ફોન વાપરતા તો બધા શીખી ગયા છે, હવે તેના ઉપયોગની એટિકેટ પણ શીખવી રહી

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 30th May 2023 11:46 EDT
 
 

કોઈ તમને પોતાના ફોનમાં એક ફોટો બતાવે તો તે જોઈ લેવો. તેને લેફ્ટ કે રાઈટ સ્ક્રોલ કરીને બીજા ફોટા જોવા નહિ. આપણને ખબર નથી કે બીજું કોઈના ફોનમાં શું હોઈ શકે. ઘણી વાર લોકોની પ્રાઇવેટ મોમેન્ટ ફોનની ગેલેરીમાં હોઈ શકે અને તેઓ તેને તમારી સાથે શેર કરવા ન ઇચ્છતા હોય. ક્યારેક કોઈ એવી ઇમેજ કે વીડિયો હોઈ શકે કે જે જોવા તમારા માટે યોગ્ય ન ગણાય. એવું કરવાથી ક્યારેક તમે અને સામેવાળી વ્યક્તિ બંને શરમજનક પરિસ્થિતિનો શિકાર બની શકો છો. ફોન આપણા રોજબરોજના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છો. તેનો ઉપયોગ ઘણી વાર કોઈને મેસેજ વંચાવવા માટે, ફોટો બતાવવા માટે કે કોઈ માહિતી આપવા માટે કરવામાં આવતો હોય છે. ફોનની સ્ક્રીન ઘણી વાર કાગળ અને પેનનું કામ કરે છે. કેટલીય વખત ફોન દ્વારા આપણે એકબીજાને કોઈ માહિતી કે મનોરંજનની આપ લે કરીએ છીએ. તેના માટે વ્યક્તિ પોતાના ફોન પર કૈંક બતાવે કે કોઈને પોતાનો ફોન કોઈ કારણસર વાપરવા આપે તેવું બનતું હોય છે.
ફોન ઉપયોગમાં લેવાના અને કોઈના ફોનને આપણે હેન્ડલ કરવો પડે ત્યારે તેને સંભાળવાના નવા નિયમો - એટીકેટ આપણે વિકસાવવા પડશે. કોઈને ખરાબ ન લાગે અને કોઈને શરમજનક સ્થિતિમાં ન મુકાવું પડે તે રીતે વર્તન કરવું આવશ્યક છે. ફોન પહેલા આપણા જીવનમાં એટલું મહત્ત્વનું ઉપકરણ નહોતું. આજે આપણે એક કલાક પણ ફોનને આપણાથી અલગ કરી શકતા નથી. કોઈ વ્યવહાર ફોન વિના થતો નથી. દરેક જગ્યાએ ફોનનો ઉપયોગ થાય છે. ફોન વિના સંપર્ક કે સંવાદ શક્ય રહ્યો નથી. એટલા માટે ફોન સંબંધે નવા શિષ્ટાચાર શીખવા આવશ્યક છે. આ વાત ન માત્ર ફોન પરંતુ આઇપેડ કે લેપટોપ માટે પણ લાગુ પડી શકાય છે.
ઘણી વાર આપણે જાહેરમાં બેઠા હોઈએ અને આપણી આસપાસ બેઠેલી વ્યક્તિ ફોન, આઇપેડ કે લેપટોપનો ઉપયોગ કરતી હોય ત્યારે તેની સ્ક્રીન પર ડોકિયું કરવું અને તેમની પ્રાઇવેટ માહિતીમાં નાક ઘુસાડવું અયોગ્ય છે. કોઈ વખત તમે એરપોર્ટ કે કાફેમાં બેઠા હોય, તમારી પાસે કે આગળવાળો વ્યક્તિ કાનમાં એરફોન લગાવીને તેની પત્ની કે પ્રેમિકા સાથે વીડિયોકોલ કરી રહ્યો હોય ત્યારે તેની સ્ત્રીને ફોનની સ્ક્રીન પર તાકવી એ પ્રત્યક્ષમાં કોઈની સ્ત્રીને ઘુરવા જેવું જ અસ્વીકાર્ય કૃત્ય ગણાવું જોઈએ. ઘણા લોકો ઊંચા થઇ થઈને પોતાની આગળ ઉભેલી વ્યક્તિના ખભા પરથી હાથમાં રહેલા ફોનની સ્ક્રીન પર નજર નાખવા જેવી ભૂલો કરતા હોય છે. આ તદ્દન બેશરમીભર્યું કૃત્ય છે અને તે કરનારને સામાજિક વર્તનના પાઠ ભણવાની જરૂર છે.
ક્યારેક ફોન વાપરનાર લોકો પણ અયોગ્ય ગણાય તેવું વર્તન આચરે છે. જેમ કે ઘણા લોકોની વચ્ચે બેસીને મોબાઈલમાં મોટેથી ગીતો સાંભળવા કે ફૂલ વોલ્યુમ પર વીડિયો જોવો. ક્યારેક લોકો સ્પીકર ચાલુ રાખીને મોટા અવાજે વાતો પણ કરતા હોય છે. આ રીતે તેઓ બીજાને ડિસ્ટર્બ કરે છે અને એ ભૂલી જાય છે કે તેઓની પાસે પણ ફોન હોય અને તેમને પણ પોતાની કોઈ પ્રવૃત્તિ કરવા માટે શાંતિની જરૂર હોઈ શકે. જાહેરમાં આ રીતે ફોનનો ઉપયોગ કરતા એરફોનનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય વાત છે પરંતુ આપણા કેટલાય અસામાન્ય લોકો આ વાત સમજતા હોતા નથી.
આખરે અન્ય એક સામાન્ય ગણાય તેવી ભૂલ ઘણા લોકો કરે છે. તેઓ ફોટો કે વીડિયો બનાવતી વખતે અજાણ્યા લોકોને તેમાં આવરી લે છે. કોઈનો ફોટો કે વીડિયો તેમની સંમતિ વિના લેવો અપરાધ ગણાય. કોઈની પ્રાઇવસીનું હનન થયું ગણાય. પોતાના હાથમાં ફોન હોય અને તેમાં કેમેરો હોય એટલે કોઈનો ફોટો કે વીડિયો લેવાનો અધિકાર આપણને મળતો નથી. કેટલાક લોકોએ તો આવા ફોટો કે વીડિયોને સોશ્યિલ મીડિયા પર અપલોડ કરવા જેવી ગંભીર ભૂલો પણ કરેલી છે. તેના માટે તો તેમને જેલમાં પણ જવું પડી શકે છે તે વાતથી કદાચ તેઓ માહિતગાર નહિ હોઈ. જયારે ફોટો/વીડિયો લો ત્યારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમાં અન્ય કોઈ વ્યક્તિને ફોકસ ન કરવા જોઈએ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus