ડિપ્રેસનના કારણ ભલે કંઇ પણ હોય, ઉપાય સરળ છેઃ સમાજ સાથે હળોભળો અને સારા વિચારો કેળવો

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 30th August 2022 13:52 EDT
 
 

‘લોસ્ટ કનેક્શન’ નામના પુસ્તકમાં તેના લેખક યોહાન હેરી એવું કહે છે કે ડિપ્રેશન-હતાશા માટે માત્ર મગજમાં થતા રસાયણિક ફેરફાર જ નહીં પરંતુ તેના સિવાયના કેટલાય સામાજિક કારણો વધારે જવાબદાર હોય છે. લેખક પોતે યુવાવસ્થામાં હતાશા એટલે કે ડિપ્રેશનનો શિકાર બનેલ હતા અને ઘણા વર્ષો સુધી એન્ટી ડિપ્રેસન્ટ ગોળીઓ લીધેલી. તબીબી સારવારને કારણે તો તેને કોઈ જાજો અને કાયમી ફાયદો થયો નહીં, પરંતુ જ્યારે તેણે વધારે અભ્યાસ કરીને ડિપ્રેશનના બીજા કારણો શોધવાની કોશિશ કરી અને પોતાની જાતને સામાજિક અને બિનપરંપરાગત ઉપાયો દ્વારા સાજા કરવાની શરૂઆત કરી ત્યાર પછી તેમને સ્પષ્ટ તફાવત દેખાવા લાગ્યો.

પોતાના ખુદના ઉપચાર અને ત્યારબાદ બીજા કેટલાય દર્દીઓ અને હતાશાથી પીડાતા લોકો વિશે અભ્યાસ કરીને તેમજ એ વિષય પર ઉપલબ્ધ સાહિત્યનો અભ્યાસ કરીને તેમણે જે શીખ્યું તેને ‘લોસ્ટ કનેક્શન’ નામના પુસ્તકમાં તેમણે વર્ણવ્યું છે.
આ પુસ્તકનું પેટાશીર્ષક જ સૂચવે છે કે તે ડિપ્રેસનના વાસ્તવિક કારણોને ઉજાગર કરવા અને તેના અનપેક્ષિત ઉપાયો શોધવા માટે લખાયેલું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અભ્યાસ અનુસાર વિશ્વભરમાં ૩૦૦ મિલિયન લોકો ડિપ્રેશનનો શિકાર છે અને આ આંકડો સતત વધતો જાય છે. મોટાભાગના લોકો માને છે કે હતાશા માટે મગજમાં થતા રાસાયણિક ફેરફારો જવાબદાર છે પરંતુ વાસ્તવમાં આ કારણ પૂરતું નથી, તે માત્ર ટીપ ઓફ આઇસબર્ગ જેવું હોઈ શકે. જૈવવૈજ્ઞાનિક, પર્યાવરણીય અને મનોવૈજ્ઞાનિક કારણો હતાશા માટે જવાબદાર હોઈ શકે. યોહાન હેરી ડિપ્રેસન માટે તેમના પુસ્તકમાં નવ કારણો આપે છે.
માણસ પોતાના કામને પસંદ કરે અને તેમાં સંતોષ અનુભવે તે જરૂરી છે. સંતોષકારક કામ અને રોજગારી ન હોવા, પોતાના કામથી ડિસ્કનેક્ટ હોવાને હતાશાના એક કારણ તરીકે વર્ણવવામાં આવ્યું છે. જે વ્યક્તિઓ કાર્યક્ષેત્રમાં કોઈ નિયંત્રણ ન ધરાવતા હોય તેઓ આ કારણ વધારે અનુભવે છે. બીજું કારણ એ બતાવવામાં આવ્યું છે કે જયારે વ્યક્તિ બીજા લોકોથી ડિસ્કનેક્ટ હોય, એકલતા અનુભવે ત્યારે પણ તે હતાશા તરફ ધકેલાઈ શકે. સમાજ અને પરિવાર સાથે સારી રીતે જોડાયેલી વ્યક્તિને હતાશા જલ્દી સતાવતી નથી.
જીવનમાં ઉચ્ચ મૂલ્યોની કમીથી પણ વ્યક્તિ ડિપ્રેસન તરફ જઈ શકે છે. જે લોકો ધર્મ, નીતિમતા અને ઉચ્ચ વિચારોથી જીવતા હોય તેઓનું મનોબળ મજબૂત હોય છે. બાળપણમાં અનુભવાયેલા આઘાતની અસર પણ હતાશા જન્માવી શકે. કેટલાય બાળકો દુઃખદ અનુભવોમાંથી પસાર થતા હોય છે અને તેની અસર મન પર ઘાવ બનીને રહી જતી હોય છે. આ દબાયેલી યાદો અને ભાવનાઓ ક્યારેક જીવનમાં હતાશા પ્રેરે છે.
પોતાની આસપાસના લોકોમાં અને સમાજમાં માનપાન મળે તો વ્યક્તિ ખુશ રહે છે અને સ્વાભિમાનભર્યું જીવન જીવે છે પરંતુ સમાજમાં દરજ્જા અને મોભાની કમીથી પણ વ્યક્તિ ક્યારેક હતાશ થાય છે. નેચર એટલે કે કુદરતનો આપણી તંદુરસ્તી પર ઊંડો પ્રભાવ પડે છે. પર્યાવરણ અને કુદરતથી તાદાત્મ્ય ન ધરાવતા લોકોના હતાશ થવાની શક્યતા વધારે હોય છે.
કહેવાય છે ને કે ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ - તેવી જ રીતે જેમને ઉજ્જવળ ભવિષ્ય દેખાતું હોય તેઓ તત્કાલીન કપરી પરિસ્થિતિને પણ જીવી જાય છે, પરંતુ જે લોકોને સુરક્ષિત અને આશાસ્પદ ભવિષ્ય ન દેખાતું હોય તેઓ પણ જલ્દી ડિપ્રેસ થાય છે. આ બધા કારણો ઉપરાંત વૈજ્ઞાનિકો એવા તરણ પણ પહોંચ્યા છે કે ક્યારેક જિનેટિક અસરથી પણ લોકો ડિપ્રેસન અનુભવે છે. અને આખરે સર્વવિદિત છે તે પ્રમાણે મગજમાં થતાં ફેરફારો પણ ડિપ્રેશનનું એક કારણ છે.
ટૂંકમાં ડિપ્રેસનના અનેક કારણો હોઈ શકે અને તે પૈકી તબીબી કારણ તો એક કે બે જ છે, બાકીના બધા જ સામાજિક અને મનોવૈજ્ઞાનિક કારણો છે જેનો દવા વિના જ ઉપચાર થઇ શકે છે. વ્યક્તિ સમાજ અને પરિવારથી જોડાયેલી રહે, સારા વિચારો અને ઉચ્ચ મૂલ્યોને અનુસરો તેમજ આશાસ્પદ જીવન જીવે તો હતાશા આવવાની સંભાવના બહુ ઓછી થઇ જાય છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus