આપણને આ જીવન જીવાડનારું માધ્યમ શરીર છે. શરીર વિના આપણું અસ્તિત્વ આ સૃષ્ટિમાં શક્ય નથી. જો આપણી એક કાર ખરાબ થાય તો આપણે બીજી લઇ શકીએ પરંતુ આપણું શરીર ચાલતું બંધ થઇ જાય તો આપણે બીજા શરીરમાં પ્રવેશીને જીવન જીવી શકીએ તેવું બનતું નથી. માટે આ શરીરને સાચવવું આવશ્યક છે. તમારા મનમાં મેરેથોન દોડવાના સપના હોય, તમારી પાસે સારી કંપનીના શૂઝ હોય, સારા રનિંગ ગિઅર હોય તો પણ જો શરીર સાથ ન આપે તો તમે મેરેથોન દોડી ન શકો. કારણ કે શરીરના માધ્યમથી જ આપણે જીવન જીવીએ છીએ, અને બધી પ્રવૃતિઓ કરીએ છીએ.
જયારે શરીર ના પાડી દે ત્યારે આપણી બધી જ ઈચ્છાઓ અધૂરી રહી જાય છે. જાત્રા કરવા જઈ શકાતું નથી. પબમાં જઈને મસ્તી કરી શકાતી નથી. ઓફિસે જઈને કર્મચારીઓ સાથે સમય વિતાવી શકાતો નથી. પ્રમોશન મેળવવા માટે બોસને ઈમ્પ્રેસ કરી શકાતા નથી. પરિવારનું સુખ પણ ભોગવી શકાતું નથી. કારણ કે શરીર ન ચાલે તો બીજું કંઈ જ ન થાય. આપણી પાસે ગમેતેટલી સંપત્તિ હોય તેને ભોગવી શકતા નથી. તેનો ઉપયોગ કરીને આપણે શરીરને સાજું કરવા પ્રયત્ન કરી શકીએ પરંતુ ક્યારેક તો એ પણ શક્ય હોતું નથી. કેટલાય લોકોને વર્ષોસુધી પથારીવશ થયેલા જોયા છે. તેઓ પોતાની જાતે સ્નાન કરવા પણ ઉઠી શકતા નથી. ક્યારેક બોલવામાં પણ મુશ્કેલી પડે છે. આટલી તકલીફ આવી પડે ત્યારે સંપત્તિ તેમને થોડીઘણી સગવડ આપી શકે પરંતુ સંપૂર્ણ રીતે સક્રિય ન જ બનાવી શકે.
વ્યક્તિ પોતાના પદ અને મોભાથી જે સત્તા ભોગવતો હોય, સન્માન મેળવતો હોય તે પણ શરીર સાથ ન આપે તો કોઈ કામનું રહેતું નથી. થોડા દિવસ તો લોકો તમારી પાસે આવીને ખબરઅંતર પૂછે પરંતુ પછી તેઓ પણ પોતપોતાના કામમાં મશગુલ થઇ જાય. તમારું સ્થાન ધીમે ધીમે બીજું કોઈ લઇ લે અને શરીરનો સાથ ન મળતા તમારે પોતાની એ પ્રતિષ્ઠા, પદવી અને સન્માનથી હાથ ધોવા પડે તેવું પણ બની શકે. તમારા આગળ વધવાના, પ્રોજેક્ટ પુરા કરવાના સપના અધૂરા રહી જાય.
એક સ્ટાર્ટઅપ દ્વારા યુવાનીમાં ખુબ સફળતા મેળવનાર મહેશે ઘણા વર્ષો સુધી માનસિક તણાવ અને અપૂરતી ઊંઘને કારણે થઇ રહેલા સ્ટ્રેસને અવગણ્યો. એક દિવસ અચાનક તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને ત્રણ મહિના પથારીવશ રહેવું પડ્યું. આ સ્થિતિમાં તેને અહેસાસ થયો કે કાર્યક્ષમતા અને સમયસર લક્ષ્યો હાંસલ કરવાના ટાર્ગેટ ત્યારે જ પુરા થઇ શકે જયારે શરીર સાથ આપે. માટે તેનું ધ્યાન રાખતા રાખતા જ સફળતાનાં બીજા બધા પરિમાણો સેટ કરવા જોઈએ. શરીરને અવગણીને બીજા દરેક પાસા પર ફોકસ કરનારની સરખામણી તે વ્યક્તિ સાથે કરી શકાય જે ગાડી લઈને સફર પર તો નીકળી પડે પરંતુ ટાંકીમાં પેટ્રોલ ભરવાનું ભૂલી જાય. પરિણામે કોઈ સૂનસાન જગ્યાએ ગાડી અટકે તો જે રીતે બધા જ પ્લાન બગડી જાય તેવું જ શરીરને ન સાચવવાથી થઇ શકે છે. શરીર કામ કરતું અટકી જાય ત્યારે બીજા બધા જ પ્લાન ખરાબ થઇ જાય.
શરીરને એક માધ્યમ તરીકે જોઈને પણ તેનો યોગ્ય ખ્યાલ રાખતા શીખવું આવશ્યક છે. આપણે આ દુનિયામાં જે કંઈ કરવા ઇચ્છતા હોઈએ તે બધું જ આ શરીરના માધ્યમથી થાય છે. તેના વિના તો આધ્યાત્મિકતા પર પણ ધ્યાન આપી શકાતું નથી. વેપાર-ધંધો તો બિલકુલ ન થઇ શકે. કારકિર્દીમાં ખલેલ પડે. પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં મુશ્ક્લી પડે જો શરીર ન સાચવીએ તો. ઘણીવાર તો આપણે જવાબદારી નિભાવવાને બદલે નાહકનો પરિવાર પર બોજ બની જઈએ. અચાનકથી બીમારીનો ખર્ચ આવી ચડે, રજાઓ પડે અને આવકમાં ઘટાડો થાય - તેને કારણે આર્થિક આયોજન પણ બગડી શકે. માટે શરીરને પ્રાથમિકતા આપીને પોતાનું આરોગ્ય સાચવવું અનિવાર્ય છે. જો શરીર ના પાડી દેશે તો બીજા કોઈ જ પાસા જીવનને સંભાળી નહિ શકે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)

