ઉત્સવથી આતંકી ઓછાયા સુધી...

વિષ્ણુ પંડ્યા Wednesday 10th December 2014 09:30 EST
 

જાન્યુઆરીના બીજાં સપ્તાહથી એક પછી એક ઉત્સવો - પરિષદો - મિલનગોષ્ઠિઓ - પ્રદર્શનોની ભરમાર રહેશે. ગુજરાતમાં પહેલી જ વાર ‘પ્રવાસી ભારતીય દિવસ’ પણ ઉજવાશે. પછી ‘સ્પંદિત ગુજરાત’માં વિભિન્ન દેશોના વડાઓ પધારશે. આમાંના કેટલાક તો પહેલી જ વાર ગુજરાતમાં આવ્યા હશે. 

ગુજરાત વિશેનું તેમનું આકર્ષણ ૨૦૧૪ પછી બદલાયેલી રાજકીય પરિસ્થિતિ છે, આ રાજ્યના મુખ્ય પ્રધાને પોતાના પક્ષની બહુમતી પુરવાર કરીને, નવી દિલ્હીમાં વર્ષો જૂની કોંગ્રેસનો - અને તેના યુપીએ સરકારના સાથી પક્ષોનો - દબદબો ખેરવી નાખ્યો તેને લોકશાહી દેશો આશ્ચર્યપૂર્વક જોઈ રહ્યા છે, તો ચીન-પાકિસ્તાનને માટે ભારતમાં મોદી - ભાજપ - આરએસએસનું શાસન ઘણી રીતે અકારું તો લાગે છે, પણ તેમાંથી રસ્તો કાઢવાની જરૂરતે ય મહેસુસ કરી રહ્યા છે. જે દેશોના વડા પ્રધાનો કે પ્રતિનિધિ મંડળો અને ઔદ્યોગિક રોકાણકારોની કંપનીના સીઇઓ મોંઘીદાટ હોટેલોથી સીધા ગાંધીનગરમાં મહાત્મા મંદિરે મળનારી બેઠકોમાં જશે તેમને એ પણ ખ્યાલ છે કે વડા પ્રધાન મોદીનું ગુજરાત એક સરહદી રાજ્ય પણ છે અને તેનું પડોશી પાકિસ્તાન છે.
આગંતુકોનું બીજું આકર્ષણ ઉદ્યોગો માટેનાં રોકાણની તક ચકાસવાની છે અને ટાટા સહિતના ઉદ્યોગપતિઓ પશ્ચિમ બંગાળ છોડીને ગુજરાત આવ્યા તેમાં અહીંની સરકારી સાનુકૂળ સ્થિતિ તેમ જ ઔદ્યોગિક શાંતિ એ બે મુખ્ય કારણરૂપ છે. ત્રીજું ગુજરાત - આકર્ષણ શું છે, જાણો છો?

ગાંધી-સરદાર આકર્ષણનાં કેન્દ્રો
‘ગાંધીનું ગુજરાત’ એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે! ગાંધી જનમ્યા હતા પોરબંદરમાં, સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો હતો સાબરમતી કિનારે અને કૂચ કાઢી હતી દાંડી સુધી. આ ત્રણ ઐતિહાસિક ઘટનાઓની સાથે ચોથી તવારીખનું ઉમેરણ થઈ ગયું છે તે - જે ભારતના પ્રથમ વડા પ્રધાન બનવાની શક્તિ ધરાવતા હતા તે - વલ્લભભાઈ પટેલ ગુજરાતી હતા અને ‘સ્વાતંત્ર્ય પ્રતિમા’ - સ્ટેચ્યુ ઓફ લિબર્ટી-થી ઊંચેરી ‘એકતા પ્રતિમા’ નર્મદા કિનારે કેવડિયા પાસે ઊભી કરાઈ રહી છે તેનું છે.
અત્યાર સુધી વિદેશના અભ્યાસીઓ માત્ર ‘નેહરુનાં ભારત’ને જ ઓળખતા હતા, હવે વાત બદલાઈ છેઃ લોહપુરુષ વલ્લભભાઈ અને તેમનું રાષ્ટ્રીય પ્રદાન પણ સમજવાની શરૂઆત થઈ છે. સરદારનું જન્મનગર નડિયાદ, પિતૃ-ગામ કરમસદ, સત્યાગ્રહ કેન્દ્ર બારડોલી અને બોરસદ, મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાભૂમિ અમદાવાદ અને રાજ્યોનાં વિલીનીકરણમાં અઘરાં પ્રકરણ ‘જૂનાગઢ મુક્તિ’માં પ્રદાન. આ સરદાર - સ્મૃતિની જગ્યાઓ છે, અને પશ્ચિમ સાગરે સોમનાથ દેવાલયના જિર્ણોદ્ધારનો સરદાર - સંકલ્પ પણ એટલાં જ મહત્ત્વનો છે.

