શું તમે તમારી અંદર છુપાયેલા ઓછાયાને ઓળખો છો?

- રોહિત વઢવાણા Wednesday 16th April 2025 06:31 EDT
 
 

તમારી અંદર છુપાયેલા પડછાયાને ઓળખો છો? મનોવિજ્ઞાનના અભ્યાસ અનુસાર દરેક વ્યક્તિની અંદર એક પડછાયો હોય છે જે વ્યક્તિનું જ બીજું રૂપ છે પરંતુ સામાન્ય રીતે સામે આવતું નથી. આ એવું વ્યક્તિત્વ છે જે વ્યક્તિ પોતાની અંદર છુપાવીને રાખે છે, સમાજની સામે લાવતી નથી, ક્યારેક તો પોતે પણ તેને સ્વીકારતી નથી. તેના માટે કારણો તો અનેક હોઈ શકે પરંતુ આ પડછાયારૂપી વ્યક્તિત્વ જીવનના વિકાસ કે રકાસમાં ઘણો મોટો ભાગ ભજવે છે અને તેને ઓળખવું આવશ્યક છે. તેના પર કામ કરવું જરૂરી છે. તેની સાથે સંવાદ સાધવો અનિવાર્ય છે.

વ્યક્તિના બાળપણના માનસિક ઘાવ, ભૂતકાળમાં થયેલા બેવફાઈ, દગા, પીડા, યાતના, વાસના, ઈર્ષ્યા વગેરે બધું આ અંદર છુપાવી રાખેલા પડછાયાના વ્યક્તિત્વનો ભાગ બને છે. જેથી કરીને તે ઘણીવાર વિકૃત વિચારે છે. સમાજમાં સ્વીકૃત ન હોય તેવી ઈચ્છાઓ રાખે છે. ઉપરથી સભ્ય વર્તન કરવા છતાંય વ્યક્તિની અંદરનો આ પડછાયો તેને વારે વારે સમાજમાં અસ્વીકાર્ય હોય તેવા સંદેશ અને પ્રેરણા આપ્યા કરે છે. જયારે તેની પ્રેરણા હાવી બને ત્યારે વ્યક્તિ ગુનાહિત પ્રવૃતિઓ આચરે છે. પોતાના બાહ્ય વ્યક્તિત્વ પર આંતરિક પડછાયાનો પ્રભાવ પડતા માણસ ગેરકાયદે કે અનૈતિક પ્રકારની વિચારસરણી અને વર્તનનો ભોગી બને છે.

આવા પડછાયાને ઓળખવો, તેને લાગેલા ઘાવ સમજવા, તેનામાં છુપાયેલી વિકૃતિઓ જાણવી અને તેની પાછળના કારણો સમજવા જરૂરી છે. જો તેને માત્ર દબાવ્યા કરીએ, તેનો નિકાલ ન લાવીએ તો શક્ય છે કે અંદરથી આપણું મન કચવાયા કરે, અને તે પડછાયો ક્યારેક પોતાનું માથું ઊંચકીને આપણા પર હાવી બની જાય. મનોવૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર આ પ્રકારના પડછાયારૂપી વ્યક્તિત્વને સમજવું અને તેને સમારવું અતિ આવશ્યક છે.

પોતાના આ પડછાયારૂપી વ્યક્તિત્વને કેવી રીતે સંભાળવું તેના માટે અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જે પૈકી એક સરળ ઉપાય છે કે પોતાની અંગત જર્નલ - નોંધપોથી બનાવવી. તેમાં નિયમિત રીતે પોતાની અંદર આવતી લાગણી અને વિચારો નોંધવા. ખાસ કરીને એ વિચારો જેને તમે બીજા લોકો સામે વ્યક્ત ન કરી શકો કે જેના પર તમે અમલ ન કરી શકો. આ નોંધપોથીને સમયે સમયે વાંચતા રહો. તેવું કરવાથી તમને પોતાના અંદરના એ પડછાયાને ઓળખવાની તક મળશે. તમે જાણી શકશો કે તમારી અંદર શું ચાલી રહ્યું છે. પોતાના એ વ્યક્તિત્વને ઓળખો અને તેને સ્વીકારો. તેનાથી માયુસ થવાની કે શરમ અનુભવવાની જરૂર નથી. તેને સ્વીકારો અને પછી તેને સમારવા માટે પ્રતિબદ્ધતા કેળવો. નિર્ણય કરો કે તમે પોતાના બાહ્ય વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવા જેટલી મહેનત કરો છો તેટલી જ અંદરના વ્યક્તિને સમારવા માટે પણ કરશો.

વ્યક્તિ જયારે પોતાની અંદર આ રીતે જોવા લાગે, પોતાના આંતરિક વ્યક્તિત્વને ઓળખાવા લાગે, અને તેના પર જે કામ કરવું પડે તે કરવા પ્રતિબદ્ધ હોય ત્યારે નવી શરૂઆત થાય છે. જો પોતાની અંદર ગુસ્સો, ઈર્ષ્યા કે ધિક્કાર જેવી લાગણીઓ હોય તો તેને દૂર કરો, પોતાને બીજા કોઈની સાથે સરખાવવાનું બંધ કરો. એ વાત જાણો કે તમારું જીવન સ્વતંત્ર છે અને કોઈની પ્રગતિ કે સફળતાથી તમારા જીવનમાં કોઈ જ કમી આવવાની નથી. ધીમે ધીમે આ લાગણી ઉદ્ભવવાના કારણો શોધો અને તેમને દૂર કરવા પ્રયત્ન કરો. શક્ય છે કે કારણ તમારી પરવરિશમાં કે બાળપણની કોઈ ઘટનાઓમાં છુપાયેલું હોય. તેમને પણ વિગતવાર ચકાસો અને નોંધપોથીમાં લખો. તેમને આજની ઘટનાઓ અને પોતાના વિચારો સાથે સરખાવો.

આપણે પોતાના પડછાયારૂપી વ્યક્તિત્વને જેટલું શુદ્ધ બનાવી શકીએ તેટલું સારું. જેટલા સારા આપણે બહારથી દેખાતા હોઈએ તેનાથી પણ વધારે સારું આપણું આંતરિક વ્યક્તિત્વ હોવું જોઈએ. તેના માટે સતત અંતઃપરીક્ષણ કરવું આવશ્યક છે. આંતરિક દોષોને ધીમે ધીમે દૂર કરીને આપણે ઇચ્છીએ તેટલું શુદ્ધ જીવન અને વ્યક્તિત્વ અપનાવી શકીએ છીએ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus