થોડા સમય પહેલા નેટફ્લિક્સ પર નવી ફિલ્મ આવી છે: BRICK (બ્રિક) - એટલે કે ઈંટ. આ ફિલ્મમાં અચાનક જ એક યુગલના ઘરની બહાર ઇંટની દીવાલ આવી જાય છે. દરવાજા, બારીઓ અને દીવાલ - બહાર નીકળવાનો દરેક માર્ગ ઈંટની દીવાલથી બંધ થઇ જાય છે. અને આ ઈંટ જેવી તેવી નથી. ડ્રિલ કે હથોડાથી પણ આ ઈંટ તૂટતી નથી. તેમાં ચુંબકીય બળ પણ હોય છે. આ સ્થિતિમાં ફસાયેલા યુગલ માટે બહાર નીકળવાનો રસ્તો શું ખુલી શકશે અને તેના માટે તેઓ કેવા કેવા પ્રયત્નો કરે છે તેનું નિરૂપણ કરતી આ ફિલ્મ તો સારી જ છે પરંતુ તેને જોતાં આપણા મનમાં અનેક સવાલ ઉભા થાય છે. તે પૈકી એક સવાલ એ છે કે શું આપણે પણ કોઈ આવી અદ્રશ્ય ઈંટની દીવાલની અંદર કેદ છીએ? અને તેમાંથી નીકળવાના કોઈ પ્રયત્ન કરીએ છીએ ખરા?
શું તમે જીવનમાં પોતાની આસપાસ કોઈ અદ્રશ્ય દીવાલ ચણી રાખી છે જેમાંથી બહાર જવાનો માર્ગ કરવો મુશ્કેલ હોય? જીવનમાં આપણે પોતાના પર કેટલીય મર્યાદાઓ બાંધી દેતા હોઈએ છીએ. મારાથી એવું ન થાય, તેવું ન થાય. મારાથી આ ન ખવાય, તે ન ખવાય. હું તેની સાથે વાત ન કરું, તેની સાથે વ્યવહાર ન રાખું. હું આ કામ કરવા સમર્થ નથી, કે તે કામ મારા ગજા બહારનું છે, વગેરે વગેરે રીતે આપણે પોતાને કેટલીય ઈંટની દીવાલોમાં બાંધી દેતા હોઈએ છીએ. મારી આર્થિક સ્થિતિ નબળી છે, મારો અભ્યાસ ઓછો છે, મારી શારીરિક ક્ષમતા ઓછી છે, વગેરે જેવી મર્યાદાઓની દીવાલો ચણીને આપણે ક્યારેય તેનાથી બહાર નીકળવાની કોશિશ જ કરતાં નથી.
આટલો મોટો પહાડ હું નહિ ચડી શકું. મારાથી ટ્રેકિંગ ન થાય. યોગ આપણું કામ નહિ. અંગ્રેજી આપણા મગજમાં ન બેસે. કોમ્પ્યુટરને ને આપણે તો છત્રીસનો આંકડો. વગેરે જેવા વિધાનો બોલનાર માણસ એ વાતથી વાકેફ હોતો નથી કે તે માત્ર એકાદ કળા કે આવડતથી વંચિત રહેતો નથી પરંતુ પોતાની સમક્ષ મોજુદ એવી નવી ક્ષિતિજો તરફ જવાના રસ્તામાં દીવાલો ચણી દે છે. પોતાના માર્ગ બંધ કરી દે છે. પોતાની પ્રગતિ રૂંધી નાખે છે. માત્ર એક જ દિશામાં નહિ, પરંતુ ‘બ્રિક’ ફિલ્મની જેમ દરેક બારી - દરવાજા ઈંટની દીવાલોથી બંધ કરી દે છે. વળી ઘણીવાર આ ઈંટો પણ એવી હોય છે કે તે કોઈ ડ્રિલ કે હથોડાથી તૂટી ન શકે. અને તેમની આવી મજબૂત બનાવવાનું કામ પણ આપણે પોતે જ કર્યું હોય છે.
શા માટે પોતાના જીવનના માર્ગને અવરોધવા? શા માટે પોતાની પુરી ક્ષમતાનો ઉપયોગ ન કરવો? શા માટે - ચાલ પ્રયત્ન કરી જોઈએ - એવું કહીને કોશિશ ન કરવી? જો આવો અભિગમ કેળવીએ તો જ પહેલાથી ચણાયેલી ઈંટોની દીવાલોને તોડવાના રસ્તા શોધવાની પ્રેરણા મળે. તો જ આપણે જાણી શકીએ કે આજ સુધી કેવી કેવી ઈંટની દીવાલો આપણી આસપાસ બંધાયેલી હતી અને તેના કારણે આપણે કેટલા બંધનો ભોગવવા પડ્યા છે. જો તે ન હોત તો આપણી આજની સ્થિતિ ઘણી બહેતર હોત. આજે છે તેના કરતા વધારે ક્ષમતા, આવડત, સમૃદ્ધિ અને સફળતા આપણી પાસે હોત.
પરંતુ આ ત્યારે જ શક્ય છે જયારે આપણે આ ઈંટની દીવાલને તોડવાનો પ્રયત્ન આદરીયે. તેને તોડવી શક્ય નથી તેવું વિચારીને જો આપણે ઘરમાં બંધ થઈને બેસી રહીએ, અને ઉપલબ્ધ હોય તેટલા પુરવઠા સુધી જીવન ચલાવી લેવાની પરાજયયુક્ત માનસિકતા કેળવી લઈએ, કે પછી બીજું કોઈ આવીને બહારથી તે દીવાલ તોડીને આપણને બચાવશે તેવી પરાધીનતા સ્વીકારી લઈએ તો પછી ક્યારેય આપણે મોકળા મને ખુલ્લા ગગનમાં વિહરવા ન નીકળી શકીએ.
જો તમે પણ કોઈ ઈંટની દીવાલ પોતાની આસપાસ બનાવી હોય, કે બનેલી દીવાલની અંદર પુરાયેલા હોય તો કોશિશ કરજો કે તેને તોડવાનો, તેમાંથી બહાર નીકળવાનો બનતો પ્રયત્ન જરૂર કરો. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)