા માટે આયોજનની શરૂઆત સમયસર કરવી જોઈએ. જો તેમાં વિલંબ થાય તો વિચારની સમયસંગતતા જતી રહે છે. વિચાર પર વિચાર કર્યા કરવા કરતાં તેના પર આયોજન કરવું જોઈએ.

2) આયોજન વાસ્તવિક અને પરિણામલક્ષી હોવું જોઈએ. જેટલી સારી રીતે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરીએ તેટલું જ પાક્કું આયોજન થાય છે. પ્લાનિંગ કરતી વખતે પરિણામ શું મેળવવું છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. પરિણામલક્ષી પ્લાનિંગ ન કરીએ તો ચોક્કસ જ ધાર્યું પરિણામ ન આવે.

3) આયોજન કરવામાં અમુક મર્યાદાથી વધારે સમય ન આપવો જોઈએ. જો આયોજન કરવામાં જ આપણે મોટા ભાગનો સમય આપી દઈએ તો કાર્ય ક્યારે શરૂ થઇ શકે? વાજબી સમય સુધી શક્ય હોય તેટલું વિગતવાર પ્લાનિંગ કરીને પછી તેના પર અમલ કરવાની શરૂઆત કરવી આવશ્યક છે.

4) અમલ કરતી વખતે આયોજન પર શ્રદ્ધા રાખવી. જે યોજનાનો અમલ કરી રહ્યા હોઈએ તેના પર વિશ્વાસ જ ન હોય તો તેમાંથી સારું પરિણામ આવી શકે નહિ. જે પ્લાનિંગ થયું છે તે સચોટ છે અને તેનાથી પરિણામ મળશે જ તેવા વિશ્વાસ સાથે અમલ કરવો જોઈએ.

5) અમલ સમયસર અને પરિણામને ધ્યાનમાં રાખીને થવો જોઈએ. વિલંબપૂર્વક અમલ કરીએ તો નવા પરિબળો સામે આવે જેનાથી આયોજનની પ્રસ્તુતતા બદલાઈ જાય. વળી, પરિણામ પર નજર ન હોય તો અમલ તે દિશામાં ન થઇ શકે.

આ પાંચ પરિબળોને ધ્યાનમાં રાખીને કોઈ પણ વિચારને અમલમાં મૂકી શકાય છે. તેના માટે સમયસર અને સચોટ આયોજન, પુરી ધીરજ અને મક્કમતાથી તેનો અમલ તથા પરિણામ પર અર્જુન જેવી નજર રાખવી આવશ્યક છે. આ પાંચ પગથિયાંવાળી પદ્ધતિ કોઈ પણ સમયે, કોઈ પણ આઈડિયા માટે અમલમાં મૂકી શકાય તેમ છે.

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus