શું આપણે ક્યારેય પોતાના ભૂતકાળ સાથે છેડો ફાડી શકીએ? શું કોઈ પોતાના પૂર્વજોથી સંપૂર્ણપણે અલગ હોઈ શકે?

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 04th October 2022 07:28 EDT
 

આ વર્ષનું તબીબી વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક ડો. સ્વાન્તે પાબો નામના વૈજ્ઞાનિકને આપવામાં આવશે તેવું જાહેર થયું છે. સ્વાન્તે પાબોએ આપણા લાખો વર્ષ પહેલાના પૂર્વજોના ડીએનએ પર કામ કર્યું છે. 40 હજાર વર્ષ પૂર્વે આ પૃથ્વી પર જીવતા નિએન્ડરથલ માનવીઓના અવશેષોમાંથી ડીએનએ મેળવીને તેની પુરી શૃંખલા તૈયાર કરવાનું કાર્ય પાબોએ કર્યું છે. તેમના સંશોધનને કારણે આનુવંશિકતા અંગે એક તદ્દન નવી અભ્યાસની શાખા પણ અસ્તિત્વમાં આવી છે.

જયારે વિશ્વ 5-G જેવી આધુનિક તકનીક પર કામ કરી રહ્યું છે, મેટાવર્સ તૈયાર થઇ રહ્યું છે અને લોકો પૃથ્વી છોડીની ચંદ્ર અને મંગળ પર વસાહત બનાવવાનું વિચારી રહ્યા છે ત્યારે પણ વિશ્વને અને વિજ્ઞાનને અનુવંશિકતામાં કેટલો રસ છે તે આ નોબેલ પારિતોષિક પરથી સ્થાપિત થાય છે. આપણે ભલે કેટલાય આગળ વધીએ, કોઈ પણ દિશામાં જઈએ પરંતુ આપણું મૂળ હંમેશા આપણને જકડી રાખે છે. ડો. પાબોના અભ્યાસ પરથી એ તારણ પણ નીકળે છે કે આપણી આનુવંશિકતા આપણા આરોગ્ય તેમજ અસ્તિત્વ પર ઊંડી અસર કરે છે, અને તેનો ઉદ્ભવ હજારો નહિ લાખો વર્ષ પૂર્વે હોઈ શકે છે.
આજથી 40 હજાર વર્ષ પહેલાના નિએન્ડરથલ પ્રકારના માનવ પૂર્વજની એક આંગળીનો અવશેષ ક્રોએશિયા - સર્બિયાના બરફમાંથી મળી આવેલો. તેનો અભ્યાસ કરીને ડો. પાબોએ નિએન્ડરથલના ડીએનએની ૩ બિલિયન જોડીઓ તૈયાર કરી. તેમણે જર્મની, રશિયા અને સ્પેનમાંથી પણ અવશેષો પ્રાપ્ત કરેલા. આજે પૃથ્વી પર જીવે છે તે માનવીનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિએન્સ છે અને તેઓ આફ્રિકાથી લગભગ 70 હજાર વર્ષ પહેલા માઈગ્રેટ થયા અને એશિયા તથા યુરોપમાં સ્થાયી થયા. ડેનીસોવનસ પ્રકારના માનવીઓ અને નિએન્ડરથલ વચ્ચે 4 થી 8 લાખ વર્ષ પહેલા સંપર્ક થયો હોઈ શકે અને તેઓ એકબીજા સાથે રહેતા હોય તેવું બની શકે. આજે આ બંને પ્રકારના પૂર્વજોના ડીએનએ હોમો સેપિયન્સમાં અમુક પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
આવી વૈજ્ઞાનિક શોધ આપણને ફરીથી એક વાર વિચારવા મજબૂર કરે છે કે શું આપણે ક્યારેય પોતાના ભૂતકાળ સાથે છેડો ફાડી શકીએ? કોઈ પોતાના પૂર્વજોથી સંપૂર્ણપણે અલગ હોઈ શકે? અને જો હોય તો કેટલા અંશે? આપણે સક્રિય રીતે કેટલોય પ્રયત્ન કરીએ પરંતુ આપણું જિનેટિક મેકઅપ એટલે કે આનુવંશિકતા તો કોઈને કોઈ રીતે આપણા વડવાઓના કોઈક ગુણ આપણામાં લાવવાની જ છે. બીજી વાત એ પણ મહત્ત્વની છે કે જો આપણે બધા જ એક સમયે કોઈ એક પ્રકારના પૂર્વજમાંથી આવ્યા હોઈએ તો પછી આજે જે અલગ અલગ પ્રકારના ભેદભાવો માનવી વચ્ચે ઉભા થયા છે તે કેટલા યોગ્ય છે? કોઈ પુત્રની આનુવંશિકતા અંગે, પોતાના વંશ અંગે ગૌરવ લે તો તે કેટલું યોગ્ય અને કેટલું સાચું?
આખરે એ તથ્ય આપણી સામે આવીને ઉભું રહે છે કે આપણા સૌનું જીવન એવા પાયારૂપ આવરણો પર આધારિત છે કે જેના મૂળ લાખો વર્ષો પહેલાના આપણા વંશજોમાં મળી આવે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીએ અને સૌમાં સમાનતા જોવાનો પ્રયત્ન કરીએ તો ઘણીખરી સમસ્યાઓ આપમેળે જ ઉકલી જાય. ઉપરાંત, આ વાસ્તવિકતા આપણને એ વાતથી પણ વાકેફ કરાવવા માટે પૂરતી છે કે આપણી પહેલા કેટલાય લોકો આવીને જતા રહ્યા જેમના અવશેષ પણ પ્રાપ્ત થતા નથી તો આપણને કોઈ વાતને લઈને ઘમંડ કે અભિમાન કરવાનો કોઈ હક નથી.
વિજ્ઞાન જેટલું જેટલું ભવિષ્યમાં પ્રગતિ કરતું જાય છે તેટલી જ ભૂતકાળને જાણવાની અને આપણા ઉદ્ભવને જાણવાની તેની જિજ્ઞાસા વધતી જાય છે. આ જિજ્ઞાસાનો સંતોષ ધાર્મિક કે તાર્કિક નહિ, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધવાના પ્રયત્નો અવિરત ચાલી રહ્યા છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ આ દિશામાં ખુબ મોટું પગલું ગણાય છે અને તેના પછી કેટલાય નવા આવિષ્કારો થયા છે. માનવજીવનની ઉત્ક્રાંતિ અને પરિભ્રમણ સમજવાનો આ વૈજ્ઞાનિક પ્રયાસ ઘણી વાર બિરદાવાયો છે અને આ વખતે ફરીથી તબીબી વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત કરીને તે દિશામાં ખુબ સારું પગલું ઉઠાવાયું છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકનાં અંગત છે.)


comments powered by Disqus