જાન્યુઆરીનો ધમધમાટ
વાયબ્રન્ટ દરમિયાન આ સઘળું વિવિધ સ્વરૂપે ઊજવાશે. ગાંધીનગરનું સચિવાલય ખરા અર્થમાં ‘કર્મયોગી’ બની ગયું છે! મહાત્મા મંદિરને સજાવાઈ રહ્યું છે, પરિષદોનાં આમંત્રણો તૈયાર થઈ રહ્યાં છે. એનઆરજી અને એનઆરઆઇ ‘પ્રવાસી ભારતીય દિવસ’ની ઉજવણીમાં હાજર રહેવાના એટલે તેમના નિવાસ માટે સરકીટ હાઉસ, વિશ્રામગૃહો, હોટેલો, તંબુઓ, ખાનગી નિવાસોને તાકીદ અપાઈ ચૂકી છે. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ બન્ને આવશે એટલે મહોત્સવનો રંગ ખીલશે.
મહાત્મા મંદિરમાં શાપુરજી એન્ડ કંપનીએ હાથમાં લીધેલાં કામોમાંનું એક ગાંધી-જીવનની ઐતિહાસિકતાને ‘નજર સામે’ કરવાનો પ્રકલ્પ પણ છે. શ્યામ બેનેગલનાં ‘સંવિધાન’ સિરિયલ સહિત અનેકોમાં કામ કરી ચૂકેલા મનોજ તિવારી તેને આકાર આપવા મથી રહ્યા છે. એ જ રીતે પ્રવાસી ભારતીય દિવસની આસપાસ એક સાંજે ‘પ્રણામ, મહાત્મા!’નો ‘મેગા ઇવેન્ટ શો’ થશે. તેની પટકથામાં આ લેખકે ૧૯૧૪થી ૧૯૪૭ ગાંધીના ભારતનાં ૧૦૦ વર્ષની દાસ્તાં પ્રસ્તુત કરી છે, તેનો અભિનેતાઓ કુશળતાથી અસરકારક દર્શાવશે.
આ વર્ષે ૨૬ જાન્યુઆરીનો રાજ્ય સ્તરનો પ્રજાસત્તાક ઉત્સવ દેવભૂમિ દ્વારકામાં આકાર લેશે. સુદૂર પશ્ચિમે - દેશના સૌથી આર્થિક પછાત વિસ્તાર તરીકે જાણીતા ઓખા - દ્વારકાની પાસે આજે તો દરિયાકિનારો અને દ્વારિકાધીશનું મંદિર, એ સિવાય કોઈ ખાસ સમૃદ્ધિ રહ્યાં નથી. પણ શ્રીકૃષ્ણની દ્વારિકા, સમુદ્રમાં ડૂબેલી દ્વારિકા, આદિ શંકરાચાર્યથી ગુરુ નાનક અને શ્રીમદ્ વલ્લભાચાર્ય સુધીના સંતો - મહાત્માઓની યાત્રાભૂમિ, મીરાબાઈ અને ઇસરદાનનું આત્મવિસર્જન, ૧૮૫૭માં વાઘેરોનો યાદગાર વિદ્રોહ, આટલી ઝળહળતી ઇતિહાસ-રેખા જરૂર છે. ૨૬મીએ તેનું નિરુપણ પ્રજાકીય અતીતને ઉજાગર કરશે.

હાફિઝ સઈદ અને ગોધરા
ઓસામા બિન લાદેન, બગદાદી અને પાકિસ્તાનનો હાફિઝ સઇદ. આ ત્રણ નામ ઝનૂની આતંકવાદી વિચારધારાના ઝંડાધારીઓનાં છે. લાદેન તો મરાયો, પણ હાફિઝ ઝેર ઠાલવી રહ્યો છે. કાશ્મીરમાં થયેલી ઐતહાસિક ચૂંટણીથી તેનું માથું ફરી ગયું છે. ‘ગઝવાઈ હિન્દ’ અને ‘હિન્દુસ્થાન સામેનો જંગ’ અનિવાર્ય છે એમ કહીને તેણે ‘કાશ્મીરની આઝાદી’ લાવીશું તેવું જણાવ્યું છે. તેણે કહ્યું કે અમે ‘જેહાદી’ છીએ, ‘આતંકવાદી’ નથી. જમાત-ઉદ-દાવા પાકિસ્તાનને ‘મહાન ઇસ્લામિક દેશ’ બનાવશે. ૧૯૭૧માં થયેલી હારનો અમે બદલો લેશું...
આ જ ભાષણમાં તેણે ‘૨૦૦૨ના ગોધરા - રમખાણોના પીડિતોને ન્યાય અપાવીશ’ એવું પણ કહ્યું છે. સરવાળે આઇએસ - એક ખિલાફતી રાજ્ય સ્થાપવાની હિકમત શરૂ થઈ છે તેમાં ભારત સહિતના વિવિધ દેશોના યુવાનોને ખેંચવાનો સુનિયોજિત પ્રયાસ થઈ રહ્યો છે. તાલીબાનો, લશ્કરે-તોઇબા, જમાત-ઉદ-દાવા... આ બધાનો છેવટનો મતલબ ઝનૂન સાથે જોડાયેલો છે તેને માટે તે વિવિધ સમસ્યાઓ (કાશ્મીર, બાબરી મસ્જિદ વગેરે)નો નિમિત્ત લઈને આતંક મચાવવાની કોશિશ કરી રહ્યાં છે. ગુજરાત પણ તેનાં પડછાયાથી મુક્ત નથી.


comments powered by Disqus