‘કિતાબે બહોત સી પઢી હોગી તુમને, મગર કોઈ ચહેરા ક્યા તુમને પઢા હૈ...’

આરોહણ

- રોહિત વઢવાણા Tuesday 19th September 2023 12:24 EDT
 

‘બાજીગર’ મુવીનું સુપરહિટ ગીત છે ‘કિતાબે બહોત સી પઢી હોગી તુમને, મગર કોઈ ચહેરા ક્યા તુમને પઢા હૈ...’ આ ગીત એક એવો પ્રશ્ન કરે છે કે શું આપણે કોઈનો ચહેરો વાંચી શકીએ છીએ? ના, જ્યોતિષની જેમ નહીં કે મસ્તકની રેખા જોઈને મનના હાલ બતાવી દે તેવી કળાની આ વાત નથી. આ તો માનવીય વર્તનને સમજવાની, માનવીય સ્વભાવને સમજવાની વાત છે. ‘રીડ પીપલ લાઈક અ બુક’ નામના પુસ્તકના લેખક પેટ્રિક કિંગ લખે છે કે વ્યક્તિને વાંચવી એ કંઈ એટલું મુશ્કેલ કામ નથી, તે કૌશલ છે જે અન્ય કોઈ પણ કૌશલની માફક જ શીખી શકાય છે. જરૂર છે માત્ર થોડી મહેનત કરવાની અને રસ લઈને માનવીય વર્તનને સમજવાની.

પેટ્રિક કિંગનું આ પુસ્તક ડેલ કાર્નેગીના ‘હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ’ સાથે સરખાવાય છે, તેનો આધુનિક અવતાર મનાય છે. આ પુસ્તકમાં માનવ વર્તનનો ઝીણવટથી અભ્યાસ કરીને કેટલાય તારણો આપ્યા છે અને ખુબ સરળ રીતે અને રસપ્રદ રીતે આપણને માનવીય વર્તન અને સ્વભાવ કેવી રીતે સમજવો તે શીખવ્યું છે.

પરંતુ વાત એ છે કે શું પુસ્તક વાંચીને જ આપણે વ્યક્તિને વાંચતા શીખી શકીએ? શું આપણે એક માનવ તરીકે બીજા માનવને સમજવા સક્ષમ નથી? મને લાગે છે કે દરેક મનુષ્યમાં એ કળા હોય છે કે તે બીજા મનુષ્યને સમજી શકે, તેને વાંચી શકે. તમારાં જીવનમાં પણ કોઈક વ્યક્તિ તો એવી હશે કે જેને સમજી શકતા હશો, જેના હાવભાવ વાંચી શકતા હશો, તેના મનમાં ચાલી રહેલા વિચારોને કળી શકતા હશો. તેને આપણે નજીકનો સંબંધ કહીએ છીએ. ગાઢ નાતો કહીએ છીએ, પરંતુ તે સંબંધ અને નાતામાંથી ઉદભવતી લાગણી અને સમજણને એક કળા તરીકે, એક કૌશલ તરીકે વિકસાવીને આપણે અન્ય લોકો માટે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલા માટે વ્યક્તિને માત્ર લાગણીથી જોડાઈને જ નહીં, પરંતુ સમજણથી અને કૌશલથી પણ વાંચી શકાય છે, તેમની અંદર ઉતરી શકાય છે.

જો આપણે વ્યક્તિને વાંચતા શીખી જઈએ તો જીવનની કેટલી બધી સમસ્યાઓ આપમેળે હલ થઈ જાય. મોટા ભાગના સંબંધોમાં ઝઘડા તો એટલે થતા હોય છે કેમ કે એક વ્યક્તિ એવું કહે છે કે તું તો મને સમજતો જ નથી અને એટલે પ્રશ્ન સમજવા પર આવીને ઉભો રહે છે. પછી કોઈ એવું કહે છે કે હવે તમે બદલાઈ ગયા છો તો તેનું કારણ પણ એ જ છે કે વ્યક્તિના બદલાતાં સ્વભાવ અને વિચારો સાથે આપણે તાલમેલ જાળવી શક્યા નથી. સ્વાભાવિક છે કે કોઈ માણસ હંમેશા તો એવો ને એવો ન જ રહે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ આવ્યો જ હોય છે. દરેક વ્યક્તિ બદલવાની જ છે, તેમની લાગણીઓમાં, તેમની પ્રાથમિકતાઓમાં પરિવર્તન આવવાનું જ છે, તો પછી શા માટે આપણે તેમની બદલતી અવસ્થાને સમજતા ન શીખી શકીએ. શા માટે આપણે માણસને પુસ્તકની જેમ વાંચતા ન શીખી શકીએ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus