ખરો રિટાયરમેન્ટ પ્લાન કયો?

- રોહિત વઢવાણા Wednesday 26th August 2026 07:27 EDT
 
 

જયારે આપણે રિટાયર થવાની વાત વિચારીયે ત્યારે આપણી સામે પહેલો પ્રશ્ન આવે છે - કેટલા પૈસા બચાવ્યા છે? નિવૃત જીવન જીવવા માટે પૂરતા પૈસા છે ખરા? યુટ્યુબ ખોલીને જુઓ, કે ગૂગલ સર્ચ કરો તો તેમાં પણ રિટાયરમેન્ટ કોર્પસ કેટલું હોવું જોઈએ તેને લગતા અનેક આર્ટિકલ્સ અને વીડિયો મળી રહે. પરંતુ વાસ્તવમાં શું નિવૃત્તિ કોર્પસ પર આધારિત છે? પોર્ટફોલિયો કેટલો સબળ છે તે નિવૃત જીવન આરામદાયક રહેશે કે કેમ તે નક્કી કરી શકે? પૂરતા પૈસા બચાવ્યા હોય એ લોકોનું નિવૃત જીવન આનંદમય રહે છે?

એક મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ પરથી રિટાયર થઈને પ્રમોદભાઈ અમદાવાદના મોંઘા વિસ્તારમાં બંગલો લઈને ત્યાં પોતાની પત્ની સવિતાબેન સાથે રહેવા લાગ્યા. કારકિર્દીમાં સારું કમાયેલા હોવાથી નિવૃત્તિ માટે સારું એવું ભંડોળ એકઠું કરેલું. બધી જ સગવડ સેટ કરી લીધી. જોકે એકાદ મહિનામાં જ તેમને અહેસાસ થયો કે જીવનમાં પૈસાની તો કોઈ કમી અનુભવાતી નથી પરંતુ એકલતા મારી ખાય છે. તેમના બાળકો તો ભણીગણીને વિદેશમાં નોકરીએ લાગી ગયેલાં. હવે પતિ-પત્ની બંને એકલા થઇ ગયા. આસપાસના લોકો પોતપોતાના વ્યવસાય અને પરિવારમાં વ્યસ્ત. વળી કોઈની સાથે તેમને પહેલાથી સંબંધ પણ નહિ. આ વખતે તેમને અહેસાસ થયો કે વાસ્તવમાં નિવૃત થવા માટે પોર્ટફોલિયો નહિ, પીપલની જરૂર છે. એટલે કે કેટલા પૈસા બચાવ્યા છે તે નહિ, પરંતુ કેટલા મિત્રો બનાવ્યા છે તે નક્કી કરશે કે તમારું નિવૃત જીવન કેવું જશે.

જેમના રિટાયરમેન્ટ પ્લાનમાં એવા મિત્રો હોય કે જેમની સાથે સુખદ સમય વિતાવી શકાય તે માણસની નિવૃત્તિ ખુશીઓથી ભરેલી હોય છે. નિવૃત્તિ એટલે માત્ર નોકરી વિના પોતાનું ગુજરાન ચલાવવા માટે આર્થિક સગવડ કરવી એટલું જ નથી. વાસ્તવમાં તો માણસ આ સમયે પૈસા કરતા સંગાથ વધારે ઝંખે છે. જયારે નોકરી કરવાની ન હોય ત્યારે સમય વધારે હોય છે. આ વખતે પૈસા ખર્ચવા કરતાં સમય ખર્ચવો વધારે મુશ્કેલ થઇ પડે છે. ઘણીવાર તો ઉંમર થવાને કારણે વધારે પૈસા ખર્ચવા માટે ન તો ઉત્સાહ હોય છે ન તો કોઈ તક. ઓફિસ જતી વખતે જે પ્રકારના કપડાં વગેરે લેવું પડતું હોય છે તે નિવૃત થયા બાદ જરૂરી નથી હોતું. બીજા પણ ઘણા ખર્ચ ઘટી જાય છે. માટે નિવૃત જીવનના ખર્ચ ઓછા હોય છે અને સમય વધારે. આ સમય કોની સાથે વિતાવવો તેની વ્યવસ્થા જે માણસ કરી જાણે તેનું નિવૃત જીવન સચવાય જાય છે.

મોટાભાગના લોકો પોતાના રિટાયરમેન્ટ પ્લાનિંગમાં સંબંધો સાચવવાનું ભૂલીને પૈસા બચાવવા પાછળ ભાગે છે. પરંતુ તેવું કરવાથી સૌથી અગત્યનું પાસું ભૂલી જવાય છે - ઘડપણનો સથવારો, નિવૃત્તિનો સંગાથ. માણસે પોતાના મિત્રો અને જેમની સાથે વિચાર મળતા હોય તેવા લોકો સાથે એ પ્લાનિંગ કરવું જોઈએ કે નિવૃત થયા બાદ સમય ક્યાં અને કેવી રીતે વિતાવવો છે. કોની સાથે આપણને ફાવશે. કેવી આબોહવા માફક આવશે. આ બધું આપણા માટે પૈસા કરતા વધારે મહત્ત્વનું છે. તેના પર પણ થોડું ધ્યાન આપવું જોઈએ. વૃદ્ધત્વને જીરવવા માત્ર પોતાના જેવા લોકોનો સાથ જ કામે લાગે છે.

ઉપરાંત એક બીજી અગત્યની બાબત જે માણસના રિટાયમેન્ટને સમૃદ્ધ બનાવી શકે તે છે શોખ. જે માણસ કોઈ શોખ વિકસાવે તેને સમય પસાર કરવામાં મુશ્કેલી પડતી નથી. વાંચવાનો શોખ હોય, રમતગમતનો શોખ હોય, ચિત્રકલા, લેખન કે બીજા કોઈ શોખ રાખનાર માણસ પોતાના વૃદ્ધત્વનો સારો ઉપયોગ કરી જાણે છે. તેમના માટે નિવૃત્તિ એક અવસર બની રહે છે. તેમને આ ખાલી સમય બોજ લાગતો નથી કેમ કે તેનો સારો ઉપયોગ તેઓ પોતાના શોખ પૂરાં કરવા માટે કરી જાણે છે.

તમે પોતાની નિવૃત્તિ ગમેત્યારે પ્લાન કરો ત્યારે આ બાબતને ધ્યાનમાં જરૂર રાખજો કે તેના માટે માત્ર પોર્ટફોલિયો નહિ, પીપલની પણ આવશ્યકતા રહેશે.

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus