માનવજીવનમાં ઇચ્છાઓનો કોઇ અંત નથી

આરોહણ

- રોહિત વઢવાણા Tuesday 27th June 2023 05:44 EDT
 
 

દુનિયા વિકસતી જાય છે અને આપણા સૌનું જીવન ધીમે ધીમે આર્થિક અને સહૂલિયતની બાબતમાં સમૃદ્ધ બનતું જાય છે. મધ્યમ વર્ગમાં હોઈએ તો પણ હવે આપણા પૂર્વજોની માફક ચીજવસ્તુઓના અભાવમાં જીવવું પડતું નથી. લોકોનું જીવનધોરણ બદલાયું છે, સુધર્યું છે અને આવશ્યક વસ્તુઓ તો સૌને ઉપલબ્ધ બની જ રહે છે પરંતુ ઇચ્છનીય વસ્તુઓ કે સેવાઓ મેળવવામાં પણ ખાસ તકલીફ પડતી નથી. જેમ જેમ આપણી જરૂરિયાતો અને ઈચ્છાઓ પુરી થવા લાગે છે તેમ તેમ આપણને પણ કંઈક નવું કરવાની કે મેળવવાની તાલાવેલી જાગે છે. મનમાં કઈંક નવો અનુભવ કરવાનો ઈરાદો ઉભો થાય છે. આવી ઉત્કંઠાઓ આપણને નવા નવા અખતરા કરવા પ્રેરે છે.

તાજેતરમાં ટાઇટેનિકના ભંગારને જોવા મહાસાગરના તળિયે જવા નીકળેલા પાંચ લોકોના મૃત્યુ થઇ ગયા. ટાઇટન નામના સબમર્સીબલમાં પાંચ મુસાફરો કે જેમણે મોટી રકમ આપીને પૂર્વ એટલાન્ટિક મહાસાગરના તળિયે પડેલા ટાઇટેનિકનો કાટમાળ જોવા જવા માટે સફર કરી હતી તેમની સાથે મુખ્ય જહાજ પોલાર પ્રિન્સનો સંપર્ક તૂટી ગયો. ટાઇટન સબમર્સીબલનો અકસ્માત થયો હોય તેવી સંભાવના વહેતી થઇ. તેમાં સફર કરી રહેલા પાંચેય વ્યક્તિઓ પણ સમુદ્રમાં ડૂબી ગયા કેમ કે આટલી ઊંડાઈથી કોઈ તરીને પાછું આવી શકે તેની શક્યતા નહિવત છે. ટાઇટેનિકનો કાટમાળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના તળિયે લગભગ 13,000 ફૂટની ઊંડાઇએ પડ્યો છે. જેમ જેમ પાણીમાં ઊંડા જતાં જઈએ તેમ તેમ દબાણ એટલું વધતું જાય છે કે વ્યક્તિ તેને સહન ન કરી શકે. સારી રીતે બનાવવામાં ન આવી હોય તો સબમરીન પણ પાણીના આ દબાણથી ફાટી જાય તેવી શક્યતા છે. એક અટકળ એવી પણ છે કે જે સબમર્સીબલ પાણીમાં ગયેલી તે કદાચ ફાટી ગઈ હોય.

આ ઘટના આપણી સામે એક પ્રશ્ન ઉભો કરે છે કે આટલા ભણેલાગણેલા અને સમૃદ્ધ લોકોએ પાણીની અંદર જઈને ટાઇટેનિક જોવા માટે શા માટે આટલા પૈસા ખર્ચીને મોટો ખતરો ઉઠાવ્યો? તેમને આ રિસ્ક લેવાની કોઈ જ આવશ્યકતા નહોતી. તેમના પર કોઈએ દબાણ નહોતું મૂક્યું કે તેઓ આવું જોખમ ઉઠાવે. ન તો કોઈએ તેને સમુદ્રના તળિયે જવા માટે પૈસા આપ્યા હતા. ઉલ્ટાના તેઓ જાતે જ પોતાના પૈસા ખર્ચીને ગયા હતા. જોકે આ પહેલા પણ લોકો ઓશનગેટ નામની કંપની દ્વારા ચલાવાઈ રહેલા આ પ્રવાસમાં ગયા છે. આ સફરમાં તો કંપનીના સીઈઓ જાતે પણ સફર કરી રહ્યા હતા અને તેનું પણ કમનસીબે મૃત્યુ થયું છે. અગાઉ થયેલી મુસાફરીઓ અને ખુદ કંપનીના સીઈઓનું પણ તેમાં હોવું આપણને વિચારવા મજબુર કરે છે કે શા માટે આવી ખતરનાક મુસાફરી લોકો કરતા હશે? જ્યાં કોઈ જ ન જતું હોય, જ્યાં સામાન્ય રીતે માનવજીવન શક્ય ન હોય તેવી સમુદ્રની ઊંડાઈમાં જવાનું જોખમ શા માટે?

શું આવું પર્યટન કરનાર લોકો નાહકના ખતરા ઉઠાવતા હોય છે? અવિચારી પગલું ભરતાં હોય છે? આ પ્રશ્નના જવાબમાં કોઈ એવી દલીલ પણ આપી શકે કે અકસ્માત તો ક્યાંય પણ થઇ શકે. મોટરગાડીઓનો પણ અકસ્માત થાય છે અને તેમાં પણ કેટલાય લોકોના જીવ જાય છે. લોકો ટ્રેકિંગ કરવા જાય છે કે માઉન્ટ એવરેસ્ટ ચડવા જાય છે ત્યાં પણ કેટલાય લોકોના મૃત્યુ થતા હોય છે તો શું લોકો કઈ નવું કરે જ નહિ? જીવનમાં ખતરાથી ડરીને બેસી જઈએ તો તો કંઈ જ ન કરી શકીએ. તેની વિરુદ્ધ એવું પણ કહી શકાય કે જેની આવશ્યકતા જ નથી, જેનો જીવનમાં કોઈ ફાયદો કે ઉપયોગીતા જ નથી તેવા ખતરા લેવા એક પ્રકારનું અવિચારી પગલું છે. આ રીતે આમનેસામને દલીલો ચલાવી શકાય, પરંતુ તેનાથી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય તેવું લાગતું નથી. જે લોકોને સાહસ કરવા ગમે છે તેઓ માટે આવા પ્રવાસ રોમાંચકારી પ્રસંગ હોય છે. તેમને એક પ્રકારના રોમાંચનો અનુભવ થાય છે જેને કારણે તેઓ આવા નિર્ણય કરે છે.

આ ઘટના તો આપણા માટે એક ઉદાહરણ છે. વાત મહત્ત્વની એ છે કે જયારે વ્યક્તિ પાસે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ હોય, તેની નાની-મોટી બધી ઈચ્છાઓ પુરી થઇ ગઈ હોય ત્યારે તે જીવનમાં અલગ પ્રકારનો રોમાંચ શોધવા લાગે છે. જીવનમાં તૃપ્તિ માત્ર જરૂરિયાતની વસ્તુઓથી થતી નથી, તેના માટે ઈચ્છાઓ જવાબદાર હોય છે જેનો કોઈ અંત નથી.
(સબમર્સીબલના અકસ્માતમાં મૃત્યુ પામેલા પાંચેય પ્રવાસીઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના.)

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus