જીવનને માણવું હોય તો અપેક્ષાઓ અને જરૂરતો વચ્ચેનો ફરક સમજવો રહ્યાો

આરોહણ

- રોહિત વઢવાણા Wednesday 09th August 2023 09:26 EDT
 

આ સપ્તાહના ‘ધ ઈકોનોમિસ્ટ’ મેગેઝિનના કવરપેજ પર ટાઇટલ લખ્યું છેઃ ‘ઓવરસ્ટ્રેચ્ડ સીઈઓ’ અને સાથે એક ઠઠ્ઠાચિત્ર બનાવ્યું છે જેમાં એક વ્યક્તિના બંને હાથ અને પગ ચારેબાજુથી ખેંચવામાં આવી રહ્યા છે. ઈકોનોમિસ્ટની આ કવરસ્ટોરી એ વાતની સૂચક છે કે આજે મોટા ભાગની કંપનીઓના સીઈઓ કેટલાય પ્રકારના તણાવ વચ્ચે કામ કરી રહ્યા છે. સરકારી નિયમો અને નિયંત્રણો વધી રહ્યા છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ ટ્રેડ વોરને કારણે કેટલીય કંપનીઓ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આવા સમયે કંપનીને ચલાવવા અને સારું વળતર આપવા સીઈઓ પર ચારેય તરફથી ખેંચાણ હોય છે.
આ વાત તો થઇ મોટી કંપનીના સીઈઓની, પરંતુ આપણા જીવનમાં પણ આપણે આ પ્રકારના તણાવ ચારેતરફથી અનુભવતા હોઈએ છીએ. કેટલાક લોકો માટે આ વાત ખાસ લાગુ પડે છે કેમ કે તેઓ હંમેશા પરાક્રમી વ્યક્તિત્વની મહત્વાકાંક્ષા રાખતા હોય છે. આવા લોકો પોતાના માટે ખુબ ઊંચા માપદંડ નિર્ધારિત કરી રાખે છે અને તેને પામવા સદા પ્રયત્નશીલ રહે છે. થોડીઘણી કચાશેય ક્યારેય તેઓ ન ચલાવે. તેમને ‘ચાલી જશે’ જેવી સ્થિતિ તો બિલકુલ બરદાસ્ત ન હોય. જે કંઈ કરો તે શ્રેષ્ઠ જ હોવું જોઈએ. સમયની બાબતમાં પણ તેઓ એકદમ સચોટ. જરાય વહેલુંમોડું ન ચલાવે. ગુણવત્તાના સંદર્ભમાં તો તેઓ એટલા ઊંચા સ્ટાન્ડર્ડ સેટ કરે કે બીજા તેને જોઈને મોઢામાં આંગળા નાખી જાય. પછી તે સ્ટાન્ડર્ડને વળગી રહેવા માટે તેઓ પુરી ધગશ સાથે કામમાં લાગ્યા રહે. આ રીતે પોતાના માટે કોઈ હીરો જેવા પરાક્રમી માપદંડ નિર્ધારિત કરીને જીવન જીવતા લોકો પણ 'સ્ટ્રેચ્ડ સીઈઓ' જેટલા જ તણાવમાં રહેતા હોય છે.
અભ્યાસ એવું દર્શાવે છે કે પોતાની જાતને ક્ષતિહીન માનતા લોકો સ્ટ્રેસમાં જીવતા હોય છે. તેમને કોઈ જ રીતે પોતાની ઇમેજ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું હોતું નથી. શારીરિક શક્તિ હોય કે ન હોય, આર્થિક વ્યવસ્થા હોય કે ન હોય, સમય હોય કે ન હોય, પરંતુ તેઓ સદાય શ્રેષ્ઠ રહેવા મથતા હોય છે, જેના કારણે તેમનું મન હંમેશા તણાવગ્રસ્ત અવસ્થામાં રહે છે. આવા તણાવથી તેમના આરોગ્ય - શારીરિક અને માનસિક બંને - ઉપરાંત પારિવારિક અને સામાજિક જીવન પર પણ અવળી અસર પડે છે. તેમની માનસિક શાંતિ હણાય જાય છે.
આ રીતના અજેય અસ્તિત્વની કામના કરતા લોકો માટે જીવનમાં ક્યાંય થોભાવ હોતો નથી. તેમને તો હંમેશા દોડતા રહેવું ગમે છે, ઝડપથી સૌથી આગળ નીકળવાની ખેવના હોય છે. તેઓ ક્યારેય ઝંપીને બેસી શકતા નથી અને જો કોઈ કારણથી ધીમા પડવાનું પણ થાય તો તેઓ નિરાશ થઇ જાય છે. શાંતિને તેઓ સ્થગિતતા સમજે છે અને તેનાથી નાસીપાસ થઇ જાય છે. આવા સુપરમેન કે સુપરવુમન બનવાની કામના કરતા વ્યક્તિઓ તમારી આસપાસ પણ હશે અને તેમને જોઈને તમે સમજી શકતા હશો કે તેઓ હંમેશા સફળતા માટે વિચલિત રહેનારા લોકો છે. તેમના આવા ઊંચા માપદંડોને કારણે તેમનું તો ખરું જ પરંતુ તેમની આસપાસના લોકોનું જીવન પણ ઝંઝાળમાંય બની રહેતું હોય છે.
શું તમે પણ આ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવો છો કે જીવનમાં ક્યારેય તેવું વ્યક્તિત્વ ધરાવતા હતા? જો હા તો એક વાત સમજી લેજો કે તેનાથી તમારા પર અતિશય માનસિક તણાવ વધી શકે છે અને આખરે વાસ્તવમાં શું મહત્ત્વનું છે તે સમજતાં સમજતાં તો જન્મારો નીકળી જાય છે અને આખું આયખું કેવી હૈયાહોળીમાં જાય છે તેની ખબર જ નથી રહેતી. સમયસર ચેતીને પ્રમાણમાં કામ કરવાનું, પ્રમાણસર મહત્ત્વાકાંક્ષા વિકસાવવાનું રાખો. વધારે પડતી અપેક્ષાઓના મહેલ બાંધીને તેની જાળવણી કરવામાં જીવન વિતાવવા કરતાં આવશ્યકતા અનુસાર આવાસ વસાવવો વધારે હિતાવહ છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus