જીવન સરળ બનાવવાનો અકસીર ઉપાય છેઃ અપેક્ષાઓ અને અધિકારના તાણાવાણા ઓછા કરો

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 15th March 2022 12:28 EDT
 

‘તમે મારા માટે કર્યું જ શું છે?’ આ પ્રશ્ન કેટલાય મા-બાપ, સરકાર અને મિત્રોએ સાંભળ્યો હશે અને ત્યારે જવાબ શું દેવો તેનો નિર્ણય નહિ કરી શક્યા હોય. આ પ્રશ્ન બે પરિસ્થિતિમાં ઉભો થાય છે. એક તો જયારે વ્યક્તિ ખરેખર જ કંઈક મેળવવાને હકદાર હોય, પરંતુ તે મળ્યું ન હોય અને બીજું કે જયારે ઘણુંખરું મળવા છતાં વ્યક્તિ કૃતઘ્ન હોય.

કોઈ આપણા માટે કેટલું કરવા જવાબદાર છે તે બાબત તેમની ક્ષમતા અને આપણી અપેક્ષાને સાપેક્ષ છે. જેની પાસેથી કઈ મેળવવાની અપેક્ષા રાખતા હોઈએ તેની ક્ષમતા અને ઈચ્છા જ ન હોય તો આપણને અધિકાર જેટલું પણ મળતું નથી, ભલે પછી તે પૈસા હોય કે બીજી કોઈ રીતનો સહકાર. ગરીબ મા-બાપ પાસે દીકરો મોટરગાડીની અપેક્ષા રાખે તો તે વિફળ જ રહેવાની અને ત્યારે જો એ પ્રશ્ન કરે કે ‘તમે મારા માટે કર્યું જ શું છે?’ તો તે તદ્દન અસ્થાને છે કેમ કે અહીં અપેક્ષા અને ક્ષમતામાં સામ્ય નથી. તેવી જ રીતે જો ગાડી, બંગલો, પૈસા, પ્રેમ બધું જ આપ્યું હોય તેમ છતાંય દીકરો મા-બાપને કહે કે તમે કર્યું જ શું છે તો કદાચ અહીં અપેક્ષા એટલી વધારે છે કે કૃતજ્ઞતાની કમી છતી થાય છે.
આપણે આ પ્રશ્ન પૂછીએ છીએ કે નહિ તે આપણી માનસિકતા ઉપર આધાર રાખે છે. જે વ્યક્તિ અપના હાથ જગન્નાથનો મંત્ર લઈને સ્વાવલંબનમાં માને છે તે ભાગ્યે જ કોઈ પાસે અપેક્ષા રાખે છે. અને જ્યાં અપેક્ષા જ ન હોય ત્યાં નિરાશા પણ ઉભી થતી નથી. પરિણામે આ પ્રશ્ન પૂછવાની જરૂર જ નથી હોતી. પરંતુ ક્યારેક આપણે એવી સ્થિતિમાં ઉભા હોઈએ છીએ કે જ્યાંથી એ વાતનો નિર્ણય કરવો મુશ્કેલ બને છે કે આપણે કોઈના માટે કૃતજ્ઞતા અનુભવવી કે પછી ફરિયાદ કરવી.
સરકાર માટે પણ કેટલીય વાર લોકો આવો સવાલ ઉઠાવતા હોય છે. આ પ્રશ્ન દરેક દેશના નાગરિક ઉઠાવે છે અને તેમની અપેક્ષાઓ પોતપોતાની સરકાર માટે અલગ અલગ હોય છે. આ અપેક્ષા દેશના આર્થિક સ્તર અને લોકોના જીવનધોરણ પ્રમાણે નક્કી થાય છે. ગરીબ દેશનો નાગરિક સરકાર પાસેથી પોતાના શાળાએ જતા પુત્ર માટે લેપટોપની અપેક્ષા ન જ રાખે તે દેખીતું છું. તેવી જ રીતે વિકસિત દેશના લોકો સરકાર પાસેથી એમ્બ્યુલન્સ પેટે હેલીકોપ્ટરની પણ ઈચ્છા રાખી શકે અને તે કેટલીયવાર પૂરી થતી પણ હોય છે. પરંતુ અહીં બંને નાગરિકોનું સરકાર પ્રત્યેનું યોગદાન પણ અલગ અલગ છે. તેઓ જેટલો ટેક્ષ ભરે છે, જે પ્રમાણે આર્થિક પ્રવૃત્તિ કરીને દેશના વિકાસમાં મદદરૂપ થાય છે તેમાં પણ તફાવત છે ને?
પરંતુ તેમ છતાં આપણે આ પ્રશ્નને લઈને કેટલીયે વાર પરેશાનીમાં હોઈએ છીએ. ક્યારેક કોઈકે આપણને પ્રશ્ન પૂછ્યો હોય કે પછી ક્યારેક આપણા મનમાં કોઈના માટે ઉભો થયો હોય તેવું બને. આ બંનેમાંથી એક સ્થિતિમાં બેસ્ટ વે આઉટ એ જ છે કે જે છે તેનો સ્વીકાર કરીએ, આપણને કઈ મળ્યું છે કે નહિ તે ભૂલી જઈએ અને આગળ આપણે પોતાની જિંદગી સારી કેવી રીતે બનાવી શકીએ તેના પર ફોકસ કરીએ. પરંતુ જયારે કોઈ આપણને આ પ્રશ્ન પૂછે ત્યારે શું કરવું? કોઈની અપેક્ષા અને અધિકાર વચ્ચે તુલના કરવી જરૂરી છે. જેનો અધિકાર હોય અને તેમ છતાં આપણા તરફથી કઈ કમી રહી ગઈ હોય ત્યાં આપણી ફરજ છે કે તે પૂરી કરીએ અને શક્ય હોય તેટલું ભરપાઈ કરીએ. પરંતુ જો અપેક્ષા અધિકાર કરતા વધારે હોય તો આપણે તેવા એટિટ્યૂડને સુધારવા કઈ જ કરી શકીએ તેમ નથી. કૃતઘ્નતાનો કોઈ સરળ ઈલાજ નથી. જો હોત તો ભાગ્યે જ આપણે દૂધ પાયું તે સાંપે જ દંશ દીધો જેવી કહેવતો સાંભળી હોય.

કોઈએ કોઈના માટે કઈ કરવું પડે - તેના પણ માપદંડ હોય તે સામાજિક રીતે તો સમજી શકાય તેવી વાત છે પરંતુ કુદરતી ક્રમની આ વાત બરાબર બેઠતી નથી કેમ કે દરેક વ્યક્તિ અમુક સમય પછી પોતે જ પોતાના માટે બધું કરી લેવા સક્ષમ થઈ જાય છે તો પછી બીજા કોઈ પાસે અપેક્ષાની શું જરૂર? આવી અપેક્ષા અને અધિકારના તાણાવાણા જેટલા ઓછા કરીએ તેટલું જીવન સરળ રહે કે નહિ? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus