‘દલીલશૂરા’ લોકોને નાથવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે તેમની સાથે દલીલ જ ટાળો

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 01st November 2022 13:53 EDT
 
 

કેટલાક લોકોને દલીલો કરવાનો માત્ર શોખ જ હોય છે. દરેક નાની-નાની વાતમાં તેઓ લાંબી લાંબી દલીલો કરતા રહે છે. ક્યારેક તરફેણમાં તો ક્યારેક વિરોધમાં અલગ અલગ ઉદાહરણો આપીને, નવા નવા દાખલા ટાંકીને કે પછી કોઈ સાહિત્યકાર, ઐતિહાસિક ગ્રંથો કે ઘટનાઓના સંદર્ભ આપીને તેવો પોતાની વાતને સાબિત કરવા મથતા હોય છે. વાસ્તવમાં તો તેમનો ઈરાદો કોઈ વાતની ખરાઈ કરવાનો નહીં, પરંતુ માત્ર વિવાદ કરવાનો જ હોય છે. કેટલી લાંબી દલીલ પોતે કરી શકે છે તે વાતથી જ તેઓ ખુશ થઈ જાય છે.

ક્યારેક એવું બને કે આપણે સામેવાળી વ્યક્તિની વાત સાથે સહમત ન હોઈએ અને એટલા માટે પોતાનો પક્ષ રજૂ કરવા આપણે વાતચીત અને સમજાવટનો સહારો લેવો પડે. આ વખતે આપણે પોતાની વાતનું વજુદ રજૂ કરવા માટે થઈને કોઈ મુદ્દા પર વિસ્તૃત ચર્ચામાં ઉતરતા હોઈએ છીએ. આ ચર્ચા વિચારણા પાછળનો હેતુ પોતાનો પક્ષ સારી રીતે સમજાવીને સામેવાળાના ધ્યાનમાં લાવવાનો હોય છે. સાથે સાથે આપણે તેની વાત પણ ધ્યાનથી સાંભળીએ અને તેમાં રહેલી વાસ્તવિકતાને પોતાની વાતના વજન સાથે સરખાવી જોઈએ તે જરૂરી છે. જ્યારે આપણે અને સામેવાળી વ્યક્તિ પરસ્પરસની વાતને સમજી જાય ત્યારે કોઈ એક વાત પર સહમત થઈએ છીએ. પોતાની અથવા તો સામેવાળી વ્યક્તિની અથવા તો પછી કોઈ મધ્યસ્થ વાત પર કબુલાત થઈ જાય અને એકબીજાને લાભાલાભ સમજાય ત્યારે વાતચીત ચર્ચા વિચારણા અને દલીલનો દોર પૂરો થઈ જતો હોય છે.
પરંતુ કેટલાક લોકો માટે એવી સંભાવનાઓ અસ્તિત્વ જ ધરાવતી નથી. તેઓ દલીલના શોખથી દલીલ કરે છે અને પોતે વાગવૈભવથી બીજાની વાતને તોડી પાડવા તથા પોતાની જ વાતને સાબિત કરી દેવા તત્પર હોય છે. સામેવાળાના તથ્ય સાથે અથવા તો પોતાની દલીલની ક્ષતિ સાથે તેમને કોઈ નિસબત જ હોતી નથી. તેમની વાતચીત અને ક્યારેક ક્યારેક તો સામેવાળાના સન્માનને ઠેસ પહોંચે તેવી વાણીનો ઉપયોગ પણ આવા લોકો કરી લેતા હોય છે. પોતાની દલીલને કે વાતને સાબિત કરીને પછી ભલે બધાનું નુકસાન થાય તો પણ તેમને વાંધો હોતો નથી. વિવાદ કરીને પોતાનું પ્રભુત્વ જમાવવાનો જ એકમાત્ર ઇરાદો તેમના મનમાં હોય છે.
તમે પણ ક્યારેક આવી વ્યક્તિઓને મળ્યા હશો અને તેમને કારણે શક્ય છે તમને અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હોય અથવા તો નિરાશ થઈને તેમની વાત સ્વીકારવી પડી હોય. આવી વ્યક્તિને કારણે શક્ય છે તમારે પણ ક્યારેક નુકસાન સહેવું પડ્યું હોય અથવા એ વાતને જ અધૂરી મૂકવી પડી હોય. આવા દરેક કિસ્સામાં પરિણામ માત્ર એક જ આવતું હોય છે - દલીલબાજની જીત અને સત્યની હાર.
જ્યારે આપણે આવી વ્યક્તિને મળીએ ત્યારે વિકલ્પ શું? શું આપણે પોતાની વાતને વધારે સારી રીતે સાબિત કરવા પોતાની દલીલને વધારે મજબૂત બનાવવી અને વધારે લાંબી વાતચીત કરવી જોઈએ? કે પછી તું સાચો કરીને પોતાની વાત છોડી દેવી જોઈએ અને નકામી માથાકૂટમાં ન પડવું વધારે હિતાવહ સમજવું જોઈએ? સમજુ લોકો એ વાતથી સહમત છે કે આવા દલીલબાજ લોકોને તેમના વાણી વિલાસ સાથે મોજ કરવા છોડીને પોતે પોતાની માનસિક શાંતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરવો જ સારો રહે. માટે હવે પછી ક્યારેય તમે પણ જો આવા વાણીના વૈભવવાળી વ્યક્તિને મળો તો કોશિશ એવી કરજો કે પોતાની માનસિક શાંતિ જળવાઈ રહે અને તેમની સાથે નાહકના વિવાદમાં પડીને માથાનો દુખાવો ન વહોરી લઈએ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus