તમે શ્રેષ્ઠ જીવન જીવવા ઈચ્છો છો કે સંતુલિત એ મોટો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ સામાન્ય રીતે બીજાને ઈર્ષ્યા આવે તેવું જીવન ઈચ્છે છે. આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોતાના, પરિવારના અને પોતાની પ્રવૃતિઓના ફોટો મૂકીને લોકોને બતાવવા ઇચ્છતા હોઈએ છીએ કે આપણું જીવન કેટલું સુંદર છે. કેટલું પરફેક્ટ છે. પોતાની મોંઘી ગાડી, સારા રેસ્ટોરાંમાં જમવાનું, મોટી હોટેલમાં રોકાવાનું, પ્લેનમાં ફરવાનું, પ્રખ્યાત લોકોને મળવાનું - એ બધું સોશ્યિલ મીડિયામાં મૂકીને સૌને મોહિત કરવા લોકો પ્રયત્ન કરતા હોઇએ છીએ. પરંતુ આવું શ્રેષ્ઠ જીવન જીવનારા લોકો શું સંતુલિત જીવન જીવે છે?
સંતુલિત જીવનના અનેક પાસા છે. જેમાં જીવનના ચારેય સ્તંભને સમાન રીતે વિકસિત કરવા પડે છે. પોતાનું આરોગ્ય, કારકિર્દી, પરિવાર અને અધ્યાત્મનો સમાવેશ થાય છે. આ ચારેય પાસા ગાડીનાં ચાર પૈડાં જેવા છે. જે રીતે ચારમાંથી એકેય પૈડાંમાં પંચર પડી જાય તો ગાડીને બીજા ત્રણ વ્હીલ ચલાવી ન શકાય તેવી જ રીતે જીવનમાં પણ આ ચારેય સ્તંભમાંથી જો એકેય પડી ભાંગે તો જીવનની ઇમારત ધ્વસ્ત થઇ જાય છે. તેવી જ રીતે જો એકાદ વ્હીલમાં હવા ઓછી હોય કે બહુ વધારે હોય તો જે રીતે ગાડીનું બેલેન્સ બગડે છે, તેવું જ જીવનનું થાય છે. કોઈ એકાદ સ્તંભને અવગણી દેવાથી જો તે નબળો રહી જાય કે વધારે પડતું મહત્ત્વ આપીને અન્ય સ્તંભો કરતા વધારે ઊંચો બનાવી દઈએ તો પણ જીવનનું બેલેન્સ બગડે છે.
સોશ્યિલ મીડિયામાં શ્રેષ્ઠ દેખાતું જીવન સામાન્ય રીતે પૈસા અને સંપત્તિના ઝબકારામાં ચમકે છે. આવા ઝબકારા બતાવવા માટે ઘણીવાર લોકો પોતાના જીવનના બીજા અનેક પાસાઓને અવગણી દેતા હોય છે. લોકોની નજરમાં આવવા માટે પોતાની કારકિર્દી અને આર્થિક સ્થિતિને મજબૂત કરવા દોડ્યા કરનારા લોકો પરિવારને અવગણી દે તો જીવન સંતુલિત થયું કહેવાય? બહારના દેખાવને માટે થઈને પોતાના આંતરિક વિકાસને ભૂલી જનારા લોકો કેવી રીતે જીવનમાં બેલેન્સ બનાવી શકે? આ રીતે બહુ દેખાડો કરનારા લોકો મહદંશે પોતાના જીવનને સંતુલિત રાખતા નથી. ભલે તેમનું જીવન શ્રેષ્ઠ દેખાતું હોય પરંતુ તે સંતુલિત હોતું નથી.
તમારે સંતુલિત જીવન જોઈએ છે કે ચમકદમક વાળું તે તમારે નક્કી કરવાનું છે. બહુ દેખાવ ન થાય તો ચાલે, પરંતુ બધા પાસાઓ પર ધ્યાન અપાતું હોય તે જરૂરી છે. એકાવનમો જન્મદિવસ ઉજવી રહેલા એક ધનાઢ્ય વ્યક્તિ પોતે કાપેલી કેક ખાઈ ન શક્યા કેમ કે તેમના ડાયાબિટીસે માજા મુકેલી. શ્રેષ્ઠ અંતરપ્રેન્યોરનો એવોર્ડ લેવા જઈ રહેલ એક મહિલાના પતિ અને બાળકો તેને છોડીને બીજા ઘરમાં રહેતા હતા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નહોતા. આવા કેટલાય કિસ્સાઓ આપણી સામે બનતા હોય છે. એક ક્ષેત્રમાં ખુબ સારું કરનાર લોકો જીવનના બીજા ત્રણ પાસાઓને અવગણી દે ત્યારે તેનું બેલેન્સ બગડે છે.
જીવનમાં ચારેય સ્તંભોનું સંતુલન જરૂરી છે. તેમનો વિકાસ એકસરખો અને એકસાથે થાય તે અનિવાર્ય છે. આજે એક સ્તંભ પર ધ્યાન આપીએ અને પાંચ વર્ષ પછી બીજા ત્રણ સ્તંભોને જોઈ લઈશું તેવું શક્ય નથી. માણસે પોતાના જીવનને દરેક વખતે સંતુલિત રાખવું પડે છે. એક સમયે એક પાસા પર ધ્યાન આપીને તેને મજબૂત કરી લેવાથી બીજામાં જે લોસ થાય છે તે ફરીથી ક્યારેય ભરી શકતો નથી. તનતોડ મહેનત કરીને પોતાના પરિવારનું સુખ જોવાના એવા કેટલાય ભલા માણસ છે જેઓએ પોતાના આરોગ્યનો ખ્યાલ કર્યો ન હોય, અને પછી ફરીથી ક્યારેય તેમને સંપૂર્ણ તંદુરસ્તી પ્રાપ્ત ન થઇ હોય. ભલે ઉદેશ્ય ગમે તે હોય, પરંતુ તમારા જીવનમાં તમે ચારેય પાસાઓ પર ધ્યાન નહિ આપો અને તે ડગમગી જશે તો ફરીથી તેને સ્થિર કરવું શક્ય નહિ બને. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)

