સરળતાની શક્તિ અને હળવાશની મજા

- રોહિત વઢવાણા Wednesday 17th June 2026 04:45 EDT
 
 

આજનો સમય સોશિયલ મીડિયાનો છે. લોકો દેખાદેખી કરીને થાકતા નથી. પિઝા ખાય કે કોફી પીવે તો તેનો પણ ફોટો ઇન્સ્ટાગ્રામ પર મૂકે છે. વાળ આડા-અવળા કરીને લોકોની કમેન્ટ માંગે છે. નવા ચપ્પલ, ટીશર્ટ કે પેન્ટ લીધા હોય તો લોકોને બતાવવા આતુર થાય છે. અરે, માત્ર રવિવારે સાંજે મોલમાં ચક્કર મારવા ગયા હોય તો પણ મોટી ઉપલબ્ધી મેળવી હોય તે રીતે સ્ટાઇલ મારીને પોતાના ફોટો સોશિયલ મીડિયા પર મૂકે છે એટલું જ નહિ પરંતુ લોકો તેને લાઈક કરે અને કમેન્ટ કરીને વખાણ કરે તેવી અપેક્ષા રાખે છે. કમનસીબે જો કમેન્ટ ઓછી આવે તો રાત્રે તેમને ઊંઘ આવતી નથી. કોઈના ફોટો પર પોતે લાઈક કર્યું હોય અને કમેન્ટ કરી હોય અને જો તેના તરફથી લાઈક અને સારી કમેન્ટ ન મળે તો નારાજ થઇ જાય છે.

આવી દુનિયામાં જીવનારા આપણે લોકો સરળતા અને હળવાશ ભૂલી ગયા છીએ. આપણે બધું જ સ્ટાઈલમાં કરવું છે અને ઝડપી કરવું છે. લોકોને બતાવવું છે અને તેમના તરફથી સ્વીકૃતિ મેળવવી છે. સૌને દેખાદેખીમાં બધું જ કરી લેવું છે. સારા રેસ્ટોરાંમાં જવું છે. સ્પોર્ટ્સમાં સમય આપવો છે. એકબીજા સાથે સરખામણી કરી કરીને, તેને સોશિયલ મીડિયા પર દેખાડીને લોકો પોતાને બીજા કરતા ચડિયાતા સાબિત કરવાની રેસમાં લાગ્યા છે. તેને કારણે પોતાની સફળતા નાની લાગે છે. પોતાનું જીવન બીજાની સામે ક્ષુલ્લક લાગે છે. સંતોષ જીવનમાંથી ગાયબ થઇ જાય છે. ચિંતા અને વ્યગ્રતા જાણે જીવનનો હિસ્સો બની ગયા છે.

પરંતુ સરળતા એક શક્તિ છે તે વાત લોકો ભૂલી જાય છે. જે માણસ આજના સમયમાં સરળ બનીને રહી શકે, દેખાડો કર્યા વિના જીવન જીવી શકે તે આંતરિક રીતે કેટલો મજબૂત હોઈ શકે તે સમજવા જેવી વાત છે. વાસ્તવમાં તો આજે કોઈ સારા રેસ્ટોરાંમાં જમીને આવે, અને સોશિયલ મીડિયા પર ફોટો મુક્યા વિના ઊંઘી શકે તે મનનો રાજા ગણાય. તેને જગ જીતી લીધું એવું માનવું જોઈએ. જે રીતે આધ્યાત્મમાં પાંચ ઇન્દ્રિયોને જીતવાની વાત કરવામાં આવી છે તે રીતે આજે સોશિયલ મીડિયાના પ્રલોભનને છઠ્ઠી ઇન્દ્રિય માનવી જોઈએ અને જે તેને જીતી જાણે તેને મોક્ષની નજીક પહોંચ્યા જેટલું સમ્માન મળવું જોઈએ. સરળતા જાળવી રાખવી, તેને જ જીવનનું સ્તર બનાવવું એ બહુ મોટી વાત છે. જે માણસ આ શક્તિ કેળવે તે જીવનને પોતાના નિયંત્રણમાં કરી શકે છે.

તેવી જ રીતે હળવાશનું પણ આગવું મહત્ત્વ છે. જે વ્યક્તિ આજની દોડધામવાળી દુનિયામાં હળવાશનો સ્વીકાર કરી શકે. સવારે ઉઠીને ફોન પર સ્ક્રોલિંગ કરવાને બદલે ચા પીતા પીતા છાપું વાંચી શકે તે જીવનનો સાચો આનંદ માણી રહ્યો છે તેવું જાણવું. બપોરે જમ્યા પછી જો કોઈને અડધો કલાક ઊંઘ આવી શકતી હોય, રાત્રે પરિવાર સાથે બેસીને કે મિત્રો સાથે ગપ્પા મારીને જેને કંટાળો ન આવતો હોય તે માણસનું મનોબળ તો કેટલી ઊંચાઈનું હોય તેની આપણે માત્ર કલ્પના જ કરી શકીએ. કારણ કે આવી હળવાશ જીવનમાંથી અદૃશ્ય થઇ રહી છે. તમારી આસપાસ કેટલા લોકો છે જે સામાજિક મેળાવડા, કાર્યક્રમો અને સોશિયલ મીડિયાથી દૂર રહીને આ રીતે હળવું જીવન જીવી રહ્યા છે? ભાગ્યે જ તમે કોઈને ઓળખાતા હશો જે કોઈની સ્વીકૃતિ મેળવવાની દોડમાં સામેલ નહિ હોય. કોઈ પોતાના જીવનને, પ્રવૃત્તિઓને સ્વીકૃતિ આપે, પ્રસંશા કરે અને માન્યતા આપે તેવી આકાંક્ષા રાખ્યા વિના, બીજા કરતાં આગળ વધવાની લાલસા કર્યા વિના જો પોતાના દિવસો પસાર કરતા હોય તો તેના જેવું હળવું જીવન મેળવવાની ઈર્ષ્યા થવી જોઈએ.

ટૂંકમાં, આજે જે પ્રકારનો સમય ચાલી રહ્યો છે તેમાં તમે સરળતા અને હળવાશને પોતાના જીવનમાં સ્થાન આપી શકો તો તે સાંસારિક બંધનો તોડ્યા જેવું મહાન કર્યા ગણાય. સરળતાની શક્તિ સમજાઈ જાય અને હળવાશની મજા માણતા આવડી જાય તો તે માણસે બીજું કશું જ શીખવા જેવું રહેતું નથી. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus